અભિપ્રેરણ

January, 2001

અભિપ્રેરણ (motivation) : કોઈ પણ વ્યક્તિની યા સજીવ પ્રાણીની કોઈક નિર્દિષ્ટ લક્ષ્ય પાછળ મંડી પડવાની તત્પરતા. તે વર્તન માટે આંતરિક પ્રેરકબળ પૂરું પાડતી ઇચ્છા, આશા, ગરજ કે એવો જ કોઈ આવેગ છે. તે વ્યક્તિને કાર્યશીલ થવા અંદરથી પ્રેરણા પૂરી પાડતી પ્રબળ ઇચ્છા છે. તે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનુભવાતું માનસિક દબાણ કે માનસિક તાણ છે. વ્યક્તિ પોતાની શક્તિઓને કોઈ ચોક્કસ દિશામાં વાળવાનું શા માટે પસંદ કરે છે તે સમજાવવાની તે એક ચાવી છે. વ્યક્તિનાં વર્તન કે વલણના કારણરૂપ આંતરિક પ્રેરણા, દબાણ કે બળ પૂરું પાડવાની, ટકાવવાની અને વિસ્તારવાની પ્રક્રિયા છે.

અભિપ્રેરણ મન:સર્જિત આવેગ હોઈ તેને તર્કનો આધાર નથી. મૂળભૂત રીતે તે અજ્ઞાત મનની પ્રક્રિયા છે. તે તદ્દન વ્યક્તિલક્ષી હોવાથી સૌ વ્યક્તિઓમાં તે સરખું હોતું નથી. તે સમયે સમયે બદલાતું રહેવાથી ગતિશીલ છે. વ્યક્તિના સમાજ અને સંસ્કૃતિ સાથેના આદાન-પ્રદાનનું તે પરિણામ હોય છે.

સંગઠનમાં કામ કરતા માણસોને કામ શરૂ કરવા અને કામ ચાલુ રાખવા પ્રેરણા આપતું અભિપ્રેરણ અનેક બળોનું સંકુલ છે. ધંધાકીય સંગઠનોમાં પ્રત્યક્ષ કાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓમાં સલામતી, બઢતીની તક, વેતન, અન્ય લાભ, માહિતી, કામનું સ્વરૂપ, લાંબી રજાઓ, નિરીક્ષણ, નફામાં ભાગ, કામગીરીની પરિસ્થિતિ જેવાં અભિપ્રેરકો મોજૂદ હોવાનું જણાયું છે તો અધિકારીઓમાં વેતન, સલામતી, લાંબી રજાઓ, પ્રગતિની તક, કામગીરીની પરિસ્થિતિ, કંપનીનું વલણ, કાર્યનું સ્વરૂપ, વિવિધ લાભ, નિરીક્ષણ અને કામના કલાક જેવાં અભિપ્રેરકો હોવાનું જણાયું હતું.

અભિપ્રેરણનું વિશ્લેષણ કરતાં અનેક સંશોધનો માસ્લો, મેકલેલૅન્ડ અને એટકિન્સ, ફ્રેડરિક હર્ઝબર્ગ, વિક્ટર એચ. વ્રૂમ, પૉર્ટર અને લૉલર, આર્ચ પેટ્ટન, કર્ટ લેવિન વગેરે મનોવિજ્ઞાનીઓએ કર્યાં છે અને અભિપ્રેરણના વિવિધ સિદ્ધાંત વિકસાવ્યા છે.

જ. ઈ. ગઠિયાવાલા