અભિસરણતંત્ર
(Circulatory system)
પ્રાણીશરીરમાં જીવનાવશ્યક વસ્તુઓને શરીરના વિવિધ ભાગો તરફ વહન કરતું તેમજ શરીરમાં પ્રવેશેલ કે ઉદભવેલ ત્યાજ્ય પદાર્થોના ઉત્સર્જન માટે જે તે અંગ તરફ લઈ જતું વહનતંત્ર.
પ્રત્યેક પ્રાણી જીવનાવશ્યક પોષકતત્ત્વો તથા પ્રાણવાયુ જેવા પદાર્થો પર્યાવરણમાંથી મેળવે છે. તે જ પ્રમાણે ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ-દ્રવ્યોને શરીરમાંથી તે બહાર કાઢે છે. પ્રજીવો જેવા સૂક્ષ્મજીવીઓમાં આ પ્રકારનો વિનિમય પ્રસરણથી થાય છે; પરંતુ મોટા કદનાં પ્રાણીઓમાં પર્યાવરણમાંથી શરીરના વિવિધ ભાગો તરફ તેમજ શરીરના વિવિધ ભાગોમાંથી પર્યાવરણ તરફ લઈ જવા અભિસરણતંત્રરૂપ એક સ્વતંત્ર તંત્રની ગોઠવણ અનિવાર્ય બને છે. તે તંત્ર દ્વારા શરીરના ભાગો ઇચ્છિત પદાર્થો મેળવે છે તેમજ ત્યાજ્ય પદાર્થો બહાર કાઢે છે.
સછિદ્રો (porifera) અનેક કોષોના બનેલા છે; પરંતુ આ બધા કોષો સ્વતંત્ર રીતે જીવનની તમામ પ્રક્રિયાઓ કરે છે. તેથી આ જળવાસી પ્રાણીઓમાં પર્યાવરણરૂપ પાણીને પ્રત્યેક કોષ તરફ લઈ જવાની વ્યવસ્થા છે. સછિદ્રોનું શરીર છિદ્રયુક્ત હોય છે. આ છિદ્રો દ્વારા પાણી કોષો તરફ વહે છે. ત્યારબાદ આ પાણી એક મધ્યગુહામાં ભેગું થાય છે. છેવટે અસ્યક (osculum) તરીકે જાણીતા એક મહાછિદ્ર દ્વારા પાણી બહાર નીકળી જાય છે.
કોષ્ઠાંત્રીઓ(coelenterata)ના શરીરના બધા કોષો બે પડોમાં ગોઠવાયેલા હોય છે. તેમાંના બાહ્ય પડના કોષો પર્યાવરણના સંપર્કમાં હોય છે, જ્યારે અંદરના પડના કોષો કોષ્ઠાંત્ર નામની ગુહાની ફરતે આવેલા હોય છે. કોષ્ઠાંત્ર મુખ વાટે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે. માત્ર પ્રસરણથી આસપાસના કોષો તેમજ પર્યાવરણ સાથે તે સંપર્ક સાધી શકે છે.
પૃથુકૃમિઓનું શરીર વિવિધ તંત્રોમાં ગોઠવાયેલું હોય છે. તેમનો અન્નમાર્ગ શાખાપ્રબંધિત હોય છે અને પચેલા ખોરાકને શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડે છે. તે જ પ્રમાણે ઉત્સર્ગતંત્ર પણ શાખા-પ્રબંધિત હોય છે. અંત્ય શાખાઓને છેડે જ્યોતકોષો (flame cells) આવેલા હોય છે. આ જ્યોતકોષો શરીરમાંથી દ્રાવ્ય ઉત્સર્ગદ્રવ્ય સ્વીકારીને શાખાઓમાં ખાલી કરે છે. આ શાખાઓ એક મુખ્યવાહિની સાથે સંકળાયેલી હોય છે. શાખાઓ મુખ્યવાહિનીમાં ઉત્સર્ગદ્રવ્યોને ઠાલવે છે. તેના મુખ્ય છિદ્ર વાટે આ ઉત્સર્ગદ્રવ્યોને છેવટે શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.
સૂત્રકૃમિઓમાં અન્નમાર્ગ એક સીધા નલિકાકારે આવેલો હોય છે અને તે મોટેભાગે આંતરડાનો બનેલો હોય છે. ખોરાક આ આંતરડામાં શોષણ પામીને શરીરમાં પ્રસરે છે. શરીરગુહા પ્રવાહીયુક્ત હોય છે અને ત્યાં એકઠો થયેલો દ્રાવ્ય કચરો ઉત્સર્જનાંગોના ભાગ તરીકે આવેલી બે નલિકાઓમાં પ્રસરે છે. એક નલિકાને છેડે ઉત્સર્જનદ્વાર હોય છે, તે દ્વારમાંથી ઉત્સર્ગદ્રવ્યો બહાર ફેંકાય છે.
સૌપ્રથમ અભિસરણ(અથવા પરિવહન)ની ગોઠવણ નૂપુરકો(annelida)માં જોવા મળે છે. આ તંત્ર મુખ્યત્વે રુધિર અને રુધિરવાહિનીઓનું બનેલું હોય છે, જ્યારે હૃદયને સ્થાને કેટલીક વાહિનીઓ સ્પંદનનું કાર્ય કરે છે. રુધિરરસમાં શ્વસનરંજક હીમોગ્લોબિન ઓગળેલું હોય છે, તેથી રુધિર રંગે લાલ દેખાય છે. રુધિરમાં કોષ તરીકે માત્ર રંગવિહીન રુધિરકણો આવેલા હોય છે. રુધિર રુધિરવાહિનીઓમાંથી જ વહે છે. એ રીતે તે બંધતંત્ર (closed system) તરીકે કાર્ય કરે છે.
નૂપુરક સમુદાયના અળસિયામાં રુધિરના વહન માટે ત્રણ મુખ્ય લાંબી વાહિનીઓ આવેલી હોય છે. તે પૈકી અન્નમાર્ગને સમાંતર પૃષ્ઠ બાજુએથી આવેલી વાહિનીને પૃષ્ઠવાહિની (dorsal vessel) કહે છે. તે વાલ્વયુક્ત હોવાને કારણે માત્ર આગળની દિશાએ રુધિર વહે છે. પૃષ્ઠાંત્રવાહિની(dorso-intestinal)ઓ અન્નમાર્ગમાંથી રુધિર મેળવીને તેને પૃષ્ઠાંત્રવાહિનીમાં ઠાલવે છે. ચેતાતંત્રની નીચે સમાંતર એવી વક્ષ (ventral) બાજુએ એક લાંબી વાહિની આવેલી હોય છે. તેને અધોચેતાવાહિની કહે છે. તે પ્રત્યેક ખંડમાં સમામિલવાહિની (commissural vessel) દ્વારા પૃષ્ઠવાહિનીમાં રુધિરને ઠાલવે છે.
અન્નમાર્ગની નીચે તેને સમાંતર વહેતી ત્રીજી લાંબી વાહિનીને વક્ષવાહિની (ventral vessel) કહે છે. તે વિતરકવાહિની તરીકે કાર્ય કરે છે. તેની વક્ષાંત્રીય (ventro-intestinal) વાહિની શાખા, અન્નમાર્ગને અને અધસ્ત્વચીય શાખા શરીરની દીવાલ, ઉત્સર્ગિકા ઇત્યાદિને રુધિર પહોંચાડે છે.
અળસિયાના પહેલા 13 ખંડોમાં આવેલી હૃદયવાહિનીઓ(heart vessels)ની ચાર જોડ પૃષ્ઠવાહિનીમાં આવેલા રુધિરને વક્ષરુધિરવાહિનીમાં ખાલી કરે છે. તે જ પ્રમાણે આ 13 ખંડોમાં જઠર તેમજ અન્નમાર્ગમાંથી રુધિરને ભેગું કરીને પાશરૂપ (loop) વાહિનીઓ દ્વારા હૃદયવાહિનીઓમાં ખાલી કરવાની વ્યવસ્થા પણ છે.
આમ અળસિયામાં પરિવહનતંત્ર દ્વારા અન્નમાર્ગમાંથી ખોરાકને મેળવી પૃષ્ઠવાહિની તરફ લઈ જવામાં આવે છે, અને વક્ષરુધિરવાહિની દ્વારા ખોરાકને વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે. વળી જ્યારે વક્ષરુધિરમાંનું રુધિર ત્વચામાંથી પસાર થાય છે ત્યારે અળસિયું અંગારવાયુને ત્યજી પ્રાણવાયુ મેળવે છે. અળસિયામાં ઉત્સર્ગદ્રવ્યના ત્યાગ માટે અન્ય વ્યવસ્થા હોય છે અને પરિવહન તંત્ર તે કામ ઉપાડતું નથી.

