અપકૃત્યનો કાયદો
વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેણે અપકૃત્યના કાયદાના વ્યાપ અને વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો છે. એથી ઠીક જ કહેવાયું છે કે જો કોઈ રાષ્ટ્રનો વિકાસ જાણવો હોય તો તેના અપકૃત્યના કાયદાએ કરેલા વિકાસને જાણવો અને તપાસવો.
અપકૃત્યની વ્યાપ્તિ અને વિકાસ માટે તેનું પાયાનું સૂત્ર ‘‘જ્યાં હક, ત્યાં ઉપાય (ubi jus ibi remedium)’’ એ કારણભૂત છે. જ્યાં સમાજ ત્યાં કાયદો એ સૂત્ર જેટલું સાચું છે તેટલું જ ઉપરનું સૂત્ર સાચું છે.
અઢારમી સદીના આરંભમાં એશ્બી વિ. વ્હાઇટ(1703)ના પ્રખ્યાત કેસમાં વાદીનો દાવો નવીન પ્રકારનો છે અને તેણે માગેલી દાદ આપવી નહિ અને દાવો રદ કરવો તેવી દલીલો કરવામાં આવી હતી. તકરારનો મુદ્દો એ હતો કે વાદી મતદાર મત આપવા લાયકાત ધરાવતો હોવા છતાં અને મતદારોની યાદીમાં તેનું નામ હોવા છતાં પ્રતિવાદીઓએ તેને મત આપવા દીધો નહિ. અદાલતે ઠરાવ્યું કે જ્યાં અધિકાર છે ત્યાં તેનું રક્ષણ કરવાના અને તેને ટકાવી રાખવાના ઉપાયો પણ મળવા જોઈએ; કારણ કે ઉપાય વિનાના અધિકારોની કલ્પના અર્થહીન છે. આ ઐતિહાસિક ચુકાદાથી અપકૃત્યજન્ય જવાબદારીના વિસ્તરણ માટે મજબૂત તખ્તો ગોઠવાયો. એણે એમ પણ બતાવી આપ્યું કે દાવાનું કારણ નવીન પ્રકારનું છે એ કારણસર કોઈ દાવો રદ કરી શકાશે નહિ. 1765ની સાલમાં એન્ટિક વિ. કેરિંગ્ટનના કેસમાં અદાલતે ઠરાવ્યું કે ખાનગી મિલકત પરનું હરેક આક્રમણ, પછી ભલેને તે અલ્પ માત્રામાં હોય તે છતાં પણ, અનધિકૃત પ્રવેશ ગણાશે. અને ઈજા કરવાના નવા નવા રસ્તા ખોળવામાં આવશે તો તે સામે કાયદો નવા નવા ઉપાયો યોજીને યોગ્ય વળતર અપાવશે. આમાંથી એ ફલિત થાય છે કે વળતર અથવા અન્ય યોગ્ય ઉપચાર મેળવવા માટે દાવેદારે પોતાને કાનૂની નુકસાન (injury) થયેલું છે એમ પુરવાર કરવાનું છે. માત્ર આર્થિક નુકસાન થવાથી વળતર મળવું જોઈએ તેવો નિયમ કાયદાને સ્વીકાર્ય નથી. ટાઉન એરિયા કમિટી વિ. પ્રભુદયાલ (1975) પરત્વે ભારતીય ચુકાદો આનું ર્દષ્ટાંત છે.
