અપારદર્શક રંગચિત્ર (gouache) : જલરંગો(water-colours)માં સફેદ રંગ તથા ગુંદર જેવા બંધક (binder) ઉમેરીને ચિત્રને અપારદર્શક બનાવવાની તરકીબ. પાણી પારદર્શક છે અને તેમાં મિશ્રિત કરેલ જલરંગો પણ પારદર્શક રંગો કહેવાય છે, કારણ કે તે ચિત્રકામ માટેના કાગળનાં સૂક્ષ્મ છિદ્રોમાં ફેલાય છે અને તેથી મૂળ રંગની અસર ઓછી થાય છે. જલરંગમાં સફેદ રંગ અને ગુંદર નાખવાથી તે રંગ કાગળનાં છિદ્રોમાં પ્રવેશતો નથી અને કાગળની સપાટી પર રહે છે. વળી સફેદ રંગને કારણે રંગ તેજસ્વી બની ઉઠાવ આપે છે.
ઇજિપ્તના લોકો પુરાણકાળમાં ચિત્રકામમાં આ રંગપદ્ધતિ વાપરતા. ફ્રાંસ્વા બૌચર (1703-’70) જેવા કલાકારોએ આ પસંદ કરેલું. પૉલ સડબી (1730-1809) અપારદર્શક રંગનો ખાસ હિમાયતી હતો. ઇંગ્લૅન્ડમાં ટર્નર (1775-1851) અને ગિર્ટિને (1775-1802) તેમની ચિત્રકલામાં અપારદર્શક રંગની પદ્ધતિ અપનાવી હતી. મોટાં તૈલરંગી ચિત્રોમાં અભ્યાસ માટે શરૂઆતમાં અપારદર્શક રંગનાં ચિત્રો તૈયાર કરાવવામાં આવે છે. અપારદર્શક રંગ ચિત્રકલામાં મહત્ત્વના માધ્યમ તરીકે હવે વ્યાપક ઉપયોગમાં લેવાતો નથી.
કૃષ્ણવદન જેટલી