આકૃતિ 1 : અનુક્રમે અળસિયું, કીટક અને સમુદ્રતારાનાં અભિસરણતંત્રો
કીટકોમાં રુધિરાભિસરણ તંત્ર : સંધિપાદ સમુદાયના કીટકોમાં આવેલું શ્વસનતંત્ર પ્રાણવાયુને વિવિધ ભાગોમાં પહોંચાડે છે, જ્યારે અંગારવાયુને ભેગો કરીને તેને શ્વસન-છિદ્રો (spiracles) દ્વારા ત્યજે છે. તેથી કીટકોમાં રુધિરતંત્રનો વિકાસ અતિઅલ્પ જોવા મળે છે. વળી પરિવહન દરમિયાન પસાર થતું લોહી એક તબક્કે શરીરગુહામાં ભેગું થતું હોય છે. તેથી આ તંત્રને ખુલ્લું તંત્ર (open system) કહે છે અને શરીરગુહા રુધિરગુહા (haemocoel) તરીકે ઓળખાય છે. કીટક-વંદામાં રુધિરગુહાની મધ્યમાં એક કમાન આકારનો પડદો આવેલો હોય છે. આ પડદો છિદ્રિત હોય છે અને તેને ઉરોદરપટલ (diaphragm) કહે છે. આ ઉરોદરપટલને લીધે રુધિરગુહા પૃષ્ઠભાગમાં આવેલા પરિહૃદયકોટરમાં તેમજ વક્ષભાગમાં આવેલા અધ:કોટરમાં વિભાજિત રહે છે. પરિહૃદયકોટરમાં ઉરોદરપટલ ઉપર આવેલું હૃદય 13 ખંડોનું બનેલું હોય છે. પ્રત્યેક ખંડ ગળણીના આકારનો હોય છે. તે પશ્ચ બાજુએથી પહોળો હોય છે. ત્યાં બે વાલ્વયુક્ત મુખિકાઓ આવેલી હોય છે, જે રુધિરગુહામાં ખૂલે છે. હૃદયના આગલે છેડે પૃષ્ઠવાહિની હોય છે. મુખિકા વાલ્વયુક્ત હોવાને કારણે રુધિર માત્ર આગળની દિશાએ વહે છે. આ વ્યવસ્થા હેઠળ પરિહૃદયકોટરમાં આવેલું રુધિર હૃદયમાં પ્રવેશે છે અને તે આગળની દિશાએ વહે છે. હૃદય જ્યારે સંકોચ પામે છે ત્યારે પૃષ્ઠવાહિની દ્વારા રુધિરનું સિંચન થાય છે અને તે શરીરના વિવિધ ભાગોમાં ફેલાય છે. ત્યાંથી રુધિર છેવટે અધ:કોટરમાં ભેગું થાય છે. ઉરોદરપટલ સાથે પ્રત્યેક ખંડમાં જોડમાં આવેલા પક્ષાકારી (alary) સ્નાયુઓ જોડાયેલા હોય છે. તે ઉપરિકવચ (tergum) સાથે ચોટેલા હોય છે. પક્ષાકારી સ્નાયુઓના સંકોચનને લીધે અધ:કોટરમાંનું રુધિર પરિહૃદયકોટરમાં પ્રવેશે છે. શરીરમાં ઉત્સર્જન માટે અલગ વ્યવસ્થા હોય છે.
સ્તરકવચીઓ(crustacea)ના શરીરના વિવિધ ભાગોમાં વાયુની આપલે રુધિર દ્વારા થાય છે. ઉપરાંત, ભક્ષકકોષો હોવાને કારણે તે ઉચ્ચ પ્રાણીઓના શ્વેતકણોની જેમ હાનિકારક પદાર્થોનું ભક્ષણ કરવાનું કાર્ય પણ કરે છે; પરંતુ તેમના રુધિરમાં રક્તકણો હોતા નથી જ્યારે શ્વસનરંજક રુધિરરસમાં ઓગળેલું હોય છે. હીમોસાયનિન નામે ઓળખાતો આ શ્વસનરંજક તાંબાવાળો, વાદળી રંગનો પદાર્થ હોય છે, તેથી રુધિરનો રંગ પણ સહેજ વાદળી દેખાય છે. હૃદય સાથે મધ્યસ્થ તેમજ જોડમાં આવેલી વાહિનીઓ સંકળાયેલી હોય છે, તેથી હૃદયમાં પ્રવેશેલું રુધિર સંકોચન દરમિયાન શરીરના વિવિધ ભાગોમાં પ્રસરે છે. આ સમૂહનાં પ્રાણીઓના શરીરમાં જ્યાં ત્યાં રુધિરકોટરો આવેલાં હોય છે. જુદા જુદા ભાગોમાંથી પસાર થતું રુધિર છેવટે રુધિરકોટરમાં સંઘરાય છે. ઉરસ્ પ્રદેશમાં આવેલા ઉરોંત:વર્ધ (endophragma) તંત્ર કહેવાતા અંગને લીધે રુધિરકોટર પૃષ્ઠ બાજુનું પરિહૃદકોટર અને વક્ષ બાજુનું અધ:કોટર – એમ બે ભાગોમાં વહેંચાયેલું હોય છે. હૃદય પરિહૃદકોટરમાં હોય છે. તે એકખંડીય હોય છે અને મુખિકા તરીકે ઓળખાતા વાલ્વયુક્ત છિદ્રો ધરાવે છે. વાલ્વોને લીધે છિદ્રોમાંથી રુધિર માત્ર હૃદયમાં પ્રવેશી શકે છે. હૃદય જ્યારે શિથિલ બને છે ત્યારે પરિહૃદકોટરમાં આવેલું રુધિર હૃદયમાં પ્રવેશે છે. રુધિરથી ભરેલું હૃદય સંકોચન પામતાં જુદી જુદી વાહિનીઓ દ્વારા રુધિર શરીરના વિવિધ ભાગો તરફ વહે છે. દરમિયાન પરિહૃદકોટરમાં રુધિરના અભાવથી ઋણ દબાણ ઊભું થતાં, ઝાલરની બહિર્વાહી ધમનીમાંથી પસાર થતું રુધિર પરિહૃદકોટર તરફ ખેંચાય છે, તેથી માત્ર પ્રાણવાયુયુક્ત રુધિર પરિહૃદકોટરમાં જોવા મળે છે. ઝાલરોમાં હવાની આપલે થાય છે અને ત્યાં રુધિર પ્રાણવાયુયુક્ત બને છે. ઝાલરની બહિર્વાહી ધમનીઓ ખાલી થતાં પ્રાણવાયુયુક્ત રુધિર ફરીથી બહિર્વાહી ધમનીઓમાં પ્રવેશે છે. હવે ઋણ દબાણની અસર હેઠળ અધ:કોટરમાં આવેલું રુધિર ઝાલર તરફ ખેંચાય છે. ઉપરાંત આ ઋણ દબાણની અસર હેઠળ શરીરના જુદા જુદા ભાગોમાં આવેલું રુધિર અધ:કોટરમાં એકઠું થાય છે. ઉત્સર્જન માટે અલગ વ્યવસ્થા હોય છે. શરીરગુહામાં રુધિર પ્રવેશતું હોવાથી સ્તરકવચીઓનું અભિસરણતંત્ર પણ ખુલ્લા પ્રકારનું હોય છે.

આકૃતિ 2 : અભિસરણતંત્રના ભિન્ન સ્તરો
મૃદુ શરીરોમાં હૃદય કર્ણક (auricle) તેમજ ક્ષેપક (ventricle) – એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. કર્ણક એક હોય અથવા બે. રુધિર ઘણે અંશે રંગવિહીન હોય, જોકે તેમાં અમુક પ્રમાણમાં શ્વસનરંજક હીમોસાયનિન હોય છે. વળી રુધિરરસમાં શ્વેતકણો આવેલા હોય છે, ક્ષેપક સ્નાયુયુક્ત હોય છે અને તેના સંકોચનથી રુધિર ધમનીઓ દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં વહે છે. ત્યાંથી તે રુધિર અધ:કોટરમાં ભેગું થાય છે. અહીં આંતરડાંમાંથી પસાર થતું રુધિર ખોરાકને સ્વીકારે છે. કોટરોમાંનું રુધિર મૂત્રપિંડમાંથી પસાર થાય છે ત્યારે તે પ્રવાહી ઉત્સર્ગદ્રવ્યોને ત્યજે છે. તે જ પ્રમાણે જ્યારે રુધિરરસ પ્રવારગુહા (mantle cavity) અને/અથવા શ્વસનાંગોમાંથી પસાર થાય છે ત્યારે તે અંગારવાયુને ત્યજે છે અને પ્રાણવાયુને સ્વીકારે છે. પાઈલા જેવાં પ્રાણીઓમાં ઝાલરને સ્થાને ફુપ્ફુસ કોથળીઓ હોય છે, મૂત્રપિંડમાંથી વહેતું રુધિર આમ તો પ્રાણવાયુ વગરનું હોય છે, પરંતુ ત્યાં દ્રાવ્ય ઉત્સર્ગ-દ્રવ્યોનો ત્યાગ થાય છે; પરંતુ છીપલાં જેવાં પ્રાણીઓમાં મૂત્રપિંડમાંનું રુધિર કેટલેક અંશે ઉત્સર્ગદ્રવ્ય-વિહીન તેમજ પ્રાણવાયુયુક્ત હોય છે. આમ કર્ણકમાંથી પસાર થતું રુધિર અંશત: પ્રાણવાયુયુક્ત બને છે.
શૂળત્વચીઓ(echinoderms)માં મુખ્ય અભિસરણતંત્ર તરીકે જલવાહક (hydrovascular) તંત્ર આવેલું હોય છે. તે સમુદ્રતારા (seastar) જેવાં પ્રાણીઓમાં એક વલયનાલી (circular canal) અને પાંચ અક્ષનાલીઓ(radial canal)નું બનેલું છે. તેની પ્રત્યેક બાજુએથી પાદનાલીઓ (tube canals) નીકળે છે, જે નાલીપગ(tube feet)માં ખૂલે છે. દરિયાનું પાણી અભિસરણથી નાલીપગોમાં વહે છે. નાલીપગો આકુંચન પામવાની શક્તિ ધરાવે છે. ગળણી આકારનું મૅડ્રેપોરાઇટ કહેવાતું એક અંગ વલયનાલી જોડે એક વાહિની સાથે જોડેલું હોય છે. તેના છિદ્ર વાટે પાણી શરીરમાં પ્રવેશી શકે છે. જલવાહકતંત્રમાં કેશતંતુઓ આવેલા હોવાથી તેની અસર હેઠળ મૅડ્રેપોરાઇટ દ્વારા તંત્રમાં પાણીનું અભિસરણ શક્ય બને છે. નાલીપગોમાં તે પ્રવેશતાં, આકુંચન–શિથિલન દ્વારા નાલીપગો શરીરને આગળ ખસેડે છે. નાલીપગોની દીવાલ પાતળી હોવાથી ત્યાં પ્રસરણથી હવાની આપલે થાય છે અને પ્રાણવાયુ જળવાહિનીતંત્રમાં પ્રવેશે છે. ઝાલરો હોય તેવાં પ્રાણીઓમાં ઝાલર દ્વારા પણ શ્વસનક્રિયા થતી હોય છે.
જલવાહકતંત્ર ઉપરાંત રુધિરતંત્ર તરીકે ઓળખાતી વ્યવસ્થા પણ શૂળત્વચીઓમાં જોવા મળે છે. આ તંત્ર નાલીઓનું બનેલું હોય છે. જોકે તેમની સપાટી અધિચ્છદીય (epithelial) પેશીઓની બનેલી નથી હોતી. નાલીઓમાં શરીરગુહારસ તેમજ શરીરગુહાકોષ હોય છે, જે પચેલા ખોરાકના પ્રસરણમાં મદદરૂપ બને છે.
મેરુદંડીઓ(chordata)માં અભિસરણ : મેરુદંડીઓમાં અભિસરણ જીવનાવશ્યક પ્રક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. તે અંતરાલીય (interestitial) પ્રવાહી દ્વારા ચયાપચયીન પ્રક્રિયાઓ માટે અગત્યના પદાર્થોનું વહન કરે છે તેમજ ઉત્સર્ગદ્રવ્યોનો ત્યાગ કરવા મદદરૂપ બને છે. કાર્યશક્તિ મેળવવા પ્રાણવાયુ અગત્યનો છે. અભિસરણતંત્ર શ્વસનાંગો દ્વારા પ્રાણવાયુ મેળવીને શરીરના બધા કોષોને તે પહોંચાડે છે. તે જ પ્રમાણે તે અંગારવાયુને શ્વસનાંગો તરફ તેમજ દ્રાવ્ય ઉત્સર્ગદ્રવ્યોને બહાર કાઢવામાં મદદરૂપ બને છે. વળી આંતરિક પર્યાવરણનું નિયમન કરીને તેનું સાતત્ય પણ જાળવે છે. આને લીધે અંતરાલીય પ્રવાહોના ઘટકોનું પ્રમાણ શરીરના બધા ભાગોમાં લગભગ સરખું રહેતું હોવાથી શરીરના કોષો વધુ કાર્યક્ષમ બને છે. શરીરમાં તાપમાન સ્થિર રાખવા માટે પણ તે સહાયકારી બને છે. અંત:સ્રાવી અંગોમાં નિર્માણ થતા અંત:સ્રાવોને શરીરના વિવિધ ભાગોને પહોંચાડી વિવિધ અંગોનાં કાર્યોનું નિયમન પણ કરે છે. વળી તે રોગો સામે પ્રતિકાર કરવા તેમજ હાનિ પામેલા ભાગોનું સમારકામ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે.
અભિસરણનાં અગત્યનાં અંગો તરીકે રુધિર, હૃદય અને વાહિનીઓનો સમાવેશ થાય છે. ધમની તરીકે ઓળખાતી વાહિનીઓ રુધિરને જુદા જુદા ભાગો તરફ લઈ જાય છે, જ્યારે શિરાઓ જુદા જુદા ભાગમાંથી રુધિર મેળવીને તેને હૃદયમાં ઠાલવે છે. ધમનીઓમાંથી વિવિધ અંગો તરફ વહેતું રુધિર પછી અતિસૂક્ષ્મ એવી કેશવાહિનીઓમાં પસાર થાય છે. આ પ્રસરણ દરમિયાન રુધિર તેમજ અંગો વચ્ચે પદાર્થોની આપલે થતી હોય છે. ત્યારબાદ રુધિર શિરાઓમાં પ્રવેશ કરે છે. અન્ય કેટલીક વાહિનીઓ શિરાઓને સમાંતર વાહિનીઓ તરીકે કાર્ય કરી કેશવાહિનીઓમાંથી બહાર આવી અંતરાલીય અવકાશમાં પ્રવેશ પામેલાં પ્રવાહી તેમજ શ્વેતકણોને ભેગાં કરી હૃદય તરફ લઈ જાય છે. આ વાહિનીઓ લસિકાતંત્રની બનેલી હોય છે.
રુધિર : રુધિરને સંયોજક પેશી (connective tissue) તરીકે વર્ણવી શકાય. તેમાં અંતરાલીય દ્રવ્ય તરીકે રુધિરરસ હોય છે. મુખ્યત્વે પાણીના બનેલા આ પ્રવાહીમાં કેટલાક સંકીર્ણ સ્વરૂપના ઘટકો આવેલા હોય છે. સામાન્યપણે ત્રણ પ્રકારના રુધિરકણો (કોષો) રુધિરરસમાં તરતા માલૂમ પડે છે. પ્રવાહીમાં નિશ્ચિત પ્રમાણમાં કેટલાંક લવણો ઓગળેલાં હોય છે. ઉપરાંત પ્રત્યેક પ્રાણીમાં નિશ્ચિત પ્રમાણમાં આલ્બ્યુમિન, ગ્લૉબ્યુલિન તેમજ ફાઇબ્રિનોજન તરીકે ઓળખાતા નત્રલ પદાર્થો હોય છે. આ નત્રલ પદાર્થો પ્રમાણમાં કદમાં મોટા હોવાને કારણે કેશવાહિનીઓમાંથી ઝરી શકતા નથી. આલ્બ્યુમિનને લીધે રુધિરનું અભિસારક દબાણ અંતરાલીય પ્રવાહી કરતાં વધારે રહે છે, જે કેશવાહિનીઓમાંથી થતી પ્રસરણ-પ્રક્રિયા માટે અગત્યનું છે. ગ્લૉબ્યુલિનો વિવિધ પ્રકારનાં હોય છે. એક ગ્લૉબ્યુલિન રુધિરના જામવામાં (clotting) મદદરૂપ બને છે. કેટલાંક ગ્લૉબ્યુલિનો પર્યાવરણિક પદાર્થો પ્રત્યે સંવેદનશીલ હોય છે અને તેમના સંપર્કથી રુધિરનું ગઠન (agglutination) બને છે. માનવીમાં પણ જુદા જુદા રુધિરના સમૂહોના મિશ્રણથી આવું બને છે. કેટલાંક ગ્લૉબ્યુલિનો ક્રિયાશીલ ઘટકો તરીકે પ્રતિરોધી કણો (antibodies) બની રોગોનો સામનો કરે છે. રુધિરના જામવામાં ફાઇબ્રિનોજન અગત્યનું છે. જો રુધિરવાહિનીમાં કાપ પડે તો તે અદ્રાવ્ય ફાઇબ્રિનમાં ફેરવાઈ જતાં લોહીનો ગઠ્ઠો બને છે.
લવણો તેમજ રુધિરનત્રલ પદાર્થો (blood proteins) સ્થિર તેમજ સ્થાયી રુધિરના ઘટકો તરીકે આવેલા હોય છે. તે ઉપરાંત હંગામી સ્વરૂપના પદાર્થો પણ રુધિરરસમાં હોય છે. દાખલા તરીકે ગ્લુકોઝ હમેશાં રુધિરરસમાં ઓગળેલું હોય છે, જેનો ઉપયોગ મુખ્યત્વે કાર્યશક્તિના ઉત્પાદનમાં થતો હોય છે. વળી તેમાં ચરબી તેમજ ઍમિનોઍસિડોના અણુઓ પણ આવેલા હોય છે, જે જીવરસના નિર્માણમાં અગત્યના ગણાય. અંગારવાયુ મુખ્યત્વે બાયકાર્બોનેટના સ્વરૂપમાં હોય છે, જેને શ્વસનાંગો દ્વારા બહાર કાઢવામાં આવે છે. વળી રુધિરરસ યુરિયા, યુરિક ઍસિડ જેવા નાઇટ્રોજન્ય પદાર્થોનું વહન કરે છે. શ્વસનપ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો લૅક્ટિક ઍસિડ પણ રુધિરમાં પ્રવેશે છે. તે ઉપરાંત રુધિર અલ્પ પ્રમાણમાં ઉત્સેચકો તેમજ અંત:સ્રાવોનું વહન પણ કરે છે.
