અભ્યંકર વાસુદેવ શાસ્ત્રી (1862–1943) : મહારાષ્ટ્રના પ્રખ્યાત સંસ્કૃત વૈયાકરણ તેમજ અનેક શાસ્ત્રોના નિષ્ણાત. 1921માં બ્રિટિશ સરકારે એમને મહામહોપાધ્યાયની પદવી આપીને એમની વિદ્વત્તાને બિરદાવેલી. એમણે સતારાના રામશાસ્ત્રી ગોડબોલે પાસે બાલ્યવયથી જ સંસ્કૃતનું અધ્યયન કરેલું. તે પછી તેમની નિમણૂક પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તથા સંસ્કૃત પાઠશાળામાં શાસ્ત્રી તરીકે થયેલી. તેમણે વ્યાકરણ, વેદાન્ત, મીમાંસા, સાહિત્ય, ન્યાય, તર્ક, જ્યોતિષ, ધર્મ ઇત્યાદિ વિષયોમાં અવગાહન કરીને અનેક ગ્રંથો લખ્યા છે. એમના મુખ્ય ગ્રંથો નીચે પ્રમાણે છે :
ટીકાગ્રંથ : (1) સર્વદર્શનસંગ્રહટીકા, (2) મીમાંસાન્યાયપ્રકાશટીકા, (3) સિદ્ધાંતબિન્દુટીકા, (4) શ્રીભાષ્યચતુ:સૂત્રીટીકા, (5) કુણ્ડાર્કટીકા, (6) યતીન્દ્રમતદીપિકાટીકા, (7) ગીતાધ્યાયટીકા. મૌલિક ગ્રંથ : (1) અદ્વૈતામોદ, (2) કાવ્યામોદ, (3) ધર્મતત્ત્વનિર્ણય, (4) ધર્મતત્ત્વ- નિર્ણયપરિશિષ્ટમ્, (5) સૂત્રાન્તપરિગ્રહવિચાર. મરાઠી અનુવાદો : (1) બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય, (2) પાતંજલમહાભાષ્ય, (3) ન્યાયકોષાંચે સંપાદન.
અર્વાચીન યુગમાં સંસ્કૃત ટીકાસાહિત્યને સમૃદ્ધ કરવામાં વાસુદેવ શાસ્ત્રીનો ઘણો મોટો ફાળો છે.
ચન્દ્રકાન્ત મહેતા