અપૂરતું પોષણ (malnutrition) : માનવસ્વાસ્થ્ય એ પ્રાથમિકતાના વિષય તરીકે સર્વત્ર સ્વીકારાયું છે. આ સદીનાં શરૂઆતનાં વર્ષોમાં રોગનું પ્રમાણ મોટું હતું ત્યારે આરોગ્યમાં રોગનિવારણ પર વધુ ધ્યાન દેવાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ઔષધશાસ્ત્રે કરેલી પ્રગતિને કારણે મલેરિયા, ક્ષય, મરડો અને બીજા રોગચાળા ફેલાવતી બીમારીઓ પર પ્રભુત્વ મેળવ્યા પછી સ્વાસ્થ્ય અંગેની વિચારણામાં પોષણના મહત્વ પર ભાર મૂકવામાં આવે છે.

ભારતમાં 1950માં ખાદ્યાન્ન સંશોધન સંસ્થા શરૂ થઈ. એની વિવિધ સંશોધન પ્રવૃત્તિમાં સમતોલ આહાર (balanced diet) અંગેનું સંશોધન મુખ્યત્વે હતું. એમાં કૅલરીની જરૂરિયાત ઉપરાંત પ્રોટીન, વિટામિન અને ખનિજની જરૂરિયાતો અંગે વિચાર થયેલો, જેને સમયે સમયે સંશોધિત કરી નવાં ધોરણો નક્કી કરવામાં આવતાં હતાં. સમતોલ આહારના સંશોધનની શરૂઆત કરી આઇક્રૉઇડે. પછીનાં વર્ષોમાં પટવર્ધનનું નામ પણ જાણીતું થયેલું છે. સમતોલ આહારનાં ધોરણોનો ઉપયોગ બે રીતે થતો. એક તો જરૂરિયાત નક્કી કરવા અને ક્યારેક પગારધોરણ (મોંઘવારી સાથે) નક્કી કરવા પગાર પંચ તેનો ઉપયોગ કરતું.

સંયુક્ત રાષ્ટ્રની અન્ન અને કૃષિ અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થા (FAO) આંતરરાષ્ટ્રીય ધોરણે પોષણક્ષમ સમતોલ આહારની જરૂરિયાતો નક્કી કરતી, જેમાં કૅલરી અને પ્રોટીનનાં ધોરણો દર્શાવવામાં આવતાં.

‘ભારતમાં ગરીબાઈ’ ગ્રંથના પ્રગટ થયા પછી પોષણક્ષમ ખોરાકના ધોરણની અને એના આધારે ગરીબાઈની રેખા નક્કી કરવા અંગે, ચર્ચા-વિચારણા થઈ. આ વિચારણાને અંતે એફ.એ.ઓ.એ નક્કી કર્યું કે આંતરરાષ્ટ્રીય ધોરણે કૅલરીની જરૂરિયાત નક્કી નહિ કરતાં ન્યૂનતમ શારીરિક પોષણ-જરૂરિયાત (Basic Metabolic Requirement-BMR) નિયત કરવા અને માનવીના સંદર્ભમાં (reference man) 1.54 બી.એમ.આર. જેટલી જરૂરિયાત ઠરાવી છે, જે કૅલરીમાં 2,593 જેટલી થાય.