રુધિરકણો : ત્રણ પ્રકારના રુધિરકણો રુધિરમાં આવેલા હોય છે : રક્તકણો, શ્વેતકણો અને ત્રાક (spindle shaped) કણો.
રક્તકણો : અગત્યના કાર્ય તરીકે રુધિરને પ્રાણવાયુનું વહન કરવાનું હોય છે. તે માટે રક્તકણોમાં હીમોગ્લોબિન નામનું શ્વસનરંજક દ્રવ્ય આવેલું હોય છે. હીમોગ્લોબિન પ્રાણવાયુનું વહન કરવા ઉપરાંત અંગારવાયુનો પણ સ્વીકાર કરી તેને શ્વસનાંગો તરફ લઈ જાય છે. મોટાભાગનાં પૃષ્ઠવંશીઓમાં રક્તકણો કોષકેંદ્રયુક્ત હોય છે. સામાન્યપણે રક્તકણો ચપટા અને લંબગોળ હોય છે, પરંતુ મોટેભાગે સસ્તનોમાં તે ગોળ અને કેશકેંદ્રવિહીન હોય છે. કોષકેંદ્રનાં અભાવમાં વધુ હીમોગ્લોબિન કોષરસમાં મળી શકે છે. વધુ ક્રિયાશીલ પ્રાણીઓમાં શ્વસનરંજકનું પ્રમાણ પણ વધારે હોય છે. ઓછા ક્રિયાશીલ એવા ઠંડા પાણીમાં રહેતી કેટલીક માછલીઓમાં હીમોગ્લોબિનનું પ્રમાણ નહિવત્ હોય છે.
શ્વેતકણો : રુધિરમાં શ્વેતકણોનું પ્રમાણ રક્તકણો કરતાં ઘણું ઓછું હોય છે. લસિકાપ્રવાહીમાં માત્ર શ્વેતકણો જોવા મળે છે. જાતજાતના શ્વેતકણો પૃષ્ઠવંશીઓમાં આવેલા હોય છે. સામાન્યપણે તેમને બે મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય : કણિકાકોષો (granulocytes) અને લસિકાકણો (lymphocytes). કણિકાકોષોને બહુખંડી કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં કોષકેંદ્રો બે અથવા વધુ ખંડોમાં વિભાજિત હોય છે. કોષરસમાં કણો વિપુલ પ્રમાણમાં હોય છે. આ કણો અમ્લદ્રવ્ય, અલ્કદ્રવ્ય અથવા તટસ્થ અભિરંજકથી રંજિત બને છે. તેમને અનુક્રમે અમ્લરંગી કણો (acidophils), અલ્કરંગી કણો (basophils) તેમજ તટસ્થ કણો (neutrophils) કહે છે. કદમાં તે 10–15 માઇક્રોન હોય છે. બધાં પૃષ્ઠવંશીઓમાં અમ્લરંગી કણો વ્યાપક હોય છે. તેમનાં કોષકેંદ્ર દ્વિખંડી હોય છે. અલ્કરંગી કણો બધાં પ્રાણીઓમાં હોય કે ન પણ હોય. તે ઓછી સંખ્યામાં હોય છે. તટસ્થ કણો સરીસૃપો બાદ કરતાં અન્ય પૃષ્ઠવંશીઓમાં વિપુલ પ્રમાણમાં હોય છે. લસિકાકણોમાં અખંડિત કોષકેંદ્ર હોય છે. તેના કોષરસમાં કણિકાઓ હોતી નથી. લસિકાકણો બે કદના હોય છે. નાના કદના કોષો મોટા કદના કોષોના પ્રમાણમાં વધારે હોય છે. મોટા કદના લસિકાકોષોમાં કોષકેંદ્ર મોટું હોય છે. તે એકકેંદ્રી કણો (monocytes) તરીકે ઓળખાય છે.

આકૃતિ 3 : પૃષ્ઠવંશીઓના શરીરમાં આવેલા રુધિરકણો
ત્રાકકણો : તે નાના કોષકેંદ્રયુક્ત અને ત્રાક આકારના હોય છે. સસ્તનોમાં ત્રાકકણોને સ્થાને મોટા કોષોના ખંડનથી બનેલી પુટિકાઓ (platelets) હોય છે. ત્રાકકણો તેમજ પુટિકાઓ રુધિરવાહિનીઓ જખમી થાય ત્યારે બહાર નીકળી અન્ય પેશીઓના સંપર્કમાં આવતાં વિઘટન પામે છે. તેની અસર હેઠળ એક જટિલ પ્રક્રિયા દ્વારા રુધિરરસમાં રહેલું દ્રાવ્ય ફાઇબ્રિનોજન અદ્રાવ્ય ફાઇબ્રિનમાં ફેરવાય છે, જેથી રુધિર જામી જાય છે.
રુધિરકોષોનું નિર્માણ : અન્ય કોષોની જેમ રુધિરકણો વધુ સમય સુધી જીવતા નથી અને જૂજ અઠવાડિયાં કે મહિના પછી કે એક યા બીજા કારણસર નાશ પામતા હોય છે. નવજાત રુધિરકણો રુધિરવાહિનીઓમાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, પક્ષીઓ તેમજ સસ્તનો બાદ કરતાં અન્ય પૃષ્ઠવંશીઓમાં રુધિરકણો બરોળમાં ઉત્પન્ન થતા હોય છે. કેટલીક માછલીઓ તેમજ ઉભયજીવીઓમાં મૂત્રપિંડો રુધિરકણોનાં ઉત્પત્તિસ્થાન બને છે. વળી અમુક માછલીઓ, ઉભયજીવીઓ તેમજ કાચબાના યકૃતમાં રુધિરકણો ઉત્પન્ન થતા હોય છે. કેટલાંક પ્રાણીઓમાં તો હૃદયની ફરતે આવેલી પેશી, આંતરડાની દીવાલ, મુખ તથા કંઠનળી જેવાં અંગોમાં પણ રુધિરકણો બને છે.
ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં અસ્થિમજ્જા રુધિરકોષોનું ઉત્પત્તિસ્થાન બને છે. સરીસૃપો તેમજ પક્ષીઓમાં અસ્થિમજ્જામાં બધા પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. સસ્તનોમાં લસિકાકણો લસિકાગંઠિકાઓમાં બને છે; જ્યારે રક્તકણો અને કણિકાકોષો સસ્તનોનાં અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે.
બરોળ : મોટાભાગનાં પૃષ્ઠવંશીઓમાં લાલ અંગ તરીકે તે પૃષ્ઠ આંત્ર બંધ (dorsal mesenteries) સાથે જોડાયેલી હોય છે. બરોળ જાળાકાર પેશીઓની બનેલી હોય છે અને તેને શ્વેત અને લાલ મજ્જાઓ હોય છે. શ્વેત મજ્જામાં શ્વેતકણો હોય છે, જ્યારે લાલ મજ્જા રક્તકણોથી વ્યાપેલી હોય છે. માછલી તેમજ કેટલાંક ઉભયજીવીઓમાં બરોળ મુખ્યત્વે લાલ મજ્જાની બનેલી હોય છે, જ્યારે ઉચ્ચ કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં શ્વેત મજ્જાનું પ્રમાણ વિશેષ હોય છે. સસ્તનો બાદ કરતાં અન્ય પૃષ્ઠવંશીઓમાં બરોળમાં શ્વેતકણો તેમજ રક્તકણો ઉત્પન્ન થતા હોય છે, જ્યારે સસ્તનોનાં અસ્થિમજ્જામાં કણિકામય કોષો અને રક્તકણો ઉત્પન્ન થતા હોવાથી માત્ર લસિકાકોષો અને રક્તકોષો બરોળમાં બનતા હોય છે.
લસિકાગંઠિકાઓ (lymph nodules) માત્ર સસ્તનોમાં જોવા મળે છે. તે મુખ્યત્વે જાલિકાપેશીઓની બનેલી હોય છે. બાહ્ય સપાટીએ તેને કોથળી હોય છે અને તે લસિકાવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. તેમાં વિવિધ કદના લસિકાકણો આવેલા હોય છે.
હૃદય : હૃદય પંપની ગરજ સારે છે. દીવાલના સંકોચન અને શિથિલનથી હૃદયનું સ્પંદન થાય છે. પરિણામે મુખ્ય શિરાઓ દ્વારા હૃદયમાં રુધિર ઠલવાય છે. ધમનીઓ દ્વારા તેમાંનું રુધિર શરીરના વિવિધ ભાગો તરફ વહે છે. નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં તે એકલ પંપ તરીકે કામ આપે છે, જ્યારે ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં બેવડા પંપ રૂપે કામ કરે છે.
