અબ્દુલ મલિક (2) (જ. 15 જાન્યુઆરી 1919, ગોલાઘાટ, આસામ; અ. 19 ડિસેમ્બર 2000, જોરહટ) : અસમિયા કવિ અને વાર્તાકાર. આસામના નોઆગોંગ નગરમાં જન્મ. એમ. એ. સુધીનું શિક્ષણ પહેલાં નોઆગોંગમાં અને પછી ગુવાહાટી વિશ્વવિદ્યાલયમાં લીધું. પછી આસામ સરકારના શિક્ષણ ખાતામાં નોકરી લીધી. વાર્તાઓ તથા કવિતામાં ડાબેરી દૃષ્ટિકોણ હોવાને લીધે તેમણે સામાન્ય સમુદાયની ચાહના મેળવી. તેમની વાર્તાઓ પણ પીડિતોના શોષણની જ હોય છે. એમણે એક નવલકથા ‘અગ્રાહી આત્માર કાહિની’ (જે બધાંથી વંચિત રહી ગયો છે એવા માનવીની કથા) લખી છે. તેને 1972ની શ્રેષ્ઠ  અસમિયા કૃતિ તરીકે સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળેલો છે.

ભારત સરકાર તરફથી 1984માં પદ્મશ્રી અને 1992માં પદ્મભૂષણથી તેઓ સન્માનિત થયા હતા.

ચન્દ્રકાન્ત મહેતા