ભારતમાં ખાદ્યાન્ન સંશોધન સંસ્થાનું નવીન સંસ્કરણ તે રાષ્ટ્રીય પૌષ્ટિક આહાર સંસ્થા (National Institute of NutritionNIN). સંશોધનના વિશાળ ક્ષેત્રમાં કામ કરતી આ સંસ્થા પણ સમયે સમયે પોષણની જરૂરિયાતો નક્કી કરે છે. એ સંસ્થાના મતે પ્રતિનિધિ, મધ્યમવયી પુરુષ, જેનો વ્યવસાય મધ્યમ પ્રકારનો શ્રમ માંગી લે છે અને જેનું શારીરિક વજન 55 કિલો હોય, તેની દૈનિક કૅલરીની જરૂરિયાત 2,800 જેટલી છે. જો પ્રવૃત્તિ હળવા શ્રમની હોય તો જરૂરિયાત 2,460 કૅલરીની ગણે છે. બાળકો, સ્ત્રીઓ, ગર્ભવતી સ્ત્રીઓ દરેકનાં વય, વજન અને પ્રવૃત્તિને અનુલક્ષીને જરૂરિયાત ઠરાવવામાં આવે છે. 1983ના વાર્ષિક અહેવાલમાં સંસ્થાના સંશોધન પરથી જણાવાયું છે કે દેશના ઉત્તર વિભાગમાં ખેલકૂદ વિદ્યાર્થીગૃહમાં રહેતા પુરુષની જરૂરિયાત રોજની 4,230 કૅલરી અને સ્ત્રીની 3,400 કૅલરી, જ્યારે દક્ષિણમાં રહેતા પુરુષની 4,320 અને સ્ત્રીની 3,480 કૅલરી. એમાં ગૃહીત છે કે આ લોકો સમતોલ આહારના ભાગ તરીકે આટલી કૅલરી લેશે. આ એમ દર્શાવે છે કે પ્રવૃત્તિ બદલવાની સાથે જરૂરિયાતમાં ઘણો મોટો ફેર પડે છે. સામાન્ય માનવી માટે 55 ગ્રામ પ્રોટીનની જરૂર ગણાય છે ત્યારે ખેલકૂદમાં ભાગ લેનાર પુરુષો માટે 130 ગ્રામ અને સ્ત્રીઓ માટે 105 ગ્રામ પ્રોટીન જરૂરી છે એવી ગણતરી છે.

જરૂરિયાતના પ્રમાણમાં પોષણ મળી રહે છે કે નહિ એ મહત્વનો પ્રશ્ન છે. ગરીબીની રેખા નક્કી કરવા કૅલરીની જરૂરિયાતને પાયો ગણી, એ માટે જરૂરી ખર્ચનો આંકડો નક્કી કરી એમાં અન્ય જરૂરિયાતોના ખર્ચને ઉમેરી જે ખર્ચ થાય એ કરતાં જેની આવક ઓછી હોય તેવાં કુટુંબો(માનવીઓ)ને ગરીબ લેખવામાં આવે છે. આ ધોરણે જુદા જુદા અભ્યાસોના આધારે ભારતમાં ગરીબીનું પ્રમાણ ઓછામાં ઓછું 38 ટકા અને વધુમાં વધુ 50થી 55 ટકા મનાય છે. આવક અને પોષણ વચ્ચે સીધો સંબંધ સ્થપાય કે કેમ તે અંગે સંશોધન થયું છે. એને પરિણામે એમ પ્રતિપાદન થયું છે કે ખાદ્ય સામગ્રીમાં પોષણ-તત્વની જેમ સ્વાદનું તત્વ પણ અગત્યનો ભાગ ભજવે છે. સ્વાદ અથવા પસંદગીનો આહાર લેવા અંગેની વૃત્તિ એ પોષણ-તત્વને પ્રતિકૂળ હોવાનો મોટો સંભવ છે, જેથી ઓછી આવકવાળા પણ આવક વધતાં વધારાની આવકમાંથી સ્વાદિષ્ટ અથવા પસંદગીના આહાર પાછળ આવકનો સારો એવો અંશ વાપરે છે. આવક વધતાં પોષણ-સ્તર પ્રમાણમાં ધીમી ગતિએ સુધરે છે.

