અભયતિલકગણિ (ઈ. 13મી સદી) : સોલંકી-વાઘેલા સમયમાં થઈ ગયેલા નામાંકિત જૈન-આચાર્ય-સાહિત્યકાર. તેમણે પાલણપુરમાં 1256માં હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્ય ઉપર ટીકા રચીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત શ્રીકંઠના ‘પંચપ્રસ્થાન-ન્યાયમહાતર્ક’ ઉપર ‘ન્યાયાલંકાર’ નામની વ્યાખ્યા રચી હતી. તેઓ દર્શન, કાવ્ય, સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે ગૌર્જર અપભ્રંશમાં ‘વીરરાસ’ રચ્યો હતો, જેમાં 1261માં ભીમપલ્લીમાં બંધાયેલા ‘માંડલિકવિહાર’ના પ્રતિષ્ઠામહોત્સવનો નજરે જોયો અહેવાલ આપવામાં આવ્યો છે. તેને કારણે ભાષાશાસ્ત્ર ઉપરાંત ઇતિહાસની દૃષ્ટિએ પણ આ કૃતિ મહત્વની ગણાય છે. આ ઉપરાંત તેમણે ઉપાધ્યાય ચંદ્રતિલકે રચેલા ‘અભયકુમારચરિત’નું સંશોધન કર્યું હતું, તથા ‘ઉપદેશમાલા’ની બૃહદ્-વૃત્તિને અંતે પ્રશસ્તિ પણ રચી હતી.
દેવેન્દ્ર ભટ્ટ