ઍમ્ફિયૉક્સસમાં હૃદય જેવું વિશિષ્ટ અંગ હોતું નથી; પરંતુ તેમાં હૃદયની જગ્યાએ સ્પંદન પામતી વાહિનીઓની જોડ આવેલી હોય છે. તે શરૂઆતમાં એક દિશાકીય પંપની ગરજ સારે છે. આ વાહિનીને હૃદયની પુરોગામી કહી શકાય. બધાં મેરુદંડીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા હૃદય પરથી તેમના પૂર્વજોમાં કેવું હૃદય હશે તે તારવી શકાય. તે ચાર કોટરોની બનેલી સીધી નલિકા જેવું હોય છે. આ કોટરોના પશ્ચ છેડા તરફથી થતા અનુક્રમિક સંકોચનથી હૃદયમાં પ્રવેશેલું રુધિર આગળની દિશાએ શરીરના જુદા જુદા ભાગો તરફ વહે છે. સૌથી પાછળના ભાગમાં આવેલું પાતળી દીવાલવાળું શિરાકોટર, મહાશિરાઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાંથી રુધિર મેળવી તેને શિરા કે શિરાઓ દ્વારા કર્ણકમાં ઠાલવે છે. કર્ણક પણ પાતળી દીવાલવાળું હોય છે, જોકે તે મુખ્યત્વે સ્નાયુઓનું બનેલું હોય છે. કર્ણકમાંનું રુધિર એક અથવા વધારે હરોળોમાં ગોઠવાયેલા કર્ણકક્ષેપક વાલ્વો દ્વારા ક્ષેપકમાં એકઠું થાય છે. ક્ષેપકની દીવાલ જાડી સ્નાયુઓની બનેલી હોય છે. ક્ષેપકમાંનું રુધિર પછી સૌથી આગળ આવેલા કોટર-શંકુ(conus)ધમનીમાં વહે છે, જેની રચના સામાન્ય ધમની જેવી હોય છે અને જેની અંદર હરોળમાં ગોઠવાયેલા અર્ધ ચંદ્રાકાર વાલ્વ આવેલા છે.

આકૃતિ 4 : એક જ દિશાએ વહેતા રુધિરનું અભિસરણ
ફુપ્ફુસમીન(lung fishes)ને બાદ કરતાં ચૂષમુખી (cyclostomata) અને અન્ય માછલીઓમાં તે એકલપંપ તરીકે કાર્ય કરે છે. માછલીઓનું હૃદય શરીરના આગલા ભાગમાં સ્કંધ-મેખલાની સામે અને પશ્ચ ઝાલરોની નીચે આવેલું હોય છે. તેમનામાં રહેલું શિરાકોટર નાનું હોય કે મોટું, આકારે અનિયમિત હોય છે અને સરળ સ્નાયુઓનું બનેલું હોય છે. કર્ણક પ્રમાણમાં મોટું હોય છે અને તે ક્ષેપકની સહેજ પૃષ્ઠ બાજુએ ખસેલું હોય છે. ક્ષેપકની દીવાલ છિદ્રિષ્ટ હોય છે. ટીલિયોસ્ટી માછલીઓમાં ક્ષેપક શંકુ આકારનું હોય છે અને તેમનામાં શંકુધમનીને સ્થાને કંદ(bulbus)ધમની હોય છે. કંદ-ધમની સ્થિતિસ્થાપક હોય છે. તે રુધિરને આપમેળે વક્ષમહાધમની તરફ જવા દે છે.
એક દિશાએ રુધિરનું વહન કરનાર હૃદયનું ઉભય દિશાવાહી હૃદયમાં પરિવર્તન : માત્ર ઝાલરાંગો દ્વારા શ્વસન કરતાં પ્રાણીઓમાં એક જ પંપથી રુધિરનું અભિસરણ થઈ શકે છે; પરંતુ ફેફસાં દ્વારા શ્વસન કરતાં પ્રાણીઓમાં એક પંપ દ્વારા પ્રાણવાયુવિહીન રુધિરને ફેફસાં તરફ તેમજ બીજા એક પંપ દ્વારા શરીરના અન્ય ભાગો તરફ લઈ જવું અનિવાર્ય બને છે. ફુપ્ફુસમીનો, ઉભયજીવી તેમજ મોટાભાગનાં સરીસૃપોમાં હૃદય મધ્યાંતર્ગત (intermediary) બેવડા પંપ તરીકે કાર્ય કરે છે; પરંતુ પક્ષીઓ તેમજ સસ્તનોમાં તે એકબીજાથી સ્વતંત્ર એવા બે પંપોમાં પરિવર્તન પામે છે.

આકૃતિ 5 : પૃષ્ઠવંશીઓના ચાર ખંડ ધરાવતા હૃદયમાં થતું બેવડું અભિસરણ (વક્ષ-દેખાવ)
ફુપ્ફુસમીનો તેમજ ઉભયજીવીઓમાં કર્ણક અંશત: અથવા સંપૂર્ણપણે ડાબા તેમજ જમણા કોટરોમાં વિભાજિત થાય છે. ફેફસાંમાંનું રુધિર ડાબા કોટરમાં ફુપ્ફુસશિરાઓ દ્વારા પ્રવેશે છે. જ્યારે દૈહિક રુધિર શિરાકોટર દ્વારા જમણા કોટરમાં પ્રવેશે છે. ક્ષેપક માત્ર એક જ હોય છે. તેથી ક્ષેપકના વચલા ભાગમાં રુધિરનું મિશ્રણ થવાની શક્યતા રહે છે. શંકુધમની કોટર સંકોચન પામતું નથી, જ્યારે કુંતલાકાર (spiral) વાલ્વને લીધે તે બે ભાગોમાં વહેંચાયેલું હોય છે. તેથી જુદે જુદે તબક્કે કોટરના બે ભાગોમાંથી રુધિરનું વહન થતું હોવાથી ક્ષેપકની જમણી બાજુએ આવેલું રુધિર શંકુધમનીના જમણા ભાગમાંથી ફેફસાં તરફ વહે છે, જ્યારે મોટેભાગે પ્રાણવાયુયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ જાય છે. મગરોમાં ક્ષેપક સંપૂર્ણપણે જમણા તેમજ ડાબા કર્ણકોમાં વિભાજિત હોય છે, જ્યારે અન્ય સરીસૃપોમાં તે અંશત: વિભાજન પામેલું હોય છે. વળી અહીં શંકુધમની ફુપ્ફુસીય (pulmonary), જમણી દૈહિક (right systemic) તેમજ ડાબી દૈહિક (left systemic) – આમ ત્રણ ભાગોમાં વહેંચાયેલી હોય છે. આ વ્યવસ્થા હેઠળ પ્રાણવાયુવિહીન રુધિર ફેફસાં તરફ વહે છે. અંશત: પ્રાણવાયુયુક્ત રુધિર જમણી દૈહિક ધમનીમાંથી અને સંપૂર્ણ પ્રાણવાયુયુક્ત રુધિર ડાબી દૈહિક ધમનીમાંથી વહે છે.

આકૃતિ 6 : પૃષ્ઠવંશી હૃદયોનાં વક્ષ-દેખાવનાં વિવિધ કોટરો
પક્ષીઓ તેમજ સસ્તનોમાં કર્ણક તેમજ ક્ષેપકના સંપૂર્ણ વિભાજનથી હૃદય બે સ્વતંત્ર પંપોમાં વિભાજિત થાય છે. પક્ષીઓમાં શિરાકોટર અવશિષ્ટ (vestigial) અંગ તરીકે આવેલું હોય છે, જ્યારે સસ્તનોમાં તે સંપૂર્ણપણે લોપ પામે છે. ડાબું ક્ષેપક પ્રમાણમાં વધારે મજબૂત હોય છે. શંકુધમનીમાંથી ફુપ્ફુસધમની અને દૈહિક ધમની જ નીકળે છે. પક્ષીઓમાં દૈહિક ધમની જમણી બાજુએથી જ્યારે સસ્તનોમાં ડાબી બાજુએથી વળાંક લે છે.
રુધિરવાહિનીઓ : ગર્ભવિકાસ દરમિયાન ઉત્પન્ન થતી જુદી જુદી વાહિનીઓની ગોઠવણ લગભગ એકસરખી હોય છે. ઍમ્ફિયૉક્સસમાં આ વ્યવસ્થા પુખ્તાવસ્થામાં પણ જોવા મળે છે. હૃદયમાંથી પસાર થતું રુધિર વક્ષ-મહાધમનીમાં પ્રવેશીને ત્યાં કંઠનળી પ્રદેશમાં 56 જોડમાં આવેલી મહાધમની દ્વારા કમાનોમાં વહે છે. નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં આ કમાનો અંતર્વાહી ઝાલરધમની (afferent gill artery) તેમજ બહિર્વાહી ઝાલરધમની (efferent gill artery) – એ રીતે બે ભાગમાં વહેંચાયેલી હોય છે. આ વાહિનીઓથી વહેતું રુધિર છેવટે એક પૃષ્ઠમહાધમની(dorsal aorta)માં ઠલવાય છે. પૃષ્ઠમહાધમની બે ભાગમાં વહેંચાયેલી હોય છે. અંતરગ્રીવા તરીકે ઓળખાતી આ ધમનીઓ દ્વારા શીર્ષપ્રદેશને રુધિર પહોંચાડવામાં આવે છે. પશ્ચ ભાગમાં આવેલી મધ્યસ્થપૃષ્ઠ મહાધમની ધડપ્રદેશ તેમજ ઉપાંગોને રુધિર પહોંચાડે છે. શિરાઓની વહેંચણી મુખ્ય ત્રણ ભાગમાં થયેલી હોય છે. અધ:આંત્રીયઅંડપડ (subintestinal vitelline) તંત્ર, કાર્ડિનલ (અથવા મહાશિરા) તંત્ર અને ઉદર (abdominal) તંત્ર. તે શરીરના જુદા જુદા ભાગમાંથી મુખ્યત્વે પ્રાણવાયુવિહીન રુધિર મેળવીને છેવટે તેને હૃદયમાં ખાલી કરે છે. ધમની અને શિરાઓને જોડનાર વાહિનીઓ તરીકે કેશવાહિનીઓ આવેલી હોય છે.
કેશવાહિની : સૌથી સૂક્ષ્મ એવી આ વાહિનીઓમાંથી માત્ર રક્તકણો પસાર થઈ શકે તેવા કદની તે હોય છે. તેઓની જાલિકાઓ શરીરના બધા ભાગોમાં પ્રસરેલી હોય છે. ધમનીને શિરા સાથે જોડનાર આ વાહિનીઓની દીવાલ અંતશ્ર્ચ્છદ(endothelium)ના એક જ પડની બનેલી હોય છે. રુધિરરસમાં આવેલા મોટા કદના અણુઓ તેમાંથી ઝરી શકતા નથી, જ્યારે નાના અણુઓ તેમજ આયનો તેમાંથી પસાર થવાથી વસ્તુઓની આપલે થઈ શકે છે. પ્રત્યેક કેશવાહિનીના આગલા ભાગની દીવાલમાંથી પસાર થયેલો ખોરાક આસપાસના કોષોમાં પ્રસરે છે, જ્યારે પાછલા ભાગમાં તે કોષોમાં રહેલાં ઉત્સર્ગ-દ્રવ્યો અને અંગારવાયુનો સ્વીકાર કરે છે. ઝાલરો હોય તેવાં પ્રાણીઓમાં ઝાલરોની અંતર્વાહી તેમજ બહિર્વાહી ધમનીઓ વચ્ચે કેશવાહિનીઓ આવેલી હોય છે. તે જ પ્રમાણે યકૃત તેમજ મૂત્રપિંડનિવાહી (renal portal) શિરાઓમાં કેશવાહિનીઓ દ્વારા યકૃતના વિવિધ ભાગોમાં રુધિર પ્રસરે છે. છેવટે તે ફરીથી ભેગું થઈ યકૃતમાં ઠલવાય છે. આમ બે શિરાઓ વચ્ચે આવેલી કેશવાહિનીઓને લીધે નિવાહી તંત્ર બને છે.
ધમની અને શિરાઓ : કેશવાહિનીના પ્રમાણમાં તેમની દીવાલ જાડી હોય છે અને તે ત્રણ મુખ્ય પડોની બનેલી હોય છે. અંદરનું પડ મુખ્યત્વે અંતશ્ર્ચ્છદ તેમજ સ્થિતિસ્થાપક પેશીઓનું બનેલું હોય છે. જ્યારે મધ્યપડ મુખ્યત્વે સ્નાયુઓનું બનેલું હોય છે. ધમનીઓમાં આ થર સૌથી જાડું અને ઘણું મજબૂત હોય છે અને તે વર્તુળી તેમજ લંબાતીત સ્નાયુઓનાં બે જુદાં જુદાં પડોમાં વહેંચાયેલું હોય છે. શિરાઓમાં આ સ્તર પ્રમાણમાં પાતળું હોય છે. બાહ્ય સ્તર મુખ્યત્વે સંયોજક પેશીઓનું બનેલું હોય છે. શિરાઓમાં આ સ્તર પાતળું હોય છે. તે વાહિનીઓને આસપાસની પેશીઓ સાથે જોડે છે. શિરાઓ વાલ્વયુક્ત હોય છે, જેથી શિરામાંથી થતું રુધિરનું વહન માત્ર હૃદયની દિશા તરફ થાય છે. વળી નાની શિરાઓ તેમજ ધમનીઓમાં અવરોધક સ્નાયુઓનું વલય હોય છે. તેથી રુધિરને આગળ જતું અટકાવી શકાય છે. ડાબા ક્ષેપકમાંથી વહેતા રુધિરનું દબાણ વધારે હોવાથી આ દબાણ સહન કરવા ધમનીઓની દીવાલ જાડી હોય છે.
લસિકા-વાહિનીઓ : અભિસરણતંત્રમાંથી નીકળી કોષો તેમજ અંતરાલીય દ્રવ્યમાં પ્રસરેલા રુધિરના ઘટકોને પાછા લાવવાનું કાર્ય આ વાહિનીઓ કરે છે. તેમની સરખામણી કેશવાહિની તેમજ શિરાઓ સાથે થઈ શકે છે. લસિકાકેશવાહિનીઓ રુધિરકેશવાહિનીઓ કરતાં મોટી અને અનિયમિત આકારની હોય છે. લસિકાનું વહન હૃદયની દિશાએ થતું હોય છે. ઘણી જગ્યાએ લસિકાવાહિનીઓ મોટી બનીને લસિકા-કોટરોમાં ખૂલે છે. વળી તેઓમાં નિવાહી તંત્રની જેમ શાખાપ્રબંધિત તેમજ સમાંતર વાહિનીઓ પણ આવેલી હોય છે.

આકૃતિ 7 : ઉચ્ચતર પૃષ્ઠવંશીઓના શરીરમાં રુધિરનું અભિસરણ દર્શાવતું ચિત્ર
ધમનીતંત્ર : ગર્ભાવસ્થા દરમિયાન પૃષ્ઠવંશીઓમાં વક્ષ મહાધમનીમાંથી 6 જોડમાં મહાધમની કમાનો નીકળે છે. પરંતુ તેમાંથી પહેલી તેમજ અન્ય કેટલીક લોપ પામે છે, જ્યારે બાકીની બધી સ્વતંત્ર ધમનીઓમાં ફેરવાય છે.
કિરણમીનપક્ષ (Actinopterygii) માછલીઓમાં બીજી કમાન પણ લોપ પામે છે. 36 ક્રમાંકની કમાનો અંતર્વાહી તેમજ બહિર્વાહી ધમનીઓમાં વિભાજિત હોય છે અને તે ઝાલરોમાં કેશવાહિનીઓ દ્વારા એકબીજી સાથે જોડાયેલી હોય છે. ઝાલરમાંથી પસાર થતી વખતે રુધિર પ્રાણવાયુયુક્ત બને છે. કંઠનળી પ્રદેશમાં પૃષ્ઠ મહાધમનીઓની એક જોડ હોય છે અને તે અંત:સ્થ ગ્રીવા તરીકે શીર્ષના વિવિધ ભાગોને રુધિર પહોંચાડે છે.
ફુપ્ફુસમીનો તેમજ વાતાશય (air-bladder) ધરાવતી અન્ય માછલીઓમાં છઠ્ઠી બહિર્વાહી ઝાલર ધમનીમાંથી ફુપ્ફુસધમની નીકળે છે. બીજી કમાન અર્ધઝાલર(hemibranch)ને રુધિર પહોંચાડે છે. 36 ધમનીઓ સામાન્ય ઝાલરધમની તરીકે આવેલી હોય છે. પરંતુ પ્રોટોપ્ટેરસમાં ઝાલરના વિકાસના અભાવે કમાનોનું વિભાજન થતું નથી. કાસ્થિમીનો(elasmobranchs)માં પણ બીજી કમાન અર્ધઝાલરને જ્યારે 36 કમાનો સંપૂર્ણ ઝાલરોને (holobranch) રુધિર પહોંચાડે છે. જોકે અહીં પૃષ્ઠ મહાધમની કંઠપ્રદેશમાં વિભાજિત થયેલી હોતી નથી.
ઉભયજીવીઓ ડિમ્ભાવસ્થા દરમિયાન પહેલી અને બીજી કમાનની જોડો ગુમાવે છે, જ્યારે અન્ય ચતુષ્પદીઓમાં તે સંપૂર્ણપણે લોપ પામે છે. અહીં ત્રણ ગ્રીવાધમનીઓ આવેલી હોય છે. તે પૈકી સામાન્ય ગ્રીવાધમની ત્રીજી અને ચોથી કમાનો વચ્ચે આવેલી વક્ષધમનીઓમાંથી બને છે. તે જ પ્રમાણે બાહ્ય ગ્રીવા અથવા જિહ્વા ધમની ત્રીજી કમાનની આગળ વહેતી વક્ષ-મહાધમનીમાંથી બનેલી હોય છે. તે કંઠનળી તેમજ શીર્ષપ્રદેશના વક્ષભાગમાં આવેલા ભાગને રુધિર પહોંચાડે છે. ત્રીજી કમાનથી આગળ જતાં પૃષ્ઠ મહાધમનીના ભાગમાંથી અંતર્ગ્રીવા ધમની બને છે. સરીસૃપો તેમજ સસ્તનોમાં ગ્રીવાપ્રદેશમાંથી સામાન્ય ગ્રીવાશિરા પસાર થાય છે અને શીર્ષપ્રદેશમાં તે બાહ્ય અને અંતર્ગ્રીવામાં વિભાજિત થાય છે; પરંતુ પક્ષીઓમાં ગરદનમાંથી માત્ર અંતર્ગ્રીવા-શિરા હોય છે.