વ્યક્તિનાં હિતો મુખ્ય બે પ્રકારનાં છે : (i) એની સલામતીને લગતાં અને એના સ્વાતંત્ર્યને લગતાં. આમાંથી કોને અગ્રસ્થાન આપવું એ વિશે કાયદાનો સંઘર્ષ ચાલુ રહ્યો છે. આવા પ્રસંગે કાયદો એ બેની વચ્ચે સમાધાનનો માર્ગ શોધશે, કારણ કે સામાજિક દૃષ્ટિએ, વાદીની દૃષ્ટિએ અને પ્રતિવાદીની દૃષ્ટિએ કાયદો વ્યક્તિના હિતની રક્ષા કરવાને પ્રવૃત્ત છે. ઇરાદાપૂર્વકનાં અપકૃત્યોમાં નૈતિક દૃષ્ટિએ વળતર આપવાની જવાબદારી છે (ફ્લેમિંગ) એ સ્વીકારીએ છતાં પણ ઉદ્યોગોમાં થતા અને વાહનોથી થતા અકસ્માતોની બાબતમાં આ સચોટ ઉપાય નથી. રાજ્યની અનેકવિધ તકેદારી છતાં અકસ્માતોથી થતા મૃત્યુનો દર વધતો જાય છે એ હકીકત છે. આ માટે કોણ વળતર આપે ? નુકસાન સહન કરનારને વળતર ન આપવું એ પણ યોગ્ય કે ન્યાયી નથી. તેથી જે તે ઉદ્યોગોએ સામૂહિક રીતે આ બોજો ઉઠાવવો એવી યોજના સર્વથા યોગ્ય છે. માત્ર દોષ પર આધારિત જવાબદારીના સિદ્ધાંતો ઉપર આપણે અકસ્માતોથી પેદા થતી જવાબદારીનાં પરિણામો છોડી દઈ શકીએ નહિ, કેમ કે આ રસ્તો હવે કાલગ્રસ્ત અને અવ્યવહારુ બની ગયો છે. થયેલા નુકસાનને સમાજના અમુક ચોક્કસ વર્ગ ઉપર વહેંચવું એ જ આનો ઉત્તમ, માનવીય અને વ્યવહારુ ઉપાય છે; અને અપકૃત્યના કાયદાનું આ એક મહત્ત્વનું કાર્ય છે. અપકૃત્યનો કાયદો વ્યક્તિએ કરેલા દોષિત કાર્યનું તેણે ક્યારે વળતર આપવું પડે તે વિશેના સિદ્ધાંતો નક્કી કરે છે. પરિણામે વળતર આપવાની જવાબદારી ઉપસ્થિત થવા માટે કાયદાથી નક્કી કરેલ ફરજનો વ્યક્તિએ ભંગ કર્યો હોવો જોઈએ. આવી ફરજ વ્યક્તિ પ્રત્યેની હોવી જોઈએ અને અનિયત નુકસાનવળતરનો ઉપાય યોજી શકાય તેવું હોવું જોઈએ.
અપકૃત્યની જવાબદારી વિશે બે પ્રધાન વિચારસરણીઓ છે : એકને ‘યુનિટી થીઅરી’ અને બીજીને ‘પીજીઅન હોલ થીઅરી’ કહે છે. પ્રથમના પુરસ્કર્તા વિનફિલ્ડ અને બીજીના પુરસ્કર્તા જૉન સામંડ હતા. પ્રથમ વિચારસરણી પ્રમાણે વ્યક્તિએ કરેલી હરેક ઈજા એ અપકૃત્ય છે; સિવાય કે તે માટે તેને કોઈ કાયદાકીય સમર્થન પ્રાપ્ત થયું હોય. બીજી વિચારસરણી પ્રમાણે જ્યાં સુધી સ્વીકૃત અપકૃત્યોની યાદીમાં થયેલી ઈજાનો સમાવેશ થઈ શકે નહિ ત્યાં સુધી તેવી ઈજાને અપકૃત્ય કહી શકાય નહિ. પ્રથમ વિચારસરણી અપકૃત્યના કાયદાના સિદ્ધાંતોને વિકસાવવાની તક પૂરી પાડે છે ત્યારે બીજી સંકીર્ણ હોઈ વિકાસને થંભાવી દે છે. પરિણામે પ્રથમ વિચારસરણી સર્વમાન્ય બની રહી છે.
