અમાસના તારા (1953) : ગુજરાતી લેખક કિશનસિંહ ચાવડાનાં સ્મૃતિચિત્રોનો સંગ્રહ. એમાં સ્વાનુભવના ચિરસ્મરણીય પ્રસંગો તથા વ્યક્તિચિત્રો છે. એ પ્રસંગો એમણે ‘જિપ્સી’ તખલ્લુસથી સામયિકોમાં લખેલા. વિષય અને નિરૂપણરીતિ બંનેને કારણે આ પુસ્તકે વાચકોનું અનન્ય આકર્ષણ કરેલું. એમની શૈલી પ્રાણવાન તથા ચિત્રાત્મક છે. ‘હાજી ગુલામ મહમદ’ અને ‘સાઇકલ’ જેવા લેખો તો નન્નુ ઉસ્તાદ, ફૈયાઝખાં, ફક્કડ ચાચા ઇત્યાદિનાં રેખાચિત્રો વાર્તારસ જમાવે છે. પ્રત્યેક લેખનું એ રીતે આગવું વ્યક્તિત્વ છે. તેમાં લેખકના વૈશિષ્ટ્યની છાપવાળી નિરૂપણરીતિ છે. લેખકની સૌષ્ઠવપૂર્ણ શૈલી અને ઉચ્ચ કોટિની રસિકતાને કારણે આ લેખો ગુજરાતી સાહિત્યની એક સ્મરણીય રચના બની રહેલ છે.

ચન્દ્રકાન્ત મહેતા