ચોથી કમાન દૈહિક કમાનમાં રૂપાંતર પામે છે અને તે મુખ્ય વાહિની તરીકે શરીરના ધડ પ્રદેશને રુધિર આપે છે. આ દૈહિક કમાન સાથે ગ્રીવાકમાન જોડાયેલી હોય છે. પાંચમી કમાન સંપૂર્ણપણે લોપ પામે છે, જ્યારે છઠ્ઠી કમાન ફુપ્ફુસધમનીમાં પરિવર્તન પામેલી હોય છે. ઉભયજીવીઓમાં ફુપ્ફુસધમનીઓ શંકુમહાધમની સાથે સંકળાયેલી હોય છે. અન્ય ચતુષ્પદીઓમાં તે શરૂઆતમાંથી એટલે કે હૃદયમાંથી સ્વતંત્ર ફુપ્ફુસધમની તરીકે નીકળે છે. સરીસૃપોમાં જમણી દૈહિક કમાન પણ હૃદયમાંથી સ્વતંત્રપણે નીકળે છે અને તે મિશ્ર લોહીનું વહન કરે છે. આગળ જતાં તે ડાબી દૈહિક ધમની સાથે જોડાઈને પૃષ્ઠ મહાધમની બનાવે છે. પરિણામે પ્રાણવાયુયુક્ત રુધિરનું વહન કરનાર માત્ર ડાબી દૈહિક કમાન સાથે ગ્રીવાધમનીઓ સંકળાયેલી રહે છે. પક્ષીઓમાં માત્ર જમણી દૈહિક કમાન, જ્યારે સસ્તનોમાં ડાબી દૈહિક કમાન વિકાસ પામે છે. તે પ્રાણવાયુયુક્ત લોહી પૃષ્ઠમહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોને પહોંચાડે છે. પૃષ્ઠ મહાધમની આગળ જતાં પુચ્છ ધમની તરીકે પુચ્છપ્રદેશમાં પ્રવેશે છે.
નીચલી કક્ષાનાં પૃષ્ઠવંશીઓમાં કેટલીક મધ્યસ્થ અંત:કોષ્ઠસ્થ શાખાઓ મધ્યાંત્ર (mesentery) તેમજ અન્નમાર્ગને રુધિર આપે છે. ઉચ્ચતર પૃષ્ઠવંશીઓમાં તેમની સંખ્યા ઘટે છે અને એક કોષ્ઠીય ધમની અને એક અથવા વધારે આંત્રિક (intestinal) ધમનીઓ અનુક્રમે જઠર તેમજ યકૃત અને આંતરડાંના વિવિધ ભાગોને રુધિર આપે છે. વળી પૃષ્ઠ મહાધમનીમાંથી મૂત્રપિંડ અને જનનપિંડ ધમનીઓ જોડમાં આવેલી હોય છે. કેટલીક નાની ધમનીઓ પૃષ્ઠભાગમાં આવેલાં અંગો અને ચામડીને રુધિર પહોંચાડે છે.
આગલાં ઉપાંગો તરફ જતી ધમનીઓને અધ:અક્ષક (subclavian) ધમની કહે છે. સ્કંધપ્રદેશમાં તે બાહુલ (brachial) તરીકે અગ્રપાદોમાં પ્રવેશે છે. નિતંબપ્રદેશને રુધિર પહોંચાડનાર ધમનીને પૃષ્ઠ નિતંબ(pelvic)ધમની કહે છે અને તે પશ્ચપાદોમાં પ્રવેશતાં તેને ઊરુ(femoral)ધમની કહે છે.
શિરાતંત્ર : શિરાતંત્રને ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય : અધ:આન્ત્રીય (subintestinal) તંત્ર, મહાશિરા(cardinal)તંત્ર અને ઉદર(abdominal)તંત્ર. તદુપરાંત ફેફસાંવાળાં પ્રાણીઓમાં વધારાની ફુપ્ફુસશિરાઓ આવેલી હોય છે, અધ:આંત્રીય તંત્ર તેમજ ફુપ્ફુસશિરાઓ અંતરંગીય (visceral) શિરાતંત્ર તરીકે અન્નમાર્ગ અને તેની સાથે સંકળાયેલાં અંગોમાંથી રુધિર મેળવે છે, જ્યારે મહાશિરા અને ઉદરતંત્રો દૈહિક શિરાતંત્ર તરીકે શરીરગુહાની બાહ્ય દીવાલ અને તેની સાથે સંકળાયેલા ભાગોમાંથી રુધિર એકઠું કરે છે.

આકૃતિ 8 : પૃષ્ઠવંશી પ્રાણીઓની મહાધમની–કમાનોમાં થતા ફેરફારો : (ક) પ્રારૂપિક ગર્ભમાં દેખાતી વ્યવસ્થા, (ખ) પુચ્છવિહીન ઉભયજીવીઓમાં, (ગ) સરીસૃપો, (ઘ) પક્ષીઓ, (ઙ) સસ્તનો
અધ:આંત્રિક શિરાતંત્રમાં યકૃત નિવાહી તંત્ર (hepatic portal system) અગત્યનો ભાગ ભજવે છે. તે આંતરડાંમાંથી રુધિર મેળવીને યકૃતમાં આવેલા શિરાકોટરિકા(sinusoids)માં રુધિર ઠાલવે છે. યકૃતમાંથી આગળ વહેતું રુધિર યકૃતશિરામાં પ્રવેશે છે. યકૃતશિરા એક અથવા એક કરતાં વધારે હોય છે. મોટાભાગની માછલીઓમાં યકૃતશિરા મહાશિરાકોટરમાં રુધિરને ઠાલવે છે, જ્યારે ફુપ્ફુસમીનો તેમજ ચતુષ્પદીઓમાં યકૃતશિરા પશ્ચમહાશિરામાં ખૂલે છે.
મહાશિરાઓ : બધાં પૃષ્ઠવંશીઓમાં ગર્ભવિકાસ દરમિયાન શીર્ષપ્રદેશમાં એક જોડ અને ધડપ્રદેશમાં એક જોડ હોય એમ બે જોડમાં શિરાઓ પૃષ્ઠભાગમાં લંબકક્ષ(longitudinal axis)ને સમાંતર આવેલી હોય છે. તેમને અનુક્રમે અગ્ર અને પશ્ચ મહાશિરા કહે છે. આ મહાશિરાઓ સામાન્ય મહાશિરા (અથવા કૂવિયરની નળી) દ્વારા હૃદયના મહાશિરાકોટરમાં રુધિર ઠાલવે છે. લગભગ આવી જ વ્યવસ્થા પુખ્તાવસ્થામાં કાસ્થિમીનો તેમજ કિરણમીનપક્ષોમાં પણ જોઈ શકાય.
સસ્તનો સિવાય અન્ય પૃષ્ઠવંશીઓમાં અગ્ર મહાશિરાઓ પાર્શ્વશીર્ષશિરામાં રૂપાંતર પામેલી હોય છે. તેઓ નેત્રગુહા, અગ્રશીર્ષપ્રદેશ અને મગજ જેવાં અંગોમાંથી રુધિર મેળવીને સામાન્ય મહાશિરામાં ખાલી કરે છે. ફુપ્ફુસમીનો તેમજ સસ્તનો સિવાય અન્ય ચતુષ્પાદોમાં સામાન્ય મહાશિરાઓ અગ્રમહાશિરા સાથે ભળેલી હોય છે. તેઓમાં બાહુપ્રદેશમાં અધ:અક્ષકશિરા પણ ખૂલતી હોય છે. આ વ્યવસ્થા હેઠળ તે સસ્તનની અગ્રમહાશિરા સાથે સાદૃશ્ય ધરાવતી હોવાથી અહીં પણ તેમને ઘણી વાર અગ્રમહાશિરા તરીકે સંબોધવામાં આવે છે.