અપકૃત્યોનું વર્ગીકરણ અનેક પ્રકારે થઈ શકે. સામાન્ય રીતે અપકૃત્યોને વ્યક્તિને સ્પર્શતાં, મિલકતને સ્પર્શતાં અને વ્યક્તિ અને મિલકત બંનેને સ્પર્શતાં – એમ ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કર્યાં છે. વ્યક્તિ અને મિલકત એ બંનેમાં વ્યક્તિનું સ્થાન પ્રથમ છે, મિલકતનું તે પછીથી. કારણ કે મિલકતનો ખ્યાલ પાછળથી ઉપસ્થિત થયો છે.
વ્યક્તિને લગતાં અપકૃત્યોમાં હુમલો, તાડન, અંગવિચ્છેદ અને ગેરકાયદે કેદનો સમાવેશ થાય છે. વ્યક્તિની પ્રતિષ્ઠા સામેનાં અપકૃત્યોમાં અપમાનલેખ અને અપમાનવચનનો સમાવેશ થાય. જે અપકૃત્યો વ્યક્તિની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાને સ્પર્શે છે તેમાં દ્વેષપૂર્ણ ફોજદારી કાર્યવાહી, દ્વેષપૂર્ણ દીવાની કાર્યવાહી અને કાયદાની પ્રક્રિયાના દુરુપયોગનો સમાવેશ થાય છે. કૌટુંબિક હકોને સ્પર્શતાં અપકૃત્યોમાં લગ્નવિષયક હકો, માબાપના હકો અને નોકરીના હકોને લગતાં અપકૃત્યો આવે છે.
સ્થાવર મિલકતને લગતાં અપકૃત્યોની યાદીમાં અનધિકૃત પ્રવેશ (દુષ્પ્રવેશ), આમૂલ દુષ્પ્રવેશ, મિલકતથી વંચિત કરવું, પ્રત્યાવર્તનાધિકારીના હકોને નુકસાન (injury to reversionary rights), બગાડ, સુવિધાધિકાર(easement)ને નુકસાન અને કુદરતી અધિકારોને નુકસાન – એટલાં અપકૃત્યો આવે છે. જંગમ મિલકતને લગતાં અપકૃત્યોમાં અનધિકૃત હસ્તક્ષેપ, આમૂલ અનધિકૃત હસ્તક્ષેપ, રૂપાંતર અને અટકાયતનો સમાવેશ થાય છે.
સ્થાવર અને જંગમ એમ બે પ્રકારની મિલકતોને સ્પર્શે એવાં અપકૃત્યો છે : અધિકારમૂલ નિંદા, વસ્તુનિંદા, વાદપોષણ, વાદશોષણ અને કાવતરું. અમૂર્ત જંગમ મિલકતોને સ્પર્શતાં અપકૃત્યો છે : પેટન્ટભંગ, કૉપીરાઇટનો ભંગ, વ્યાપારચિહ્ન(trade mark)નો ભંગ અને વ્યાપારનામ(trade name)નો ભંગ.
જે અપકૃત્યો વ્યક્તિ અને મિલકત બંનેને સ્પર્શે છે તે ત્રણ પ્રકારનાં છે : ઉપેક્ષા, ઉપદ્રવ અને કપટ.
અપકૃત્યોના કુટુંબના વર્ગીકરણની યાદીમાં, જેનું નામાભિધાન થઈ ગયું છે તેવાં અપકૃત્યો જ સમાવિષ્ટ છે. પરંતુ આ સિવાય પણ બીજાં અપકૃત્યો છે, જેનું નામાભિધાન થયું નથી. અપકૃત્યોની યાદી સંપૂર્ણ બની શકે નહિ. તે હંમેશાં ખુલ્લી હોય છે. અપકૃત્યનો કાયદો સતત વિકાસ પામતો રહ્યો છે અને નીચેનાં ક્ષેત્રો એવાં છે જેમાંથી નવાં અપકૃત્યો ઉપસ્થિત થવાની સંભાવના નકારી શકાય નહિ : (1) વ્યક્તિ વિશેની ગુપ્તતા(privacy)નું ક્ષેત્ર; (2) કાયદાકીય સત્તાના દુરુપયોગનું ક્ષેત્ર; (3) વ્યક્તિની પ્રસ્થિતિનો ભંગ અને (4) ઇરાદા અને દ્વેષનું ક્ષેત્ર.
