અભ્યુપગમતર્ક

January, 2001

અભ્યુપગમતર્ક : પ્રતિવાદીનો મત વાદીને સ્વીકાર્ય ન હોય તોપણ, તે મતને સ્વીકારવા ખાતર સ્વીકારીને પછી, પ્રતિવાદીના મતને ખોટો ઠરાવવા માટે તર્ક રજૂ કરવામાં આવે તે ચર્ચા-પદ્ધતિ. ધારો કે વાદી પર્વતમાં ધૂમ્રને જોઈને ત્યાં અગ્નિ હોવાનું અનુમાન કરે છે, પરંતુ, પ્રતિવાદી એ વાત ન માને અને કહે છે – પર્વતમાં ધૂમ્ર દેખાય છે. પરંતુ ત્યાં અગ્નિ હોવો જોઈએ એમ હું માનતો નથી. આની સામેનો વાદી પ્રથમ તો પ્રતિવાદીના મતનો અભ્યુપગમ અર્થાત્ સ્વીકાર કરી લે છે. એટલે કે, માની લીધું કે ત્યાં પર્વતમાં અગ્નિ નથી. પછી વાદી તર્કનો આશ્રય લઈને પ્રતિવાદીના મતને ખોટો સાબિત કરે છે. વાદી, પ્રતિવાદીને કહે છે કે, જો પર્વતમાં અગ્નિ ન હોય તો ધૂમ્ર પણ ન હોત (यदि वह्निः न स्यात्, तर्हि धूम्रः अपि न स्यात्) ; કારણ કે અગ્નિ વિના ધૂમ્રનું અસ્તિત્વ ન હોઈ શકે. આ વાત તો પ્રતિવાદીએ પણ સ્વીકારવી જ પડે. પરિણામે પ્રતિવાદીએ સ્વીકારવું જ પડે કે પર્વતમાં જ્યાં ધૂમ્ર દેખાય છે ત્યાં અગ્નિ હોવો જોઈએ.

અભ્યુપગમ એ ન્યાયસૂત્રમાં નિર્દિષ્ટ સિદ્ધાંતના ચાર પ્રકારોમાંનો એક પ્રકાર છે. જેનું પરીક્ષણ ન થયું હોય તેવા મતનો સ્વીકાર કરીને પછી તે મતનું પરીક્ષણ કરવું તે. આવા પરીક્ષણને ‘અભ્યુપગમ સિદ્ધાંત’ કહે છે. (अपरीक्षिताभ्युपगमात् तदविशेषपरीक्षणम् अभ्युपगमसिद्धान्तः ।। —न्या. सू. 1-1-31)

તર્કનું લક્ષણ આ પ્રમાણે છે : જે પદાર્થનું તાત્ત્વિક સ્વરૂપ ન જણાયું હોય, તેવા પદાર્થ વિશે, તે પદાર્થ આવો હોય એ અંગે કારણો સંભવિત છે એમ દર્શાવીને, તત્ત્વજ્ઞાનના પ્રયોજન માટે ઊહ (અટકળ) કરવામાં આવે તેને તર્ક કહે છે. (अविज्ञाततत्वेઽर्थेकारणोपपतितः तत्वज्ञानार्थमूहः तर्कः ।। —न्या. सू. 1-1-40 । अथवा व्याप्यारोपेण व्यापकारोपः तर्कः ।। तर्कसंग्रहः)

લક્ષ્મેશ વ. જોશી