અબ્દુલ્લા (જ. 2 ફેબ્રુઆરી 1882, મક્કા, સાઉદી અરેબિયા; અ. 20 જુલાઈ 1951, જેરુસલેમ, જોરડેન) : સ્વતંત્ર જૉર્ડનના સૌપ્રથમ શાસક (1946-51) અને મુત્સદ્દી. મૂળ નામ અબ્દ અલ્લાહ ઇબ્ન અલ-હુસેન. હેજાઝના શાસક હુસેન ઇબ્ન અલીના બીજા પુત્ર. ઇસ્તંબુલમાં શિક્ષણ મેળવેલું. 1908માં તુર્કીની ક્રાંતિ પછી ઑટોમન સંસદમાં તેમણે મક્કાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1914માં રાષ્ટ્રવાદી આરબ ચળવળમાં જોડાયેલા. 1915-16માં ઇજિપ્તમાં અંગ્રેજો સાથેની છૂપી વાટાઘાટોમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના પરિણામરૂપે ઑટોમન સામેના આરબ બળવાની જાહેરાત (10-6-1916) થઈ હતી.

દમાસ્કસમાં કહેવાતી ઇરાકી કૉંગ્રેસ દ્વારા 8-3-1920ના રોજ તેમને ઇરાકના બંધારણીય રાજા જાહેર કરાયેલા. પરંતુ તેમણે એનો અસ્વીકાર કરવાથી ઑગસ્ટ 1921માં તેમના ભાઈ ફૈઝલ-1ને રાજ્યાસન મળ્યું. દમાસ્કસમાંથી ફૈઝલને ફ્રેન્ચ લશ્કરે હાંકી કાઢ્યા બાદ અબ્દુલ્લાએ ટ્રાન્સજૉર્ડન કબજે કર્યું અને સીરિયા પર હુમલો કરવાની ધમકી આપી. તેમણે ટ્રાન્સજૉર્ડનને પૅલેસ્ટાઇનથી કાનૂની રીતે જુદું પાડવાની વાટાઘાટો સફળતાપૂર્વક ચલાવી. સીરિયા, ઇરાક અને ટ્રાન્સજૉર્ડનનું સંયુક્ત આરબ રાજ્ય સર્જવાની અબ્દુલ્લાની મહેચ્છા હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટનને સાથ આપ્યો અને 1941માં સીરિયા તથા ઇરાક બ્રિટન કબજે કરે તે માટે અબ્દુલ્લાએ પોતાનું લશ્કર પણ સહાય અર્થે મોકલ્યું. ટ્રાન્સજૉર્ડન સ્વતંત્ર થતાં 25-5-1946ના રોજ તેઓ તેના શાસક બન્યા. 1947માં પૅલેસ્ટાઇનને આરબ અને યહૂદી રાજ્યોમાં વિભાજિત કરવાના સંયુક્ત રાષ્ટ્રો(U.N.)ના પગલાને સ્વીકારનારા તેઓ એકમાત્ર આરબ શાસક હતા. મે 1948માં ઇઝરાયલ સાથેના યુદ્ધમાં તેમના લશ્કરે જૉર્ડન નદીનો પશ્ચિમ કિનારો કબજે કર્યો અને જૂનું જેરૂસલેમ પચાવી પાડ્યું. બે વર્ષ પછી તેમણે જૉર્ડન નદીનો પશ્ચિમ કિનારો જૉર્ડન સાથે જોડી દીધો તેથી તેમના ભૂતપૂર્વ આરબ સાથીદાર દેશો સીરિયા, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત તેમની સામે ગુસ્સે ભરાયેલા. કાળક્રમે જૉર્ડનમાં પણ તેમની લોકપ્રિયતા ઘટી. એક પૅલેસ્ટાઇનવાસી રાષ્ટ્રવાદીએ તેમની હત્યા કરી હતી.

હેમન્તકુમાર શાહ