અફવા : જેમાં સત્યાંશનું પ્રમાણ ઘણું ઓછું હોય એવી કોઈ પણ વાત કે સમાચારનું કર્ણોપકર્ણ વાયુવેગે પ્રસરણ. અફવામાં વાતનું વતેસર થાય છે. અફવા વિશેનો સૌપ્રથમ મનોવૈજ્ઞાનિક અભ્યાસ અમેરિકન મનોવૈજ્ઞાનિક ગૉર્ડન ઑલપૉર્ટ અને લિયો પોસ્ટમૅને કર્યો છે. તેમણે ‘સાયકૉલોજી ઑવ્ રૂયુમર’ (1947) નામનું પુસ્તક લખ્યું છે. અફવાનો ફેલાવો કેવી રીતે થાય છે અને તેમાં વાતનું વતેસર કઈ રીતે થાય છે તે અંગે નોંધપાત્ર પ્રમાણમાં પ્રાયોગિક અધ્યયનો થયાં છે. આ અધ્યયનોમાં એક વ્યક્તિ ચિત્ર જોઈને કે વાર્તા સાંભળીને બીજી વ્યક્તિને તે અંગેનો અહેવાલ આપે છે અને બીજી વ્યક્તિ તે અહેવાલ ત્રીજી વ્યક્તિને અને ત્રીજી ચોથીને અને ચોથી વ્યક્તિ પાંચમીને અહેવાલ આપે એવી પદ્ધતિ અપનાવવામાં આવે છે. વાર્તા કે અહેવાલ એક વ્યક્તિ પાસેથી બીજી પાસે જાય તે દરમિયાન તેમાં કેવા ફેરફાર થાય છે તે નોંધવામાં આવે છે. પ્રાયોગિક અધ્યયનોએ સ્પષ્ટ કર્યું છે કે વાર્તા કે અહેવાલ એક મુખેથી બીજે મુખે જાય ત્યારે કેટલીક વિગતો છૂટી જાય છે (levelling), કેટલીક વિગતો પર વધારે પડતો ભાર મુકાઈ જાય છે (sharpening), જ્યારે કેટલીક વિગતોમાં પ્રયોગપાત્રોનાં આશા-અરમાનો-ઇચ્છાઓ અને અપેક્ષાઓ ભળી જાય છે (assimilation). આ ત્રણે મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓને લીધે મૂળ વાર્તામાં વિકૃતિઓ આવે છે. ઑલપોર્ટ અને પોસ્ટમૅનના આ વિશ્લેષણથી વિરુદ્ધ કેટલાક અભ્યાસીઓનું મંતવ્ય એવું છે કે અફવાના શ્રીગણેશ એક સરળ વિધાન કે વિગતથી થાય છે. આ વિધાન કે વિગત શરૂઆતથી જ ખોટું કે વાહિયાત હોય છે. તેને જ જાણ્યેઅજાણ્યે આગળ ને આગળ ધપાવવામાં આવે છે. કોઈ પણ અફવા કેટલી આગળ વધશે તેનો આધાર તે અફવાનો વિષય કેટલો ‘મહત્વપૂર્ણ’ છે અને તે સમયે પરિસ્થિતિ કેટલી ‘સંદિગ્ધ’ છે તેના પર છે. નજીવી બાબતો કે નગણ્ય વ્યક્તિઓ વિશે અફવાઓ ફેલાતી નથી. સંદિગ્ધ પરિસ્થિતિમાં અફવાને પાંખો આવે છે. અંધાધૂંધી, હુલ્લડ, યુદ્ધ કે રમખાણના સમયે અફવાઓનું બજાર ગરમ થઈ જાય છે. અફવાથી ટોળાંઓ સર્જાય છે અને ટોળાંઓ સર્જાતાં અફવાને વધુ વેગ મળે છે. લોકલાગણીને ઉશ્કેરે તેવી કોઈ બાબત હોય અને વિશ્વસનીય સાધનો દ્વારા ત્વરિત ખુલાસો ન થાય તો અફવા દાવાગ્નિની જેમ ફેલાય છે. અફવાઓમાં બન્યું હોય તે નહિ પણ શું બન્યું હોત તે ઘણી વાર તો રજૂ કરવામાં આવે છે. અફવાઓમાં કેટલીક વાર વ્યક્તિઓ ‘ઇચ્છાપૂર્તિ’ પણ કરે છે. દા.