અપુષ્પ વનસ્પતિ : પુષ્પવિહીન વનસ્પતિ. તેમના જીવનક્રમ દરમિયાન બીજનિર્માણ પણ થતું નથી. વનસ્પતિના આ જૂથમાં એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગીઓનો સમાવેશ થાય છે.
એકાંગી વનસ્પતિઓની દેહરચના એકકોષી (જીવાણુઓ), બહુકોષી તંતુમય (લીલસ્પાઇરોગાયરા); ફૂગમ્યૂકર) અથવા સુકાય (લાઇકન્સ-ઉસ્નિયા) જેવી; પ્રજનન દ્વિભાજન પ્રકારનું અને બીજાણુઓ કે જન્યુઓ દ્વારા પણ; જીવાણુઓ અને નીલ-હરિત લીલમાં આદિકોષકેન્દ્રી (prokaryotic) અને લીલ, ફૂગ, લાઇકેન્સ ઇત્યાદિનાં સુવિકસિત સુકોષકેન્દ્રી કોષકેન્દ્ર (eukaryotic) કોષમાં રંજક દ્રવ્યકણોની હાજરીને કારણે લીલ સ્વોપજીવી અને તેની ગેરહાજરીને લીધે ફૂગ મૃતોપજીવી અથવા પરજીવી હોય છે.
દ્વિઅંગી વનસ્પતિઓ બહુકોષી સુકાયવાળી (thallus) (દા.ત., માર્કેન્શિયા) અથવા મૂલાંગ (rhizoid), પ્રકાંડ અને પર્ણવાળી (moss) જન્યુજનક (gametophyte) અવસ્થા મુખ્ય અને બીજાણુજનક (sporophyte) અવસ્થા ગૌણ; વાહકપેશીનો અભાવ, અજાતીય અને જાતીય પ્રજનન કરે છે.
ત્રિઅંગી વનસ્પતિ બહુકોષી અને મૂળ, પ્રકાંડ તથા પર્ણોવાળી; સુવિકસિત વાહકપેશીઓની હાજરી; બીજાણુજનક અવસ્થા મુખ્ય અને જન્યુજનક અવસ્થા ગૌણ હોય છે. અજાતીય અને જાતીય પ્રજનન જોવા મળે છે; જેમ કે વૃક્ષ–હંસરાજ, માર્સેલિયા, સેલાજિનેલા વગેરે.
અરવિંદ જટાશંકર જોશી