અભિજ્ઞાનશાકુન્તલ

January, 2001

અભિજ્ઞાનશાકુન્તલ : સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સર્વોત્તમ મનાતું મહાકવિ કાલિદાસરચિત નાટક પ્રકારનું સાત અંકોનું રૂપક. આનું કથાવસ્તુ મહાભારતમાં આવતા શકુન્તલોપાખ્યાન ઉપરથી રચાયેલું છે, એમ મનાય છે. આમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત તથા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી, કણ્વ અથવા કાશ્યપના તપોવનમાં ઊછરેલી શકુન્તલાના પ્રણય અને પરિણયની કથા આવે છે.

મૃગયા કરવા નીકળેલા દુષ્યંતનો રથ એક આશ્રમમૃગની પાછળ દોડતાં કુલપતિ કણ્વના તપોવનના સીમાડે આવી ચડે છે. કુલપતિ તેમની પાલ્ય પુત્રી શકુન્તલાના પ્રતિકૂળ દૈવનું શમન કરવા સોમતીર્થ ગયા હોય છે; એટલે કાશ્યપ પ્રત્યેનો પોતાનો સદભાવ બતાવવા, (રાજા દુષ્યંત તેમની પ્રતિનિધિ શકુન્તલાને મળવા માટે) એકલો વિનીતવેશે તપોવનમાં પ્રવેશે છે. ત્યાં તે ત્રણ સરખેસરખી કન્યાઓશકુન્તલા, પ્રિયંવદા અને અનસૂયાને પ્રેમથી તરુઓને જલસિંચન કરતી નિહાળે છે અને એ દૃશ્યથી પ્રસન્ન થાય છે. લતાની આડશેથી તેમને નીરખતાં તે તેમની વાતો સાંભળે છે. વાતોના કેન્દ્રમાં શકુન્તલા અને તેનું ઊભરાતું યૌવન હોય છે, એટલે રાજાનું ધ્યાન પણ શકુન્તલા ઉપર કેન્દ્રિત થાય છે. થોડી જ વારમાં રાજાને શકુન્તલા પ્રત્યે ઉત્કટ સમભાવ અને આકર્ષણ થાય છે. તેવામાં જ પાણી છાંટવાથી ફૂલ ઉપરથી ઊડેલો ભમરો શકુન્તલાના મુખ ઉપર આવે છે અને શકુન્તલા ગભરાઈ જાય છે. સખીઓ ઉપહાસમાં કહે છે : ‘‘દુષ્યંતને બોલાવ, તપોવનનું રક્ષણ તો રાજાઓ કરે ને!’’, અને રાજાને જ્યાં સખીઓ હતી, તે ઉદ્યાનવાટિકામાં પ્રવેશવાની તક મળી જાય છે. અચાનક એક પ્રતિભાસંપન્ન વ્યક્તિને આવેલી જોઈ ત્રણેય સખીઓ થોડી ડઘાઈ જાય છે. શકુન્તલા તો મુગ્ધ જ થઈ જાય છે. સખીઓની સાથે વાતો કરતાં રાજા જાણી લે છે કે શકુન્તલા બ્રાહ્મણકન્યા નથી, તેમજ તેને હજી પરણાવવાની બાકી છે. વળી શકુન્તલાને તેના તરફ થયેલો ભાવ પણ દુષ્યંતથી છૂપો રહેતો નથી. આમ શકુન્તલાપ્રવૃત્તિમાં આગળ વધવું ધર્મ્ય છે, એમ રાજા નક્કી કરે છે. તેવામાં, રાજાના સૈન્યના રથથી ભય પામેલો એક હાથી દોડતો તપોવન તરફ આવી રહ્યો છે તેવી જાહેરાત થાય છે અને સખીઓને તપોવનના અંદરના ભાગમાં જવાની તથા રાજાને તપોવનના વિઘ્નને અટકાવવા જવાની જરૂર પડે છે. પહેલો અંક પૂરો થાય છે.

