અબ્દુલ વહ્હાબ (ઈ. 17મી સદી) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પાટણના સુન્ની વિદ્વાન. જ્યારે શાહજાદા ઔરંગઝેબે શહેનશાહ શાહજહાંને કેદ કરીને સલ્તનતના મુખ્ય કાઝી(કાઝી-ઉલ-કુજ્જાત)ને જુમાની નમાજમાં પોતાના નામના ખુત્બા પઢાવવાની આજ્ઞા કરી, ત્યારે કાઝીએ પિતાની હયાતીમાં પુત્રના નામના ખુત્બા પઢાવી ન શકાય તેમ કહીને ઇન્કાર કર્યો. તે સમયે પાટણના આ સુન્ની વિદ્વાન શેખ અબ્દુલ વહ્હાબે કાઝી સાથે વાદવિવાદ કરીને સાબિત કરી આપ્યું હતું કે ઔરંગઝેબના નામના ખુત્બા પઢાવવામાં ધર્મ તરફથી કોઈ હરકત નથી. તેમની આ સેવાની કદર કરીને પછીથી બાદશાહ બનેલા ઔરંગઝેબે તેમને ‘કાઝી-ઉલ-કુજ્જાત’નો અત્યંત મહત્વનો તથા સન્માનભર્યો હોદ્દો આપ્યો. 1684માં ગુજરાતમાં દુષ્કાળ પડતાં શેખ અબ્દુલ વહ્હાબની વિનંતી ઉપરથી ઔરંગઝેબે અમદાવાદ શહેરનું એક વરસનું મહેસૂલ માફ કર્યું હતું. આ શેખ અબ્દુલ વહ્હાબની દરગાહ મસ્જિદ અમદાવાદમાં ખાનપુરમાં આવેલી છે.
દેવેન્દ્ર ભટ્ટ