અપસ્માર (આયુર્વિજ્ઞાન) (epilepsy) : વારંવાર આવતી ખેંચ અથવા આંચકી (convulsions). આ રોગને ફેફરું પણ કહે છે. અપસ્માર મગજની બીમારી છે. વાઈ અથવા હિસ્ટીરિયા (hysterical neurosis) નામના માનસિક રોગ અને અપસ્માર અલગ અલગ બીમારીઓ છે.
ચેતાતંત્રમાં માહિતીની આપલે વીજ-આવેગો(electronic impulse)થી થાય છે. કોઈ કારણસર ચેતાતંત્રનું આ વીજકાર્ય ખામીભર્યું થાય ત્યારે કેન્દ્રીય ચેતાતંત્રના જે તે ભાગને અથવા સમગ્ર કેન્દ્રીય ચેતાતંત્રને વિષમ (abnormal) વીજ-આવેગો અસર કરે છે. આ ક્રિયાને અભિગ્રહણ (seizure) કહે છે. અભિગ્રહણ પામેલા ચેતાતંત્રના જે તે ભાગનું કાર્ય પણ વિષમ બને છે. જો તે ભાગ ચાલક કાર્ય (motor function) કરતો હોય તો દર્દી અકડાઈ જાય છે અથવા લયબદ્ધ રીતે આંચકા (ખેંચ) અનુભવે છે. સંવેદનાકાર્ય (sensory function) કરતા ભાગના અભિગ્રહણમાં શરીરનો જે તે ભાગ જૂઠો પડતો લાગે છે. અથવા તેમાં અસામાન્ય સંવેદનાઓ, એટલે કે પરાસંવેદના (paresthesia) ઉત્પન્ન થાય છે. એવી જ રીતે દર્દી ભ્રમ (illusion), વિભ્રમ (hallucination) અથવા વિષમ લાગણી પણ અનુભવે છે. ચેતાતંત્રની આવી ટૂંકી, ઝડપી તથા વારંવાર થતી અપકાર્યતા(dysfunction)ને અપસ્માર કહે છે.
અનિદ્રા, ઉત્તેજના, અતિશય થાક, અમુક ઔષધો, દારૂ, ઉપવાસ, અમુક પ્રકારનો પ્રકાશ કે અવાજ અપસ્મારના દર્દીમાં આંચકી ઉત્પન્ન કરે છે. દર્દીમાં ક્યારેક કોઈ પણ કારણ વગર પણ આંચકી શરૂ થાય છે.
મગજ(મસ્તિષ્ક, brain)ના કોઈ ભાગમાં ઈજા, ચેપ (infection), ગાંઠ કે લોહીના વહેવાની જુદી જુદી વિષમતાઓ ઉત્પન્ન થાય ત્યારે મગજના વીજકાર્યમાં વિક્ષેપ ઊભો થાય છે અને તે અપસ્મારનો વિકાર સર્જે છે. ક્યારેક મગજની જન્મજાત વિકૃતિ પણ અપસ્મારનું કારણ બને છે. કેટલાક ચયાપચયી વિકારો જેવા કે લોહીમાં ગ્લુકોઝ કે પ્રાણવાયુનું ઘટેલું પ્રમાણ, દારૂનું વ્યસન અથવા દારૂડિયાને દારૂ ન મળવો, વિવિધ અયનો(ions)ની વિષમતા, યકૃતની અપર્યાપ્તતા (liver failure) તેમજ બાળકોને ખૂબ તાવ આવવો – તે પણ અપસ્માર સર્જે છે. મોટાભાગના કિસ્સાઓમાં અપસ્મારનું મૂળ કારણ જાણી શકાતું નથી. તેથી તેવા અપસ્મારને અજ્ઞાતમૂલ (idiopathic) કહે છે.