આકૃતિ 9 : માનવીના ભ્રૂણની આદિશિરાઓમાં થતા ફેરફારો : (ક) પાંચ અઠવાડિયાંના ભ્રૂણમાં આવેલ શિરાતંત્ર; (ખ) જન્મ પૂર્વે શિરા તંત્રમાં થયેલા કેટલાક ફેરફારો
સસ્તનોના શીર્ષપ્રદેશના અભિસરણમાં જૂજ ફેરફારો જોવા મળે છે. ત્યાં પાર્શ્ચશીર્ષશિરાઓ લોપ પામે છે. શીર્ષપ્રદેશના આગળના તેમજ અંદરના ભાગમાંથી રુધિરને લાવતી શિરા મસ્તકમાંથી નીકળે છે. ત્યાંથી બહાર નીકળતાં તેને અંત:ગ્રીવા શિરા કહે છે. તે જ પ્રમાણે બાહ્ય સપાટીએ આવેલાં અંગોનું રુધિર મેળવી પ્રત્યેક પાર્શ્વ બાજુએથી ગ્રીવા તરફ જતી શિરાને બાહ્યગ્રીવા શિરા કહે છે. આગળ જતાં તેઓ સામાન્ય ગ્રીવા શિરામાં ખૂલે છે. સાથે સાથે અગ્રપાદો તરફથી આવતી અધ:અક્ષક શિરા સામાન્ય ગ્રીવાશિરા સાથે જોડાતાં અગ્રમહાશિરા બને છે. છેવટે બે અગ્રમહાશિરાઓના જોડાણથી સામાન્ય અગ્રમહાશિરા બને છે.
પશ્ચ મહાશિરાઓ : ચૂષમુખી(cyclostomata)માં જોડરૂપે આવેલી આ વાહિનીઓ પૂંછડી, મૂત્રપિંડ, જનનપિંડ અને શરીરની દીવાલના પૃષ્ઠભાગમાંથી રુધિર મેળવી તેને સામાન્ય મહાશિરામાં ઠાલવે છે. ફુપ્ફુસમીનો સિવાય અન્ય માછલીઓમાં પશ્ચ કાર્ડિનલ શિરાનો પાછળનો ભાગ જુદો થઈ મૂત્રપિંડ નિવાહી તંત્ર(renal portal system)માં ફેરવાય છે. તેથી તેમના માત્ર આગળના ભાગને પશ્ચ મહાશિરા કહે છે. ફુપ્ફુસમીનો અને સસ્તનો બાદ કરતાં અન્ય વંશીઓમાં મૂત્રપિંડ નિવાહી તંત્ર હોય છે. જોકે પક્ષીઓમાં આ તંત્ર હોવા છતાં મોટાભાગનું રુધિર મૂત્રપિંડમાંથી પસાર થવાને બદલે સીધું આગળ જાય છે. ફુપ્ફુસમીનો તથા ચતુષ્પાદોઓમાં આગળની બે પશ્ચ મહાશિરાઓને સ્થાને એક જ પશ્ચ મહાશિરા આવેલી હોય છે. પુચ્છશિરા સામાન્યપણે મૂત્રપિંડ નિવાહી તંત્રમાં ખૂલે છે, જ્યારે સસ્તનોમાં તે પશ્ચમહાશિરામાં ખૂલે છે.
ઉદરવાહિનીઓ : કાસ્થિમીનોમાં બે ઉદરશિરાઓ શરીરની દીવાલમાંથી રુધિર મેળવીને તેને સામાન્ય મહાશિરામાં ખાલી કરે છે. કિરણમીનપક્ષોમાં ઉદરીય શિરાઓ હોતી નથી. ઉભયજીવીઓમાં અને સરીસૃપોમાં માત્ર એક જ ઉદરીય શિરા હોય છે, તે યકૃતમાં ખૂલે છે અને તે યકૃતનિવાહી તંત્રનો ભાગ બને છે. પક્ષીઓમાં અને સસ્તનોમાં ઉદરવાહિનીઓ હોતી નથી.
ઉપાંગીય શિરાઓ : કાસ્થિમીનોમાં સ્કંધમીનપક્ષો(pectoral fins)માંથી અધ:અક્ષક આગળ જતાં ઉદરીય વાહિની સાથે જોડાય છે. કિરણમીનપક્ષોમાં તે સામાન્ય મહાશિરામાં ખૂલે છે. બાહુલશિરાઓ સીધી રીતે અથવા તો અધ:સ્કંધશિરા સાથે જોડાઈને સામાન્ય અધોઅક્ષક શિરા તરીકે સામાન્ય મહાશિરામાં અથવા તો સામાન્ય ગ્રીવાશિરામાં ખૂલે છે. નિતંબપ્રદેશમાં પૃષ્ઠનિતંબશિરા આવેલી હોય છે. તે નિતંબપ્રદેશમાંથી રુધિર મેળવે છે. કેટલાંક પ્રાણીઓમાં તેની સહાયક વાહિનીઓ તરીકે બાહ્ય અને અંતર્-નિતંબ-ધમનીઓ આવેલી હોય છે. પશ્ચપાદમાંથી નીકળતી ઊરુશિરા ઉભયજીવી અને સરીસૃપોમાં ઉદરીય શિરામાં ખૂલે છે, જ્યારે પક્ષીઓમાં અને સસ્તનોમાં નિતંબશિરા સાથે સંબંધ સાધે છે.
ફુપ્ફુસશિરાઓ : પૉલિપ્ટેરસ માછલીઓમાં ફુપ્ફુસશિરાઓ રુધિરને યકૃતધમનીમાં ખાલી કરે છે, જ્યારે ફેફસાં ધરાવતાં અન્ય પૃષ્ઠવંશીઓમાં તે રુધિરને કર્ણકના ડાબા ભાગમાં ઠાલવે છે.
લસિકાતંત્ર : ઍમ્ફિયૉક્સસમાં લસિકાતંત્ર હોતું નથી, ચૂષમુખી કાસ્થિમીનો અને કાડ્રોસ્ટી (chondrostei) માછલીઓના લસિકાતંત્રમાં થોડાક રક્તકણો પણ હોય છે. તેથી તેમનામાં તે રક્તલસિકાતંત્ર તરીકે ઓળખાય છે. અન્ય અસ્થિમીનોમાં મુખ્ય લસિકાવાહિની તરીકે અનુક્રમે વક્ષ, પૃષ્ઠ, બે પાર્શ્વ – એમ ચાર અધસ્ત્વચીય વાહિનીઓ આવેલી હોય છે. તે વાલ્વ વગરની હોય છે. તેમાંથી વહેતી લસિકા એક જોડ છિદ્રો દ્વારા અગ્રમહાશિરામાં, જ્યારે બીજાં બે છિદ્રો દ્વારા પ્રત્યેક બાજુની નિતંબશિરાઓમાં પ્રવેશે છે.
ઉભયજીવી તેમજ સરીસૃપોમાં પણ લસિકાવાહિનીઓની રચના અસ્થિમીનોને મળતી આવે છે. ઉભયજીવીઓમાં જોડમાં આવેલાં કેટલાંક હૃદયો હોય છે. વળી દેડકામાં ત્વચાની નીચે લસિકા-કોટરો હોય છે. આ પ્રાણીના આગળના ભાગમાં આવેલા હૃદયમાં ભેગી થતી લસિકા અધ:સ્કંધશિરામાં વહે છે, જ્યારે પાછલા ભાગમાં આવેલાં હૃદયો લસિકાને મૂત્રપિંડનિવાહી તંત્રમાં ખાલી કરે છે. સરીસૃપોના પશ્ચભાગમાં લસિકાહૃદયની એક જોડ આવેલી હોય છે. તેને લીધે લસિકામૂત્રપિંડ નિવાહી શિરામાં પ્રવેશે છે. પક્ષીઓમાં તેમજ સસ્તનોમાં લસિકાહૃદયો હોતાં નથી. તેમનામાં એક ઉરસીય (thoracic) અથવા તો તેના સ્થાને અધ:કરોડસ્તંભીય (subvertebral) વાહિની આવેલી હોય છે. તે ઉપરાંત અનેક નાની લસિકાવાહિનીઓ આવેલી હોય છે. ઉરસીય વાહિની પક્ષીઓની અગ્રમહાશિરામાં જ્યારે સસ્તનોની ડાબી ગ્રીવામાં અથવા અધ:અક્ષકમાં રુધિરને ખાલી કરે છે. નાની વાહિનીઓ પૃષ્ઠ નિતંબશિરાઓ સાથે જોડાયેલી હોય છે. સસ્તનોના જમણા ભાગમાં આવેલી એક વાહિની સ્કંધપ્રદેશ અને અગ્રપાદોમાંથી લસિકા મેળવી જમણી અધ:અક્ષકશિરામાં ઠાલવે છે. પક્ષીઓમાં લસિકાવાહિનીઓ વાલ્વ વગરની હોય છે. જ્યારે સસ્તનોમાં બે ખાનાંવાળા વાલ્વ આવેલા હોય છે. અનેક લસિકાગંઠિકાઓ સસ્તનોમાં આવેલી હોય છે. ખાસ કરીને તે અંતરંગોમાં સવિશેષ જોવા મળે છે. ત્યાં લસિકાવાહિનીઓ જાલિકા બનાવે છે અથવા એકબીજાને સમાંતર ગોઠવાય છે. તે શરીરની મોટાભાગની પેશીઓના ઊંડાણમાંથી નીકળે છે; જ્યારે મધ્સસ્થ ચેતાતંત્ર, અસ્થિમજ્જા અને યકૃત જેવાં અંગોમાં તેમનો અભાવ હોય છે.
મ. શિ. દૂબળે