અબ્દુલ રહેમાન ટુંકુ (જ. 8 ફેબ્રુઆરી 1903, મલાયાના અલોર સેતાર, કેડાહ, મલાયા; અ. 6 ડિસેમ્બર 1990, કુઆલાલમ્પુર, મલેશિયા) : સ્વતંત્ર મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી અને રાજદ્વારી પુરુષ. તેમનો જન્મ કેડાહ(Kedah)ના રાજવંશમાં થયેલો હોવાથી તેમના નામ સાથે ટુંકુ એટલે કે રાજકુંવર શબ્દ કાયમ માટે સંકળાયેલો રહેલો. શરૂઆતનું શિક્ષણ મલાયા અને થાઇલૅન્ડમાં લીધા પછી તેઓ ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅંડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દાખલ થયા (1920-31). 1931માં સ્વદેશ પાછા ફર્યા પછી કેડાહની નાગરિક પ્રશાસન સેવામાં દાખલ થયા (1931-48). 1948માં તેઓ કાયદાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસાર્થે ફરી ઇંગ્લૅંડ ગયા અને 1949માં બૅરિસ્ટરની પદવી મેળવી. 1949-51 દરમિયાન મલાયાના સમવાયી કાયદા વિભાગમાં ડેપ્યુટી પબ્લિક પ્રૉસિક્યૂટરના પદ પર કામ કર્યું. 1951માં તેમાંથી સ્વેચ્છાએ રાજીનામું આપી રાજકારણમાં સક્રિય બન્યા. તે જ વર્ષે તેઓ યુનાઇટેડ મલાયા નૅશનલ ઑર્ગેનાઇઝેશન(UMNO)ના પ્રમુખ ચૂંટાયા. તેમના નેતૃત્વ હેઠળની આ સંસ્થાએ મલાયા ચાઇનીઝ ઍસોસિયેશન તથા મલાયા ઇન્ડિયન ઍસોસિયેશન સાથે જોડાણ કર્યું અને 1955ની સામાન્ય ચૂંટણીમાં સંયુક્ત રીતે ઝંપલાવ્યું તથા વિશાળ બહુમતી હાંસલ કરી. પરિણામે આ પક્ષ સત્તા પર આવતાં અબ્દુલ રહેમાન તેના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બન્યા. 1956માં મલાયાની સ્વતંત્રતા માટે બ્રિટિશ સરકાર સાથે વાટાઘાટો કરવા જે પ્રતિનિધિ મંડળ ઇંગ્લૅંડ ગયું તેના અબ્દુલ રહેમાન નેતા હતા. 1957માં મલાયા સ્વતંત્ર થયું ત્યારે તેઓ તેના પ્રથમ વડાપ્રધાન બન્યા (1957-63). 1963માં મલાયા, સિંગાપુર, સબા તથા સારાવાક આ ચાર દેશોનું સમવાયતંત્ર રચાતાં અબ્દુલ રહેમાન તેના વડાપ્રધાન બન્યા (1963-70). 1965માં સિંગાપુર તેમાંથી નીકળી ગયું. 1970માં તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું અને અવસાન સુધી સક્રિય રાજકારણમાંથી અલિપ્ત રહ્યા.
મલાયા(પાછળથી મલેશિયા)ની સ્વતંત્રતાના કાજે તેમણે જે કાર્ય કર્યું તે માટે તેમને ‘મલેશિયાની સ્વતંત્રતાના પિતામહ’નું બિરુદ મળેલું.
1967માં ઍસોસિયેશન ઑવ્ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ(ASEAN)ની સ્થાપના થઈ તેમાં પણ તેમની ભૂમિકા સક્રિય હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે