અબ્બાસી, અબ્દુલ લતીફ (ગુજરાતી) (જ. , અમદાવાદ; અ. 1678-79) : વિખ્યાત ફારસી ગ્રંથકાર. ‘ખુલાસતુશ્શુઅરા’ નામની કૃતિની પ્રસ્તાવનામાં અમદાવાદનો પોતાની જન્મભૂમિ તરીકે ઉલ્લેખ છે. અબ્બાસી કેટલાક સમય માટે જહાંગીરના સમયમાં થઈ ગયેલા લશ્કરખાનની નોકરીમાં હતા. નોકરી દરમિયાન એમણે લશ્કરખાન વતી ખાનેખાનાન, મહોબતખાન, આસફખાન વગેરેને પત્રો લખેલા. પાછળથી તેમની સેવાઓ બદલ તેમને શાહજહાંએ ‘અકીદતખાન’નો ઇલકાબ એનાયત કરેલો.
‘ખુલાસતુશ્શુઅરા’, ‘ઇન્શાએ અબ્દુલ લતીફ’, ‘શર્હ મસ્નવીએ મૌલાના રૂમ’, ‘નુસ્ખએ નાસિખા’, ‘લતાઈફૂલ લુગાત્’, ‘લતાઈફૂલ મસ્નવી’, ‘મિર્આતુલ મસ્નવી’, ‘લતાઈફૂલ હકાઈક’, ‘શર્હ હદીકા’ વગેરે તેમનાં લખેલાં પુસ્તકો છે.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી