અબુ ધાબી : નૈર્ઋત્ય એશિયામાં ઇરાની અખાત પર આવેલું સંયુક્ત આરબ અમીરાત(U. A. E.)નું સાત અમીરાતો પૈકીનું સૌથી મોટું અમીરાત. તેની આંતરરાષ્ટ્રીય સરહદો વિવાદગ્રસ્ત છે. ભૌગોલિક સ્થાન : તે 240 28′ ઉ. અ. અને 540 22′ પૂ. રે. ની આજુબાજુનો 67,350 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2018 મુજબ તેની વસ્તી, આશરે 14,50,000 જેટલી છે. તેનો વસ્તીવૃદ્ધિદર 2.6 % (1996 મુજબ) જેટલો મુકાયો છે. સાતે અમીરાતોમાં તે વસ્તી, વિસ્તાર અને સમૃદ્ધિમાં પ્રથમ ક્રમે આવે છે. સંયુક્ત આરબ અમીરાતના લગભગ પોણા ભાગનો વિસ્તાર ધરાવતા અબુ ધાબીમાં સમૃદ્ધ તેલક્ષેત્રો આવેલાં છે. તેની વાયવ્ય અને પશ્ચિમે કતાર, પશ્ચિમ અને દક્ષિણે સાઉદી અરેબિયા, પૂર્વે મસ્કત અને ઓમાન તથા ઉત્તરે રણ, ખારો પાટ અને અરબી અખાત આવેલાં છે. ઈરાની અખાતના દક્ષિણ કિનારે આવેલો આ પ્રદેશ 400 કિમી.નો દરિયાકિનારો ધરાવે છે. આબોહવા ઉનાળામાં વિષમ રહે છે. જૂન અને જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 420 સે અને 230 સે જેવાં રહે છે. સરેરાશ વરસાદ 60 મિમી. જેટલો પડે છે.
શેખ ઝાયદ ઈબ્ન ખલીફાના લાંબા શાસન (1855-1908) દરમિયાન અબુ ધાબી શહેર (વસ્તી : 3,63,400) સંયુક્ત આરબ અમીરાતનું 1971થી 1981 સુધી પાટનગર હતું. અબુ ધાબીનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખનિજતેલનાં ઉત્પાદન અને ઊપજ પર આધારિત છે. અહીંનું પ્રથમ તેલક્ષેત્ર ઉમ્મ શઈફ દરિયામાં 125 કિમી. દૂર લગભગ 2,700 મીટરની ઊંડાઈએ 1958માં મળ્યું હતું. મુર્બન. બુ હસાહ, રક અઝ-ઝકુમ તેનાં મુખ્ય તેલક્ષેત્રો છે. ખનિજતેલની તેની કુલ અનામતો 3,000 કરોડ બૅરલ જેટલી અંદાજવામાં આવેલી છે. 1990ના દાયકાના આરંભમાં તેનું ખનિજતેલનું ઉત્પાદન વાર્ષિક લગભગ 7 કરોડ મેટ્રિક ટન જેટલું હતું. અલ-એઈન અહીંનો મુખ્ય તેલવિસ્તાર ગણાય છે. આ વિસ્તારમાં વધુ વિશ્વનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બની રહ્યો છે. જેમાં ચાલીસ લાખ સોલાર પેનલ લગાવવામાં આવશે. જેવા દ્વારા બે ગીગા ટન વીજળી ઉત્પન્ન થશે.
1761 સુધી અબુ ધાબી શહેરના હાલના સ્થાને કોઈ માનવવસવાટ ન હતો. 20મી સદીના આરંભે પણ અબુ ધાબી શહેરની વસ્તી માત્ર 6,000 જેટલી હોવાનો અંદાજ છે. ખનિજ તેલ શોધાતાં શહેરની રાજકીય અને આર્થિક સ્થિતિમાં પલટો આવતો ગયો. 1968માં શરૂ થયેલ મહત્વાકાંક્ષી પંચવર્ષીય યોજનાએ શહેરને સંપૂર્ણ રીતે આધુનિક બનાવી દીધું. દુબઈ, અલ એઈન, ઓએસિસ અને કતાર વગેરે શહેરો સાથે તે ભૂમિમાર્ગે જોડાયેલું છે. અહીં મુખ્યત્વે અરેબિક ભાષા બોલાય છે, તે ઉપરાંત અંગ્રેજી, ફારસી, ઉર્દૂ અને હિન્દીનો પણ ઉપયોગ થાય છે. વસ્તી મુખ્યત્વે મુસ્લિમોની છે. 4 % જેટલા હિન્દુઓ પણ છે. નજીકના ઉમ્મ અન-નાર ટાપુ પરની તેલ રિફાઈનરીએ 1976થી ઉત્પાદન શરૂ કર્યું છે. શહેરથી ઈશાને આવેલા અસ-સદિયાત ટાપુ પર અમેરિકી ટૅકનિકલ સહાય સાથે ‘સૂકી જમીન સંશોધન કેન્દ્ર’ સ્થાપવામાં આવેલું છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ અને કુદરતી વાયુ ઉત્પાદન કરતા ઉદ્યોગો દુબઈ ખાતે આવેલા છે, જ્યારે ઊર્જા અને પાણીમાંથી મીઠું કાઢી લેવાના સંકુલ તાવી લાહ ખાતે આવેલા છે. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
હેમન્તકુમાર શાહ