અફઝલખાન (જ. 20 નવેમ્બર 1659, પ્રતાપગઢ કિલ્લો, રાજપુરી) : બિજાપુર રાજ્યનો સૂબેદાર અને સેનાપતિ. શિવાજીએ બિજાપુર રાજ્યના કેટલાક પ્રદેશો જીતી લઈને પોતાના રાજ્યમાં સમાવી લેતાં વાઈ પ્રાંતના ભૂતપૂર્વ સૂબેદાર તથા લશ્કરી સેનાની અફઝલખાન(મૂળ નામ અબ્દુલ્લા ભટારી)ને શિવાજીને જીવતો કે મરેલો પકડી લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુસાર અફઝલખાન 12,000ના લશ્કર સાથે પ્રતાપગડ પાસે પહોંચ્યો. તેણે કૃષ્ણાજી ભાસ્કર મારફત શિવાજી સાથે મુલાકાત ગોઠવી. આ પહેલાં શિવાજીએ પોતાના જાસૂસ સંતાજી ગોપીનાથ મારફત અફઝલખાનની લશ્કરી હિલચાલ તથા તેના ઉદ્દેશ વિશે માહિતી મેળવી લીધી હતી. અફઝલખાને પ્રતાપગડની આસપાસના જંગલમાં પોતાના લશ્કરને છુપાવી રાખ્યું. તે જ રીતે શિવાજીએ પણ ચુનંદા મરાઠા સૈનિકોને આસપાસ છૂપી રીતે ગોઠવી દીધા. અફઝલખાનનો ઇરાદો શિવાજીને ભેટતી વખતે છરીથી તેની હત્યા કરવાનો હતો, જ્યારે આમ બને તો શિવાજીએ પોતે છુપાવેલા વાઘનખથી અફઝલખાનની હત્યા કરવાનો નિશ્ચય કર્યો હતો. અફઝલખાને શિવાજીને ભેટવા જતાં જેવો શિવાજીની હત્યા કરવાનો પ્રયાસ કર્યો કે તુરત શિવાજીએ વાઘનખથી અફઝલખાનનું પેટ ચીરી નાંખ્યું. અફઝલખાન ઢળી પડીને મૃત્યુ પામ્યો. મરાઠા સૈન્યે બિજાપુરી સૈન્ય પર તૂટી પડીને તેને વેરવિખેર કરી નાખ્યું. શિવાજીને આમાંથી આશરે રૂ. 10 લાખની સંપત્તિ પ્રાપ્ત થઈ હતી.
રમણલાલ ક. ધારૈયા