અબ્દુલ્લા, ફારૂક (જ. 21 ઑક્ટોબર 1937, શ્રીનગર) : ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય મંત્રી. એમ. બી. બી. એસ. સુધીનું શિક્ષણ શ્રીનગરમાં. શિક્ષણ પૂરું કરીને લંડન ખાતે ખાનગી મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી. તેમના પિતા શેખ મહમ્મદ અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય પ્રધાન હતા તે અરસામાં ફારૂક અબ્દુલ્લા લંડનથી સ્વદેશ પાછા ફરેલા અને પિતાના પ્રોત્સાહનથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. શરૂઆતમાં તેઓ નૅશનલ કૉન્ફરન્સ પક્ષના મહામંત્રી નિમાયેલા. 1982-84 તથા માર્ચ 1987-90 દરમિયાન જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા. તે પહેલાં ભારતના કૉંગ્રેસવિરોધી રાજકીય પક્ષોના અવિધિસરના સંગઠન(conclave)માં સક્રિય હતા. 1996માં રાજ્યમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં નૅશનલ કૉન્ફરન્સ પક્ષને બહુમતી મળતાં તેઓ ફરી રાજ્યના મુખ્ય મંત્રી બન્યા. તેઓ નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ પણ છે. રાજ્યની કેટલીક જાહેર સંસ્થાઓમાં પણ તેઓ ઉચ્ચ પદાધિકારી છે. દા.ત., જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ઍસોસિયેશનના અધ્યક્ષ, રાજ્યના મુસ્લિમ વકફ ટ્રસ્ટના ચૅરમૅન, શેરે કાશ્મીર નૅશનલ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ટ્રસ્ટના પ્રમુખ વગેરે.
તેમના પિતા શેખ મહમ્મદ અબ્દુલ્લાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે ફારૂક અબ્દુલ્લાની પસંદગી કરી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે