અબ્દુલ્લા, શેખ મહમ્મદ (જ. 5 ડિસેમ્બર 1905, શ્રીનગર; અ. 8 સપ્ટેમ્બર 1982, શ્રીનગર) : ‘શેરે કાશ્મીર’ તરીકે પ્રસિદ્ધ, કાશ્મીરના રાજકીય નેતા અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી. મૅટ્રિક સુધી શિક્ષણ શ્રીનગર, કૉલેજ-શિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢ મુકામે પૂરું કરીને એમ. એસસી. થઈને શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પરંતુ રાજકીય પ્રવૃત્તિઓને લીધે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવેલા. 1932માં ખ્રિસ્તીમાંથી ઇસ્લામમાં ધર્માંતર કરેલ અકબરજહાન સાથે લગ્ન કર્યું. ધર્મચુસ્ત માતાના વિચારોની ગાઢ અસર બાળપણથી જ તેમના પર પડેલી; પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોની અસર પણ હતી. કાશ્મીરમાં જવાબદાર રાજ્યતંત્રની સ્થાપના માટેની ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ, અલીભાઈઓ તથા તુર્કીના કમાલ પાશાના વિચારોની અસર તેમના પર પડી હતી. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે 1930માં ‘યંગમેન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં નૅશનલ કૉન્ફરન્સમાં પરિવર્તિત થયું. તેના પ્રમુખ તરીકે શેખ અબ્દુલ્લા 1942 અને 1944ને બાદ કરતાં છેક 1953 સુધી રહ્યા હતા. 1948માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. 1949માં તે બંધારણ સભાના સભ્ય પણ હતા. ત્યારબાદ તેમણે, કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવાની મુરાદ બર લાવવાના પ્રયત્નો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરી 1953માં ગિરફતાર કરવામાં આવ્યા હતા. ત્યારપછી અવારનવાર તેમની ધરપકડ અને છુટકારા થયા હતા. આશરે 11 વર્ષનો જેલવાસ (1953-1964) તેમણે ભોગવ્યો. 1975માં તેમણે ભારતતરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્ય મંત્રી બનવાની તેમને તક સાંપડી હતી.
ધર્મેન્દ્રસિંહ દિ. ઝાલા