શકુન્તલા પ્રત્યે ઉત્કટ અનુરાગ અનુભવતો રાજા હવે નગરમાં જઈ શકતો નથી, પણ તપોવનની પાસેના વનમાં જ પડાવ નાખે છે. તો હવે તે શકુન્તલાના જેવાં જ નયનોવાળાં હરણો ઉપર બાણ તાકવાને પણ શક્તિમાન નથી. તેવામાં જ તપોવનમાંથી બે ઋષિકુમારો આવે છે અને કાશ્યપની ગેરહાજરીમાં યજ્ઞકાર્યમાં ઊભાં થતાં વિઘ્નોને દૂર કરવા  રાજાને તપોવનમાં આવવા વીનવે છે. બીજી બાજુ અપુત્ર દુષ્યંતનાં માતાજી પણ દુષ્યંતને પુત્ર પ્રાપ્ત થાય તે માટે પુત્રપિંડપાલન વ્રત કરતાં હોય છે અને દુષ્યંતને તેના ઉપવાસના દિવસે હાજર રહેવા સંદેશવાહક કરભક દ્વારા કહેવડાવે છે. શું કરવું તેની વિમાસણમાં પડેલો રાજા આખરે વિદૂષકને પોતાના બદલે માતાજી પાસે મોકલી આપે છે અને પોતે તપોવનમાં જાય છે.

રાજાનો તપોવનમાં પ્રવેશ થતાં જ યજ્ઞનાં વિઘ્નો દૂર થઈ જાય છે. યજ્ઞના વિરામના સમયે તે માલિનીતીરના લતામંડપમાં શકુન્તલાને જોવા જાય છે. લતાની આડશેથી જોતાં રાજા જાણે છે કે શકુન્તલા અસ્વસ્થ છે. તેની શુશ્રૂષા કરતી પ્રિયંવદા-અનસૂયાના આગ્રહથી શકુન્તલા પોતાના દુષ્યંત ઉપરના ઉત્કટ અભિલાષની વાત જણાવે છે અને તેમના જ સૂચનથી તેને માટે મદનલેખ-પ્રેમપત્ર તૈયાર કરે છે. આ સાંભળીને આનંદિત થયેલો રાજા નિ:સંદેહ બનીને લતામંડપમાં પ્રવેશે છે અને શકુન્તલાને પોતાની સાથે ગાંધર્વલગ્ન કરવા સમજાવે છે.

કેટલાક દિવસો પછી યજ્ઞકાર્ય સમાપ્ત થતાં હવે નગરમાં જવા નીકળેલો રાજા, શકુન્તલાને પોતાના નામવાળી વીંટી આપતો જાય છે અને કહે છે કે ‘‘આ વીંટી ઉપરના મારા નામના એક એક અક્ષરને રોજ ગણજે. અક્ષરો પૂરા થશે તે પહેલાં તો મારો માણસ તને નગરમાં લઈ આવશે.’’ દુષ્યંત નગરમાં ગયો. સૂના પડેલા હૃદયવાળી શકુન્તલા તપોવનના દ્વારે બેઠી છે. પ્રિયંવદા-અનસૂયા ઉદ્યાનમાં વીતેલા પ્રસંગને વાગોળતી ફૂલો વીણી રહી હોય છે. તેવામાં સુલભકોપ મહર્ષિ દુર્વાસા આવી ચડે છે. શકુન્તલાને તેમના આગમનની ખબર રહેતી નથી, તેથી દુર્વાસા શાપ આપી જાય છે કે ‘‘જેના વિચારોમાં ખોવાયેલી તું મારો અનાદર કરે છે, તે તને ભૂલી જશે.’ સખીની ખૂબ વિનવણી પછી તે સહેજ અનુગ્રહ કરે છે કે શકુન્તલાને દુષ્યંતે આપેલા અભિજ્ઞાન-નિશાનીના દર્શનથી શાપ વળી જશે. બિચારી સખીઓ આટલાથી આશ્વાસન મેળવી લે છે અને આ વાત છૂપી રાખે છે.