અપૂરતા પોષણનું ધોરણ નક્કી કરવામાં પ્રા. સુખાત્મેએ એક ભૂમિકા ગ્રહણ કરેલી છે. કૅલરી, પ્રોટીન વગેરેનું કોઈ પણ ધોરણ નક્કી કરીએ તો રોજબરોજના વિશ્વમાં લગભગ અર્ધા એ ધોરણની નીચે હોય અને અર્ધા એ ધોરણની ઉપર હોય. ખેલાડી સ્ત્રીપુરુષોને તથા ભારે કામવાળાને આહાર વધારે જોઈએ. શરીરનાં કદ અને વજનમાં તફાવત હોય તે પ્રમાણે જરૂરિયાતમાં પણ તફાવત હોઈ શકે. આથી આહારના અભ્યાસમાં આપણે મધ્યવર્તી જરૂરિયાત નહિ, પણ એનાથી થોડી ઓછી જરૂરિયાતના ધોરણને સ્વીકારી ગરીબાઈની રેખા નક્કી કરવી જોઈએ. એ દૃષ્ટિએ સુખાત્મેના ધોરણે ભારતમાં ગરીબાઈનું પ્રમાણ 20 ટકાની આસપાસ આવે. રાષ્ટ્રીય પોષણ સંસ્થાના અન્વયે, રાષ્ટ્રીય પોષણ માહિતી બ્યૂરો રચવામાં આવ્યું છે, જે કુટુંબોની તપાસ કરી પોષણસ્તરની માહિતી મેળવે છે. ગ્રામ અને શહેરી વિસ્તારના એના અભ્યાસ પરથી એમ તારવવામાં આવ્યું છે કે નાની વયનાં બાળકોમાં અપૂરતા પોષણનાં ચિહ્નો બહોળા પ્રમાણમાં હોય છે. પાંચ વર્ષની ઉંમર સુધીનાં બાળકોમાં પ્રોટીન, કૅલરી, ખનિજ (PEM) અપૂરતા પ્રમાણમાં હોય છે. એથી મોટી ઉંમરનાં બાળકો અને યુવાનો તથા મોટી વયના માણસોમાં વિટામિનની ઊણપ જોવા મળે છે. ઊંચાઈ, વજન, કોણીની ઉપરના ભાગની ગોળાઈ વગેરેના માપથી પણ પોષણક્ષતિનો ક્યાસ કાઢવામાં આવે છે. ઓછી આવકવાળાં કુટુંબોનાં બાળકો કરતાં ઊંચી આવકવાળાં કુટુંબોનાં બાળકોમાં આ ધોરણે પોષણક્ષતિનું પ્રમાણ ઓછું જોવામાં આવેલું. શહેરની ઝૂંપડપટ્ટી(slums)માં રહેનારાં કુટુંબોમાં પોષણક્ષતિ સૌથી વધુ પ્રમાણમાં હોય છે.

રાષ્ટ્રીય કૃષિ પંચે તૈયાર કરેલા ધોરણ મુજબ રોજની 2,450 કૅલરી અને 57.7 ગ્રામ પ્રોટીન માટે મુખ્યત્વે ચોખાના આહારવાળા દક્ષિણ ભારતના લોકોને 1970–71માં રૂ. 63.39 વ્યક્તિદીઠ માસિક ખર્ચ થતું હતું. એ જ રીતે ઘઉંના ખોરાકવાળા ઉત્તર ભારતના લોકોને 2,485 કૅલરી અને 71.7 ગ્રામ પ્રોટીન માટે રૂ. 52.33 અને જાડું ધાન્ય (જુવાર-બાજરી) ખાનાર લોકોને 2,400 કૅલરી અને 61.7 ગ્રામ પ્રોટીન માટે રૂ. 55.66 તથા 2,390 કૅલરી અને 55.2 ગ્રામ પ્રોટીન માટે રૂ. 59.85 ખર્ચ થતું હતું. આ ખર્ચ સમતોલ આહાર માટે અને જેમાં સ્વાદ-વૈવિધ્ય ન્યૂનતમ હોય તેવા ખોરાક માટેનું છે. દેશના દરેક ભાગ માટે 20 ગ્રામ દૈનિક તેલની જરૂરિયાત આંકવામાં આવી છે, એમાં 25 ગ્રામ મગફળી સામેલ કરવામાં આવી છે.

અપૂરતા પોષણનો પ્રશ્ન વ્યાપક છે, પણ એની વ્યાખ્યા અંગે હજુ સુધી સર્વસંમતિ સાધી શકાઈ નથી.

ચંદ્રહાસ હીરાલાલ શાહ