અપસ્મારી અભિગ્રહણ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે : (1) મૂળભૂત સર્વાંગીણ (primary generalised) અભિગ્રહણ અને (2) આંશિક (partial) અભિગ્રહણ. વીજકાર્યની વિષમતા જ્યારે સમગ્ર કેન્દ્રીય ચેતાતંત્રને અસર કરે છે ત્યારે મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણ થાય છે અને જ્યારે તે કેન્દ્રીય ચેતાતંત્રના કોઈ એક ભાગમાં સીમિત રહે ત્યારે આંશિક અભિગ્રહણ થાય છે.
મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણ(મૂ. સ. અ.)ના પણ કેટલાક પ્રકારો છે. તેનો મુખ્ય પ્રકાર ગુરુવિકાર (grand mal) અથવા સ્નાયુસજ્જઆકુંચન (tonic-clonic) અભિગ્રહણ છે. આ પ્રકારને સામાન્યજન ખેંચ અથવા આંચકી તરીકે ઓળખે છે. કોઈ પણ પૂર્વાભાસ (aura) વગર દર્દી અચાનક સંપૂર્ણ ભાન ગુમાવે છે. કેટલાંક દર્દીઓમાં પૂર્વાભાસ રૂપે અનિશ્ચિત ભાવ થઈ આવે છે. એકસાથે બધા જ સ્નાયુઓમાં સજ્જતા (tone) વધી જતાં દર્દીના સ્નાયુઓ કઠણ કે તંગ થઈ જાય છે અને તેનું શરીર કમાન જેવા આકારમાં અક્કડ થઈ જાય છે. ઉચ્છ્વાસના સ્નાયુઓના સંકોચનને કારણે દર્દી ચીસ પાડે છે, શ્વાસ રૂંધાતાં શરીર ભૂરું પડી જાય છે, ક્યારેક દાંત વચ્ચે જીભ કચરાઈ જાય છે અને ઝાડો કે પેશાબ થઈ જાય છે, પડી જવાથી દર્દીને ક્યારેક વાગે પણ છે. અક્કડ થઈ ગયેલા દર્દીમાં ત્યારબાદ ધીમે ધીમે લયબદ્ધ આંચકા શરૂ થાય છે. દર્દી અક્કડ થઈ જાય તે સ્થિતિને સ્નાયુસજ્જ (tonic) અવસ્થા કહે છે, જ્યારે લયબદ્ધ સંકોચન(contraction)થી આવતા આંચકાની અવસ્થાને આકુંચન (clonic) અવસ્થા કહે છે. ધીમે ધીમે આંચકા બંધ થાય છે, અને સ્નાયુઓ શિથિલ (relax) થઈ જાય છે. દર્દી થોડાક સમય માટે ગાઢ નિદ્રા કે બેભાન-અવસ્થામાં રહે છે. ધીરે ધીરે ભાન આવ્યા બાદ પણ દર્દી બેધ્યાન, ખોવાયેલો અને સ્થળ-સમયના જ્ઞાન વગરનો લાગે છે. આંચકીના બનાવની તેને સંપૂર્ણ વિસ્મૃતિ રહે છે. ક્યારેક આંચકી પહેલાંના તાજા બનાવો પણ તેને યાદ રહેતા નથી.
ક્યારેક સ્નાયુસજ્જ અવસ્થા પછી આકુંચન-અવસ્થા આવતી જ નથી. આવા અભિગ્રહણને સ્નાયુસજ્જ (tonic) અભિગ્રહણ કહે છે. ક્યારેક વળી દર્દી ભાન ગુમાવતો નથી તેમજ સ્નાયુસજ્જ અવસ્થામાં પ્રવેશતો પણ નથી, પરંતુ તેનામાં અચાનક, ટૂંકું, એકમાત્ર સ્નાયુનું કે સમગ્ર સ્નાયુઓનું સંકોચન થાય છે. ઝાટકા સાથે દર્દી પડી જાય છે અને તેને વાગે પણ છે. આને સ્નાયુઆકુંચન (myoclonic) અભિગ્રહણ કહે છે. એક અન્ય પ્રકારના મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણમાં બધા જ સ્નાયુઓ અચાનક સજ્જતા ગુમાવે છે અને દર્દી જમીન પર પડી જાય છે, તેને અસજ્જ (atonic) અભિગ્રહણ કહે છે. સામાન્ય રીતે તે બાળકોમાં થાય છે.
મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણનો એક બીજો મહત્વનો પ્રકાર 6થી 14 વર્ષનાં બાળકોમાં જોવા મળે છે. તેને લઘુવિકાર (petit mal) અથવા લુપ્તાવસ્થા (absence) અભિગ્રહણ કહે છે. ભાન ગુમાવ્યા વગર બાળક આજુબાજુના વાતાવરણ સાથે સંપર્ક ગુમાવે છે. તેની સભાન ક્રિયાઓ અટકી જાય છે. થોડીક ક્ષણો કે મિનિટો માટે બાળક જાણે ખોવાઈ જાય છે (લુપ્તાવસ્થા). તે પડી જતો નથી. અલ્પકાલીન લુપ્તાવસ્થાને કારણે ક્યારેક તેને એનો ખ્યાલ પણ આવતો નથી. બાળકને ભણવામાં મુશ્કેલી પડે ત્યારે તે વિશે તેના વડીલો અને શિક્ષકોને ખબર પડે છે. ચેતાતંત્રમાં કોઈ વ્યાધિ ન પણ હોય. આ રોગ ઉપર અરૂઢ (atypical) ઔષધોની અસર ઘણી સારી થાય છે. ક્યારેક દર્દી સ્વયંસંચાલિત, ખ્યાલ પણ ન આવે તેવી ટૂંકી ક્રિયાઓ કરે છે, જેમકે, પાંપણોના પલકારા થવા, ચાવવાની ક્રિયા કરવી, હાથ હલાવ્યા કરવો વગેરે. આ પ્રક્રિયાને સ્વયંસંચાલિતતા (automatism) કહે છે. ક્યારેક લઘુવિકારના દર્દીમાં સ્નાયુસંકોચન કે અન્ય પ્રકારનાં અભિગ્રહણોનાં લક્ષણો પણ દેખાય છે. આ સ્થિતિને મિશ્ર અભિગ્રહણ કે અરૂઢ (atypical) લઘુવિકાર કહે છે.
અપસ્મારનો બીજો મુખ્ય પ્રકાર આંશિક (partial) અભિગ્રહણ છે. ચેતાતંત્રના કોઈ એક ભાગમાં જ સીમિત રહેતા અભિગ્રહણને આંશિક અથવા સંનાભિ (focal) અભિગ્રહણ કહે છે. શરૂઆતમાં જણાવ્યું છે તેમ મગજના જે તે ભાગના કાર્ય પ્રમાણે આ અભિગ્રહણની અસરો દેખાય છે. દર્દીનાં આંગળાં, હાથ કે મોંના સ્નાયુઓ ફરી ફરીને સંકોચાય છે, અથવા તેનું કોઈ અંગ જૂઠું પડેલું લાગે છે, તેને ખોટા ભણકારા વાગે છે, આભાસી દૃશ્યો દેખાય છે અથવા લાગણીઓ ઉત્તેજાય ને ચક્કર આવે એવું બને છે. હગ્લિંગ્ઝ જૅક્સને આ પ્રકારને પ્રથમ વર્ણવ્યો હોવાથી તેને ‘જૅક્સોનિયન અભિગ્રહણ’ પણ કહે છે. આ સમગ્ર ક્રિયા સમયે જો દર્દી ભાન ગુમાવે નહિ તો તેને સાદું (simple) સંનાભિ અભિગ્રહણ કહે છે. જો ભાન ગુમાવે તો તેને જટિલ (complex) સંનાભિ અભિગ્રહણ કહે છે. જટિલ સંનાભિ અભિગ્રહણનો દર્દી, અજ્ઞાત અવસ્થામાં પ્રતિક્ષિપ્ત (reflex) ક્રિયા રૂપે કપડાં ખેંચવાં, કારણ વગર આંટા મારવા કે હોઠ બીડવા જેવી ક્રિયાઓ કરે છે. ક્યારેક તે મોટર ચલાવવા જેવી ક્રિયાઓ પણ કરે છે.