કેટલાક માસ પછી કાશ્યપ પ્રવાસેથી પાછા ફરે છે. અગ્નિશાળામાં જતાં ત્યાં સંભળાયેલી દૈવી વાણીથી તે શકુન્તલાના લગ્ન અને સગર્ભાવસ્થાની વાત જાણી જાય છે અને તેને અભિનંદન આપે છે. બે ઋષિકુમારો-  શાઙર્ગરવ અને શારદ્વત તથા ગૌતમીની સાથે તે શકુન્તલાને ભારે હૈયે ભાવભીની વિદાય આપે છે. સમગ્ર તપોવન જ એક વ્યક્તિ બનીને શકુન્તલાને શુભેચ્છા અર્પે છે.

શકુન્તલા અને તેના સાથીઓ હસ્તિનાપુર પહોંચે છે. દુર્વાસાનો શાપ બરાબર પ્રર્વર્તેલો હોય છે. રાજા શકુન્તલાને સાવ ભૂલી ગયો હોય છે. રાજાની એકવારની પ્રેયસી હંસપદિકાએ ગાયેલી ‘‘તું એને (મને) સાવ ભૂલી જ ગયો કે!’’ એવા ભાવવાળી રાગથી ઊભરાતી ગીતિએ સંવેદનશીલ રાજાના ભીતરને હલાવી નાખ્યું છે. એ સ્થિતિમાં સામે આવેલી સગર્ભા સુંદરી તેને યાદ આવતી નથી. તે તેને નથી સ્વીકારી શકતો કે નથી નકારી શકતો. તપોવનવાસીઓ તરફથી શાર્ઙ્ગરવ અને રાજા વચ્ચે શાબ્દિક યુદ્ધ થાય છે. બંને પક્ષે સત્ય છે. અહીં સત્ય-સત્યનો વિલક્ષણ સંઘર્ષ થાય છે. શકુન્તલા વીંટી બતાવવા જાય છે, પણ તે તો ક્યારનીય શક્રાવતારના તળિયે પડી ગઈ છે. તેની એ ચેષ્ટા હાંસીપાત્ર ઠરે છે. તેની હૃદયસ્પર્શી અપીલો ભોંઠી પડે છે. આ સ્થિતિમાં ‘‘પતિકુળમાં દાસી તરીકે રહેવું પણ યોગ્ય છે’’ એમ કહીને તાપસો શકુન્તલાને મૂકીને ચાલ્યા જાય છે. ધરતી પાસે માર્ગ માગતી શકુન્તલાને આકાશમાંથી આવેલું એક તેજ લઈ જાય છે.

ત્યારપછી વર્ષો વીતી ગયાં. એક વાર શક્રાવતારના એક માછીમારને તેણે પકડેલી માછલીના પેટમાંથી વીંટી મળી આવે છે. તેને હસ્તિનાપુરના બજારમાં વેચવા જતાં તે પકડાઈ જાય છે. વીંટી રાજાની પાસે પહોંચે છે અને તેને શકુન્તલા યાદ આવી જાય છે. પોતે ધર્મપત્નીને કરુણ હાલતમાં કાઢી મૂકી તે પ્રસંગને યાદ કરતાં રાજાને પારાવાર વેદના અને પશ્ચાત્તાપ થાય છે. આ જ વખતે શકુન્તલાની માતા મેનકાની એક સખી, સાનુમતી, રાજાની હાલત જોવા આવી હોય છે. રાજાની વેદના, શકુન્તલાવિરહમાં તેને થયેલો ઉન્માદ અને તેની મૂર્ચ્છા જોતાં તેને રાજા પ્રત્યે ખૂબ સહાનુભૂતિ થાય છે. અને રાજા પ્રત્યેના પૂર્વગ્રહથી સંપૂર્ણ મુક્ત થઈને સાનુમતી આ બધું શકુન્તલાને જણાવવા ઊડી જાય છે. તેવામાં જ ઇન્દ્રનો સારથિ માતલિ આવીને રાજાને અસુરોની સામે યુદ્ધમાં ઇન્દ્રને મદદ કરવા સ્વર્ગમાં લઈ જાય છે.

