અમદાવાદ મિલમાલિક મંડળ : અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે 1861માં સૌપ્રથમ કાપડની મિલ સ્થાપ્યા પછી વધુ મિલો સ્થપાતી જતી હતી. આથી ઉદય પામતા મિલઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવા તેના અગ્રેસરો રણછોડલાલ છોટાલાલ, મંગળદાસ ગીરધરદાસ, મનસુખભાઈ ભગુભાઈ અને લાલભાઈ દલપતભાઈ જેવા મિલમાલિકોએ 1891માં અમદાવાદ મિલમાલિક મંડળની સ્થાપના કરી. રણછોડલાલ છોટાલાલ તેના પ્રથમ પ્રમુખ બન્યા. સમય જતાં ગુજરાતની બધી મિલો તેની સભ્ય બની. આ મંડળે કાપડ ઉદ્યોગનાં હિતોનું રક્ષણ કરવાના સર્વ પ્રયાસો કર્યા છે. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ આ મંડળે કામદારો સાથેની સમસ્યાઓ લવાદીથી ઉકેલી છે. સહકાર અને સમજદારીની ભાવનાને પરિણામે છેલ્લા પાંચ દાયકાથી આ ઉદ્યોગમાં કોઈ મોટી હડતાળ પડી નથી.
આ મંડળને કેન્દ્ર અને રાજ્ય સરકારે માન્યતા આપી છે, તથા તેને અનેક સરકારી જાહેર સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. આ મંડળનું નામ બદલીને ‘અમદાવાદ કાપડ મિલમાલિક મંડળ’ રાખવામાં આવ્યું છે. સંસ્થાનું પોતાનું મકાન આશ્રમ રોડ ઉપર બાંધવામાં આવ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અછતનો અંકુશિત માલ સરકારની મદદથી મેળવીને વહેંચવાની જવાબદારી આ મંડળે લીધી હતી. કુદરતી આફતની અસરવાળા દેશના કોઈ પણ ભાગમાં આ મંડળે લોકોને મદદ પહોંચાડી છે.
કાપડ ઉદ્યોગના ટૅકનૉલોજી સંશોધન માટે આ મંડળે 1947માં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન(અટીરા)ની સ્થાપના કરી છે. આ મંડળના 71 સભ્યો અટીરાના સ્થાપક સભ્યો બન્યા છે. તેમાં તેમણે રૂ. 50 લાખનો ફાળો આપ્યો છે.
જયકુમાર ર. શુક્લ