અપડાઇક, જૉન હૉયૅર (જ. 18 માર્ચ 1932, શિલિંગ્ટન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 27 જાન્યુઆરી 2009, ડેન્વર, મેસેચ્યૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર. 1954માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા. 1955માં ‘ન્યૂયૉર્કર’ પત્રમાં વાર્તા, કવિતા અને તંત્રીલેખો લખવા માંડ્યા. 1959 સુધીમાં ‘ધ સેમ ડોર’ વાર્તાસંગ્રહ અને ‘ધ પુઅર હાઉસ ફૅર’ નવલકથા આપ્યાં. વખણાયેલી નવલકથા ‘રૅબિટ રન’ (1960). તેમાં એક સફળ વ્યાયામવીરના નિષ્ફળ વિવાહજીવનની વાત છે.
તેમની નવલકથા ‘રૅબિટ ઇઝ રિચ’(1981)ને 1982નું પુલિત્ઝર પારિતોષિક મળેલું. ‘ધ સેન્ટોર’ (1963) અને ‘ઑવ્ ધ ફાર્મ’(1965)માં પેન્સિલ્વેનિયાની પાર્શ્વભૂમિ છે. મધ્યમ વર્ગના વાસ્તવિક પ્રશ્નો ચર્ચતી સંખ્યાબંધ નવલકથાઓ તેમણે આપી છે, જેમાં ‘કપલ્સ’ (1968), ‘બૅચ : અ બુક’ (1970), ‘મૅરી મી’ (1976), ‘ધ વિચિઝ ઑવ્ ઈસ્ટવિક’ (1984) વગેરે મુખ્ય છે. ‘પિજ્યન ફેધર્સ’(1962)ની વાર્તાઓમાં અપડાઇકની સૌન્દર્યદૃષ્ટિ પ્રગટ થાય છે. તેમણે વિવેચનલેખો પણ લખ્યા છે. ‘એઑર્ટેડ પ્રોઝ’ (1965), ‘પિક્ડ અપ પીસિઝ’ (1975) અને ‘હગિંગ ધ શોર’ (1983) ગદ્યસંગ્રહો છે. કાવ્યલેખન પણ કર્યું હતુ.
કૃષ્ણવદન જેટલી