અભિનવભારતી

January, 2001

અભિનવભારતી (દસમી સદી) : આચાર્ય અભિનવગુપ્તપાદે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર લખેલી ટીકા. નૃત્ય અને નાટ્યને લગતી આ વિસ્તૃત ને વિશદ વિદ્વત્તાપૂર્ણ ટીકામાં નાટ્ય તથા કાવ્યાશ્રિત રસવિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન છે. શાન્ત રસને નવમા સ્વતંત્ર રસ તરીકે (અથવા રસોના રસ – મહારસ – તરીકે) સ્થાપિત કરવામાં તેમણે ખાસ પરિશ્રમ ઉઠાવ્યો છે. નાટ્યશાસ્ત્રમાં પ્રાપ્ત થતા અનેક પાઠભેદો અંગે પણ તેમણે વિચારણા કરી છે. અનેક ગ્રંથકારો ને નાટ્યકારોના સંદર્ભો પદે પદે આપતા અભિનવગુપ્તે આ ટીકામાં મુખ્યત્વે પોતાના ગુરુ ભટ્ટ તૌતને અનુસરીને જે તે મુદ્દાની ચર્ચા કરી છે. આ ટીકાનો સંપૂર્ણ પાઠ જોકે પ્રાપ્ત થતો નથી. અધ્યાય 7 (ગદ્યાંશ અને શરૂઆતના કેટલાક શ્લોકો સિવાય), અધ્યાય 8 તથા અધ્યાય 33-34 ઉપર તે પ્રાપ્ત થતી નથી. એમ. રામકૃષ્ણ કવિ દ્વારા સંપાદિત ‘અભિનવભારતી’નું પ્રકાશન ચાર ભાગમાં ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ, વડોદરામાં સમાવિષ્ટ છે.

તપસ્વી નાન્દી