અભિમન્યુવધ : આસામી સાહિત્યમાં અભિમન્યુના કથાનક ઉપર બે કાવ્યકૃતિઓ રચાઈ છે. પ્રથમ કૃતિ અઢારમી સદીમાં રચાયેલી અને તેનો લેખક કોઈ અજ્ઞાત કવિ હતો. અહોમ રાજાના સમયમાં એ કૃતિ રચાયેલી. બીજી કૃતિ રમાકાન્ત ચૌધરી(1846-1889)એ 1875માં રચેલી. ઓગણીસમી સદીની અંતિમ પચીસી આસામી ભાષા અને સાહિત્યનો નવોદયકાળ હતો. અંગ્રેજી સાહિત્યનો પરિચય વધતાં અનેક નવા સાહિત્યકારો ઉદભવ્યા અને વિષયોનું પણ વૈવિધ્ય આવ્યું. આ સમયે બંગાળના માઇકલ મધુસૂદન દત્તે પ્રયોજેલો અમિતાક્ષર છંદ અસમિયામાં પણ પ્રચલિત થયો. રામ અને રમાકાંતે એ છંદનો ‘અભિમન્યુવધ’માં ઉપયોગ કર્યો. એ કાવ્યનું કથાનક મહાભારતમાંથી લીધેલું છે. એમાં એમણે કેટલાક ફેરફારો કર્યા છે, પરંતુ એ ફેરફારો કથાનકને વધારે રસપ્રદ બનાવે છે. રમાકાંત અમિતાક્ષર છંદનો પ્રયોગ કરનાર પ્રથમ અસમિયા કવિ હતા.
પ્રીતિ બરુઆ