અમાનો, હિરોશી (Amano, Hiroshi) (જ. 11 સપ્ટેમ્બર 1960, હમામાત્સુ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા કાર્યક્ષમ ડાયોડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઇસામુ આકાસાકી તથા શૂજી નાકામુરા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો.
શાળાકીય દિવસોમાં અમાનોને અભ્યાસ પ્રત્યે અણગમો હતો, પરંતુ તેઓ ગણિતના વિષયમાં કુશળ હતા. હાઈસ્કૂલમાં તેઓ અભ્યાસ પ્રત્યે ગંભીર બન્યા અને ખૂબ મહેનત કરીને અગ્રિમ વિદ્યાર્થી બન્યા. તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી.ની પદવી નાગોયા યુનિવર્સિટીમાંથી મેળવી. 1982માં તેઓ નાગોયા યુનિવર્સિટીમાં ઇસામુ આકાસાકીના સંશોધનજૂથમાં પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં તેમણે નાઇટ્રાઇડ અર્ધવાહકોની વૃદ્ધિ, ગુણધર્મો તથા ઉપયોગિતા પર સંશોધનો કર્યાં. આ પદાર્થો વાદળી પ્રકાશ ઉત્પન્ન કરતા ડાયોડ(LED)માં આજે પણ વપરાય છે. 1989માં તેમણે દુનિયામાં પ્રથમ વખત ગૅલિયમ નાઇટ્રાઇડ આધારિત વાદળી તથા પારજાંબલી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયોડનું સર્જન કર્યું.
અમાનોએ 1992થી 2002 સુધી મીજો યુનિવર્સિટીમાં સહ-પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 2010થી તેઓ નાગોયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે.
પૂરવી ઝવેરી