ત. હુલ્લડ, રમખાણ કે યુદ્ધમાં જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં હોય તેઓ મરણનો આંકડો આસમાને ચઢાવે છે. આ રીતે તેમણે એકલાએ ગુમાવ્યું નથી પરંતુ તેની જેમ ઘણાં બધાંએ ગુમાવ્યું છે એવું તે આશ્ર્વાસન મેળવે છે. અફવામાં પોતાની માનસિક સ્થિતિ કે પ્રેરકબળોનું પ્રક્ષેપણ થાય છે. કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે પ્રજાના જીવનમાંથી રસકસ ઊડી ગયો હોય અને પ્રજા એક પ્રકારનો કંટાળો કે અકળામણ અનુભવતી હોય તો તેવા સંજોગોમાં પણ અફવાઓને મોકળું મેદાન મળે છે. અફવાઓથી પ્રજાજીવનમાં ઉશ્કેરાટ અને ઉત્તેજના આવે છે અને લોકોને જીવનમાં રસ પેદા થાય છે. કેટલીક વ્યક્તિઓ પોતે બહુ મહત્વની વાત જાણી લાવેલ છે અને મહત્વની વાતની જાણ તો મહત્વના લોકો હોય તેમને જ થાય એવું દર્શાવવામાં અફવાઓ ફેલાવે છે. વર્તમાનપત્રો જેવાં સમૂહમાધ્યમો અને ટેલિફોન જેવાં સંચારમાધ્યમો અફવા ફેલાવવામાં નિમિત્તરૂપ બને છે. અફવાને સાધારણ રીતે વખોડી કાઢવામાં આવે છે, પરંતુ અફવા એક રીતે સાંભળનારને ચેતવે છે, સાવધાન કરે છે.
અફવાઓના મનોવિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા વ્યવસ્થાપન-મૅનેજમેન્ટ ક્ષેત્રના અભ્યાસીઓએ પારખી છે. અર્વાચીન વ્યવસ્થાપન પદ્ધતિઓમાં કંપનીઓમાં કેવી ગુસપુસ ચાલે છે તે જાણવા માટે કર્મચારીઓની સાથે નાનાં નાનાં જૂથમાં અનૌપચારિક મિલનમુલાકાતો ગોઠવવા પર ભાર મુકાવા માંડ્યો છે. આવાં મિલનમુલાકાતોમાં ગપસપને બદલે સાચી માહિતી અને તથ્યો કર્મચારીઓને આપવામાં આવે છે અને કર્મચારીઓ કર્ણોપકર્ણ તે માહિતી બીજાઓને પહોંચાડે છે. પ્રત્યાયન(communication)ની આ અનૌપચારિક પદ્ધતિને ‘ગ્રેઇપવાઇન મેથડ’ કહેવામાં આવે છે. ‘ગ્રેઇપવાઇન’ એટલે દ્રાક્ષનો વેલો. દ્રાક્ષનો વેલો જેમ આડોઅવળો ફેલાય તેમ અહીં પ્રત્યાયન એક મુખેથી બીજા મુખે એમ ચારે તરફ ફેલાય છે અને વ્યવસ્થાપન તંત્રનું ધાર્યું લક્ષ્ય પાર પડે છે.
હુલ્લડ, રમખાણ કે યુદ્ધની પરિસ્થિતિમાં અફવા ફેલાતી રોકવી તે અનિવાર્ય બની જાય છે.
નટવરલાલ શાહ