ક્યારેક સંનાભિ અભિગ્રહણની વીજકાર્યવિષમતા સમગ્ર કેન્દ્રીય ચેતાતંત્રમાં પ્રસરે છે ત્યારે દર્દીને મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણના ગુરુવિકાર જેવી આખા શરીરની ખેંચ થઈ આવે છે. આવી ખેંચને આનુષંગિક (secondary) સર્વાંગીણ અભિગ્રહણ (આ. સ. અ.) કહે છે. આનુષંગિક સર્વાંગીણ અભિગ્રહણનો દર્દી બેભાન થતાં પહેલાં સાદું સંનાભિ-અભિગ્રહણ અનુભવે છે. તે ક્રિયાઓની શરૂઆત થતાં દર્દીને ખેંચ આવશે તેમ તે જાણી શકે છે. પછી આવનારી ખેંચની પહેલાં મળતી જાણકારીને પૂર્વાભાસ (aura) કહે છે. વળી આનુષંગિક સર્વાંગીણ અભિગ્રહણનો દર્દી ભાન પાછું મેળવે ત્યારે, ક્યારેક, શરીરના કોઈ એક ભાગનો લકવો (ટૉડનો લકવો) પણ અનુભવે છે. સામાન્ય રીતે આ લકવો એકાદ દિવસમાં મટી જાય છે. પૂર્વાભાસ અને ટૉડનો લકવો મૂળભૂત સર્વાંગીણ અભિગ્રહણના દર્દીમાં જોવા મળતા નથી.
દર્દી ભાનમાં આવ્યા વગર વારંવાર, ઉપરાઉપરી આંચકીઓ અનુભવે તો તેને અપસ્મારી સાતત્ય (status epilepticus) કહે છે. લઘુવિકાર સિવાયના પ્રકારોમાં જો તાત્કાલિક સારવાર ન મળે તો દર્દી કદાચ મૃત્યુ પામે.
તપાસ તથા નિદાન : અપસ્મારના દર્દીની ઉંમર, અભિગ્રહણનો પ્રકાર અને ચેતાકીય લક્ષણો કે ચિહ્નો પરથી સરળતાથી નિદાન થઈ શકે છે. જોકે મોટાભાગના અજ્ઞાતમૂલ (idiopathic) અપસ્મારના દર્દીઓનાં મગજની સંરચના ખામી વિનાની હોવાથી ચેતાકીય લક્ષણો જણાતાં નથી. અન્ય દર્દીઓમાં આંચકી કરતા મૂળ રોગ શોધવા ખાસ તપાસ જેમ કે, માથાનું એક્સ-રે ચિત્રણ, લોહી, પેશાબની યોગ્ય તપાસ કે ‘સી.ટી. સ્કૅન’વગેરેની જરૂર પડે છે. પોણા ભાગના (75 %) દર્દીઓને અપસ્મારી અભિગ્રહણ ન હોય ત્યારે પણ મગજની વીજકાર્યતામાં ફેરફાર થતા હોય છે. તે મસ્તિષ્ક વીજ-આલેખન(E.E.G.)માં પકડી શકાય છે. તે ઘણી વાર નિદાનસૂચક હોય છે.
15થી 20 વર્ષની વયનાં દર્દીઓમાં અજ્ઞાતમૂળ અપસ્મારની શક્યતા વધુ હોય છે, જ્યારે 20 વર્ષની ઉપરની વયનાં દર્દીઓમાં મગજની ગાંઠ કે અન્ય રોગોની શક્યતા રહે છે, જે માટે ઝીણવટભરી શારીરિક અને પ્રાયોગિક તપાસ જરૂરી હોય છે.
