અભયસિંહ (જ. 1702, અ. 1750) : ગુજરાતના મુઘલ સૂબેદાર. ગુજરાત 1573થી 1753 સુધી મુઘલ સામ્રાજ્યનું પ્રાંતિક એકમ હતું. 1720 બાદ ગુજરાત પરના મરાઠાઓના હુમલાઓમાં ભારે વધારો થતાં, મુઘલ પાદશાહ મુહમ્મદશાહ તથા તેના મુખ્ય વજીર ખાન દુરાનને ગુજરાતમાં સબળ સૂબેદારની જરૂર જણાતાં, તેમણે મારવાડના વફાદાર અને બાહોશ સેનાની મહારાજા અભયસિંહની ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્તિ કરી. અભયસિંહે સૂબેદાર સરબુલન્દખાનને હરાવીને, ઑક્ટોબર 1730માં ગુજરાતની સૂબેદારી સંભાળી લીધી. મરાઠાઓના હુમલાથી ગુજરાતનું રક્ષણ કરવાની તેની મુખ્ય જવાબદારી હોઈને તેણે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી. વડોદરાના વહીવટકર્તા ત્રંબકરાવ દાભાડે તથા પેશવા બાજીરાવ પહેલા વચ્ચે અણબનાવ હોવાથી બાજીરાવ તથા તેનો ભાઈ ચીમનાજી લશ્કર સાથે ત્રંબકરાવને શિક્ષા કરવા ગુજરાતમાં આવ્યા (ફેબ્રુઆરી, 1731). આ તકનો લાભ લઈને અભયસિંહે બાજીરાવ સાથે સમજૂતી કરી, જે અનુસાર મરાઠાઓ ગુજરાત પર હુમલા કરે નહિ તે શરતે અભયસિંહે બાજીરાવ પહેલાને 13 લાખ રૂપિયા આપ્યા તથા દાભાડે સામે લડવા જરૂરી લશ્કર આપ્યું. ડભોઈ પાસે પેશવા અને દાભાડે વચ્ચે થયેલી લડાઈમાં ત્રંબકરાવ દાભાડે હાર્યા અને માર્યા ગયા (એપ્રિલ, 1731). તેમના વફાદાર સરદાર પિલાજી ગાયકવાડ (વડોદરાના સ્થાપક) ઘાયલ થતાં, નાસી ગયા. પેશવા પુણે (પૂના) પાછા ફરતાં અભયસિંહે વડોદરાનો કબજો લીધો, પરંતુ પિલાજીએ ટૂંકસમયમાં જ વડોદરા પાછું જીતી લીધું. આથી અભયસિંહે પોતાના જાસૂસો મારફત પિલાજીની હત્યા કરાવી (માર્ચ, 1732).
આથી પિલાજીના પુત્ર દામાજી બીજાએ ત્રંબકરાવનાં માતા ઉમાબાઈના નેતૃત્વ તળે 30,000ના લશ્કર સાથે અમદાવાદને ઘેરો ઘાલ્યો. અભયસિંહને અન્ય મુઘલ સરદારોનો સાથ મળ્યો નહિ, તેથી તેને ઉમાબાઈ સાથે સમાધાન કરવું પડ્યું, જે અનુસાર અભયસિંહને રૂ. 80,000નો દંડ આપવો પડ્યો તથા મરાઠાઓને ચોથ અને સરદેશમુખી આપવાનું સ્વીકારવું પડ્યું (સપ્ટેમ્બર, 1732). આ દરમિયાન અભયસિંહે પોતાને વધારે નાણાકીય તથા લશ્કરી સહાય મોકલવા મુઘલ પાદશાહ તથા વઝીરને અવારનવાર દિલ્હી પત્રો લખ્યા, જેનો તેને સાનુકૂળ જવાબ મળ્યો નહિ. ગુજરાતના મુખ્ય મુઘલ સરદારો મોમિનખાન તથા જવાંમર્દખાનનો પણ તેને સાથ મળ્યો નહિ. આ સંજોગોમાં અભયસિંહ પોતાના નાયબ શિવસિંહ ભંડારીને ગુજરાતની સૂબેદારી સોંપીને દિલ્હી જતો રહ્યો. 10મી મે 1736ના રોજ અભયસિંહને ગુજરાતના સૂબેદારપદેથી દૂર કરવામાં આવ્યો.
રમણલાલ ક. ધારૈયા
યતીન્દ્ર દીક્ષિત