છેલ્લા અંકમાં અસુરોની સામે ઇન્દ્રને વિજય અપાવી, ઇન્દ્રનું અપૂર્વ સન્માન પામીને રાજા પૃથ્વી ઉપર પાછો ફરી રહ્યો હોય છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે હેમકૂટ પર્વત ઉપર તપ કરી રહેલાં દેવોનાં માતાપિતા અદિતિ અને મારીચનાં દર્શન માટે રાજા રોકાય છે. અહીં તે સિંહની સાથે ખેલવા અબાલસત્વ બાળકને જુએ છે અને તેના ઉપર અજાણ્યું વાત્સલ્ય અનુભવે છે. ‘‘આ મારો બાળક હોય’’ એવી તેના મનમાં ફરકી ગયેલી આશંકા ક્રમશ: દૃઢ બનતી જાય છે. અને જ્યારે બાળકના હાથમાંથી પડી ગયેલું, માતાપિતા સિવાય બીજું કોઈ સ્પર્શી ન શકે તેવું માદળિયું, રાજા ઉપાડી શકે છે ત્યારે અચાનક સંપૂર્ણ બનેલા પોતાના મનોરથને રાજા અભિનંદી ઊઠે છે. ત્યાં આવેલી તપથી ક્ષીણ બની ગયેલી શકુન્તલાને પણ રાજા હવે ઓળખી જાય છે. મારીચની સામે બેઠેલાં શકુન્તલા, બાળક સર્વદમન અને દુષ્યંતનું બનેલું ચિત્ર શ્રદ્ધા, વિત્ત અને વિધિથી બનેલા એક સંપૂર્ણ યજ્ઞનો આકાર ધારણ કરે છે. નાટક પૂરું થાય છે.

કવિએ એક સાદી, શુષ્ક પ્રણયકથાને પોતાની અદ્વિતીય પ્રતિભાનો સ્પર્શ કરાવી તેને માનવનાં સર્વકાલીન અને સર્વસ્થલીય પ્રણયસ્પદંનો રજૂ કરતી અપૂર્વ અને આકર્ષક કથા બનાવી છે. આ નાટકની કથાથી પૂર્વના અને પશ્ચિમના રસિકો એકસરખા પ્રભાવિત થયા છે. જર્મન કવિ ગેટે તો ‘શાકુન્તલ’ના ભાષાન્તરને માથા પર મૂકી આનંદવિભોર બની નાચી ઊઠેલો. તેને આ એક જ કૃતિમાં વસંતનું પુષ્પ તેમજ ગ્રીષ્મનું ફળ, પૃથ્વી અને સ્વર્ગ નિરૂપાયેલાં લાગ્યાં છે. કવિવર રવીન્દ્રનાથ ઠાકુરને અહીં પૃથ્વીથી સ્વર્ગ સુધીની યાત્રા લાગી છે. પાંચમા અંકમાં પતિપત્નીનો વિચ્છેદ થતાં સ્વર્ગ નષ્ટ થયું, તો પાછું સાતમા અંકમાં સ્વર્ગની પુન:પ્રાપ્તિ પણ થઈ છે. આ નાટકમાં વિધિ જ સર્વત્ર કાર્ય કરતું હોવાથી કેટલાક તેને વિધિપ્રભાવિત નાટ્ય (destined play) કહે છે. કેટલાકને અહીં પરીક્ષા કર્યા વગરની ખાનગી સોબત અથવા ગાંધર્વલગ્નની સામેની ટકોર લાગે છે. કવિવર ઠાકુર આ નાટકને શેક્સપિયરના ‘ટેમ્પેસ્ટ’ સાથે તો પ્રા. ચી. ના. પટેલે તેને ‘રોમિયો અને જુલિયટ’ સાથે સરખાવ્યું છે. આ નાટકનો ચતુર્થ અંક અને તેમાંના ચાર શ્લોકો પૂર્વના રસિકોને સર્વોત્તમ લાગ્યા છે. જમાને જમાને રસિકોને નવો ને નવો આહલાદ આપતા ‘શાકુન્તલ’નો રંગ કદી ફટક્યો નથી.

પરમાનંદ દવે