દરેક દર્દીની સારવાર બે ભાગમાં વહેંચી શકાય : (1) મૂળ રોગની (જો હોય તો) સારવાર, જરૂર પડે તો ચેતાકીય શસ્ત્રક્રિયા (neurosurgery). (2) અભિગ્રહણને કાબૂમાં રાખવા યોગ્ય દવાઓ, જે 60%થી 75% દર્દીઓમાં સારી અસરકારક નીવડે છે. કાર્બામેઝેપિન, ડાઇફીનાઇલ હાઇડેન્ટૉઇન, ઇથોસક્સીમાઇડ, ઇથાઇલ તથા મિથાઇલ–ફિનાઇલ હાઇડેન્ટૉઇન, પેરામીથાડાયોન, ફેનેસેમાઇડ, ફીનોબાર્બિટોન, પ્રાઇમીડોન, વેલપ્રોઇક ઍસિડ, ક્લોનેઝેપામ, ડાયાઝેપામ વગેરે જેવાં ઘણાં ઔષધો ઉપલબ્ધ છે. જુદા જુદા પ્રકારના અપસ્મારમાં જુદા જુદા પ્રકારનાં ઔષધો ઉપયોગી છે.
આંચકીનો પ્રકાર તથા દર્દીની શારીરિક તથા ચેતાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દવાઓ ચાલુ અથવા બંધ કરવાનો નિર્ણય લઈ શકાય. ઘણાં દર્દીઓને આખી જિંદગી માટે દવાઓ લેવી પડે છે, જ્યારે મોટા ભાગનામાં સતત 3થી 4 વર્ષ આંચકી વગર જાય તો દવાઓ ધીમે ધીમે બંધ કરી શકાય. લઘુવિકાર અપસ્માર સરળતાથી કાબૂમાં આવી જાય છે, તેથી 2થી 3 વર્ષ માટે દવા લીધા બાદ તબીબી સલાહ અનુસાર દવા બંધ કરી શકાય છે. અપસ્મારના દર્દથી પીડાતી માતાનાં કે પિતાનાં બાળકોને રોગ થવાની ઘણી ઓછી શક્યતા હોય છે (35 : 1) પરંતુ કોઈ ખાસ વારસાગત ખામી અથવા પરિવારના અન્ય સભ્યોમાં જો આ રોગ હોય કે રોગરહિત માતા કે પિતાનાં ‘EEG’માં ફેરફારો જણાય તો તેમના બાળકને આ રોગ થવાનો વધુ સંભવ રહે છે.
ગર્ભાવસ્થા વખતે દવાઓના ફેરફાર તથા આંચકીને કાબૂમાં રાખવા ડૉક્ટરની દેખરેખમાં રહેવાની સલાહ અપાય છે.
મોટેભાગે આંચકી નિયત સમય બાદ આપોઆપ બંધ થઈ જાય છે. દર્દીને જોરથી પકડી રાખવાથી આંચકી બંધ થતી નથી. તાત્કાલિક સારવાર રૂપે ડાયાઝેપામ નામની દવાનું ઇન્જેક્શન નસમાં આપવા ઉપરાંત શ્વાસમાં અવરોધ કે દર્દીને ઈજા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
આ સમયે માથાની ઈજા અથવા પાણીનો કે વાહનનો અકસ્માત ન થયો હોય તો સામાન્ય રીતે મૃત્યુની શક્યતા નહિવત્ ગણાય.
મૂળ રોગની સારવારથી અને અજ્ઞાતમૂળ અપસ્મારમાં યોગ્ય સમય માટે દવાઓ ચાલુ રાખવાથી અપસ્માર લાંબે ગાળે મટી શકે છે.
શ્રીપ્રકાશ ત્રિવેદી
શિલીન નં. શુક્લ