અબ્દુલ મલિક (1) (જ. 646 મદિના, સાઉદી અરેબિયા; અ. 9 ઑક્ટોબર 705 દમાસકસ) : ઉમૈયાહ ખલીફાઓ પૈકી એક. આખું નામ અબ્દુલ મલિક બિન મર્વાન બિન હકમ. તેની ખિલાફત વીસ વર્ષ (685-705) સુધી રહેલી. તેની ખિલાફત દરમિયાન અરબોએ, બિનઅરબો ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ભોગવ્યું. સરકારી હિસાબ ફારસીને બદલે અરબીમાં લખાવા શરૂ થયા; પહેલી વખત સિક્કાઓ અરબી ભાષામાં બહાર પડ્યા. મદીના મુનવ્વરાના અન્સારીઓને તેણે રંજાડ્યા હતા. પોતે ખલીફા નિમાયો હોવાના સમાચાર મળ્યા ત્યારે તે કુર્આને શરીફનો પાઠ કરતો હતો. એ પાઠ એણે બંધ કર્યો અને કુર્આને પાકને સંબોધીને કહ્યું, ‘આજથી તારી અને મારી વચ્ચે અંતર વધશે.’ સિંધના વિજેતા મોહંમદ બિન કાસિમનો કાકો હજ્જાજ બિન યૂસુફ, તેનો કાબેલ પણ ઘાતકી અને ક્રૂર સેનાપતિ હતો.
ઝુબેર કુરેશી