અબૂ નુવાસ (હસન બિન હાની) (જ. આઠમી સદી, અહવાઝઅરબસ્તાન) : અરબી કવિ. ખભા સુધી જુલ્ફાં લટકતાં તેથી એમને અબૂ નુવાસ કહેતા. બસરા શહેરમાં વિદ્યાપ્રાપ્તિ કરેલી. અનેક દોષોને કારણે અનેક વાર જેલવાસ ભોગવેલો. એમના કાવ્યસંગ્રહ ‘દીવાના’માં પ્રશિસ્તકાવ્યો, કટાક્ષકાવ્યો, શોકકાવ્યો, ધાર્મિક સ્તોત્રો ઇત્યાદિ છે. તેમાં વિષયોનું અને ભાવોનું પ્રચુર વૈવિધ્ય છે, પણ એમનાં ઉત્તમ કાવ્યો તો મદિરાપાન વિશેનાં છે. કેટલાક વિવેચકોના મત મુજબ અબૂ નુવાસ એમના જમાનાના શ્રેષ્ઠ કવિ હતા.
એહમદહુસેન નૂરમોહમંદ કુરેશી