અમરકંટક : પ્રાચીન વિદર્ભ દેશમાં આવેલું નર્મદા અને શોણ નદીનું ઉદગમસ્થાન. મધ્ય પ્રદેશમાં રીવાથી 256 કિમી. દૂર સપ્તકુલ પર્વતો પૈકીના ઋક્ષપર્વત પર જમીનથી 762.5 મીટર ઊંચે આ સ્થાન આવેલું છે. નર્મદાનો ઉદગમ ત્યાં એક પર્વતકુંડમાંથી થયેલો બતાવાય છે, પણ વાસ્તવિક ઉદગમ એનાથી થોડે દૂર સોમ નામની ટેકરીમાંથી થાય છે. બાણભટ્ટે આથી નર્મદાને ‘સોમોદભવા’ કહી છે. ત્યાંથી સહેજ નીચે ઊતરી નર્મદા એક નાળારૂપે વહેવા લાગે છે. ત્યાંથી નર્મદાનીર 33 મીટર નીચે પડતાં કપિલધારા નામનો પહેલો ધોધ રચાય છે. આગળ જતાં એ નીરમાં વળતાં ફીણને કારણે એ દૂધ જેવું સફેદ લાગવાથી એ સ્થાનને ‘દુગ્ધધારા’ કહે છે. શોણ નદીનો ઉદગમ નર્મદાના ઉદગમથી લગભગ 1 કિમી. દૂર સોમ-મૂઢા નામના સ્થાને જોવામાં આવે છે. નર્મદા-સ્રોત જેટલો જ શોણ-સ્રોત પણ પવિત્ર મનાય છે. મહાભારતના વનપર્વ (85-9)માં નર્મદા-શોણના ઉદભવ પાસે વંશગુલ્મ નામના તીર્થનો ઉલ્લેખ છે. આજે એ સ્થાનને ‘વાસીમ’ કહેવામાં આવે છે. અમરકંટકના અનેક પ્રાચીન મંદિરો અને મૂર્તિઓ જોવામાં આવે છે. ત્રિપુરિના કલચુરિ નરેશ કર્ણદેવે (1041-1073) બંધાવેલ કર્ણદેહરિયા નામનું મંદિર તેનાં ત્રણ શિખરોને કારણે ભવ્ય છે. અહીં ત્રણ ગર્ભગૃહોને જોડતો સંયુક્ત મંડપ હતો જે નષ્ટ થયો છે. આ મંદિરની બહારની દીવાલો પર દેવદેવીઓની પ્રતિમાઓ કંડારેલી છે. અહીંના મચ્છીંદ્ર મંદિરનું શિખર ઓરિસાનાં ભુવનેશ્વરનાં મંદિરોનાં શિખરોની અનુકૃતિરૂપ જણાય છે, જ્યારે ગર્ભગૃહ અને મંડળની રચના કર્ણદેહરિયાને મળતી આવે છે. અમરકંટકના જ એક ભાગરૂપ અમરકૂટ નામની પહાડી આવેલી છે, જે ગીચ વનોથી આચ્છાદિત છે. કાલિદાસે મેઘદૂત (1-16)માં વર્ણવેલ આમ્રકૂટ તે આ હોવાનું મનાય છે.
પ્રવીણચંદ્ર પરીખ