અપચો : પેટમાંની અસ્વસ્થતાનો એક પ્રકાર. જમ્યા પછી તરત, કલાકે બે કલાકે કે અર્ધરાત્રિએ પેટના ઉપલા ભાગમાં ભરાવો લાગે કે બળતરા થાય, વાયુને કારણે પેટ તણાય, તણાવ થાય, ઘચરકા આવે કે ઊબકા આવે ત્યારે તેને અપચો કહે છે. દર્દીને આ લક્ષણ સ્પષ્ટ રીતે સમજવામાં મુશ્કેલી પડે છે. અને તેથી તેને દર્દી જુદી જુદી રીતે વર્ણવે છે. અપચો એ રોગ નથી. પરંતુ તે ખોરાકના સામાન્ય અપચનથી માંડીને કોઈ ગંભીર રોગનું લક્ષણ પણ હોઈ શકે. પેટમાંની અસ્વસ્થતાના પ્રકાર, સ્થાન, પ્રસરણ, ખોરાક સાથેનો સંબંધ, સમયમર્યાદા અને પ્રત્યામ્લો(antacids)ની અસર જાણવાથી નિદાન સરળ બને છે.
ઘણાં કારણોને લીધે આ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે, જેવાં કે, જઠર કે પક્વાશય(duodenum)માં ચાંદું, પિત્તાશયશોથ (cholecystitis), પિત્તમાર્ગમાં પથરી, સ્વાદુપિંડશોથ (pancreatitis) જઠરશોથ (gastritis), જઠર કે સ્વાદુપિંડનું કૅન્સર, જઠરાંત્રમાર્ગના ચલનવિકારો (mobility disorders). ક્યારેક કોઈ ચોક્કસ પ્રકારનો ખોરાક વ્યક્તિગત કિસ્સામાં પથ્ય નથી હોતો, જેમ કે, ઘન આહાર અન્નનળી સાંકડી હોય ત્યારે પેટમાં ઉતારવો મુશ્કેલ પડે છે. તેવી રીતે લૅક્ટોઝના ઉત્સેચક(enzyme)ના અભાવવાળી વ્યક્તિ દૂધ પચાવી શકતી નથી. ક્યારેક ખોરાકની ઍલર્જી અથવા તેની ઝેરી અસર પણ અપચારૂપે દેખા દે છે. બેરિયમ એક્સ-રે ચિત્રશ્રેણી અને અન્નનળી, જઠર અને પક્વાશયની અંત:નિરીક્ષા (endoscopy) નિદાન માટે ઉપયોગી છે. બેરિયમ ચિત્રશ્રેણીમાં જો કોઈ વિકૃતિ જોવા ન મળે તો અંત:નિરીક્ષા વડે ઘણા કિસ્સાઓમાં જઠર કે પક્વાશયનું ચાંદું, જઠરશોથ કે પક્વાશયશોથનું નિદાન કરી શકાય છે.
રોગનું ચોક્કસ નિદાન થયું હોય ત્યારે તેની યોગ્ય સારવાર કરી શકાય છે. અન્યથા પ્રત્યામ્લો, હિસ્ટામીનરોધકો, ચૂંકરોધક દવાઓ, ડાયાસ્ટેઝ અને પેપ્સિન જેવાં ઉત્સેચકો અને યીસ્ટ ઉપયોગી નીવડે છે. (જુઓ : અતિઅમ્લતા, આહારજન્ય વિષાક્તતા, આંત્રવાત.)
શિલીન નં. શુક્લ