હરેક અપકૃત્ય સામે કાયદાએ સામાન્ય બચાવો આપેલા છે. આવા બચાવ અપકૃત્યની જવાબદારીના નકારરૂપ છે. દેવકૃત્ય, અનિવાર્ય અકસ્માત, વૈયક્તિક રક્ષણ, મિલકતનું રક્ષણ, ગાંડપણ, સંમતિ, કાયદાકીય સત્તા, ન્યાયિક અને ન્યાયેતર કાર્યો, ન્યાયકલ્પ કાર્યો, માબાપનાં કાર્યો, માબાપની સમાન સત્તાનાં કાર્યો, નગણ્ય બાબત એ અપકૃત્ય સામે પ્રતિવાદીને પ્રાપ્ય બચાવો છે.
મનુષ્યનાં કાર્યોથી સ્વતંત્ર રીતે ઉપસ્થિત થતો બનાવ – દા.ત., મૃત્યુ, વીજળીનું તોફાન, ધરતીકંપ થવો, વાવાઝોડું આવવું ઇત્યાદિ – એટલે દેવકૃત્ય (act of God) માનવીય દૂરંદેશી કે ચતુરાઈ તેને નિયંત્રિત કરી કે નિવારી શકતાં નથી. લૅટિન ભાષામાં એને Vis Major વીસ મેજોર કહે છે. (ટેનેટ વિ. અર્લ ઑવ્ ગ્લાસગો, 1864માં એની વ્યાખ્યા અપાઈ. રાયલૅન્ડ્ઝ વિ. ફ્લેચર, 1866 અને મણીન્દ્રનાથ વિ. મથુરાદાસ, 1946 એનાં પ્રખ્યાત દૃષ્ટાંતો છે.)
અનિવાર્ય અકસ્માત એ એવો બનાવ છે જેને માનવીય અગમચેતી અને દૂરંદેશિતા અટકાવી શકે નહિ. જ્યાં સુધી તે દેવકૃત્યનું સ્વરૂપ ધારણ ન કરે ત્યાંસુધી નિરપેક્ષ જવાબદારી(strict liability)ના પ્રસંગોમાં પણ એ બચાવ તરીકે પ્રાપ્ય નથી. અનિવાર્ય અકસ્માતના બે પ્રકાર છે : (1) દેવકૃત્ય અને (2) માનવીય કાર્યો અને કુદરતી કાર્યોનો સંયોગ. માનવીનાં કાર્યોને લઈને કુદરતી પરિબળો મુક્ત થાય અને નુકસાન કરે તે માટે પ્રતિવાદી જવાબદાર ઠરે છે. પરંતુ જો કાયદેસરનું કાર્ય, કાયદેસરનાં સાધનોથી, કાયદેસરના હેતુઓ માટે અને કાયદેસર રીતે કરવામાં આવે, અને તેમ કરતાં તેમાંથી અનપેક્ષિત પરિણામ નીપજે તો એને અનિવાર્ય અકસ્માત કહેવાય (નાઇટ્રોગ્લિસરીન કેસ, 1872).
આવશ્યકતાનો બચાવ કટોકટીના પ્રસંગે પ્રાપ્ય છે. જનસમસ્તનું હિત એ સર્વશ્રેષ્ઠ કાયદો છે (salus populi suprema lex). એમ વર્તવા માટેની પરિસ્થિતિ પેદા થયેલી હોવી જોઈએ, તેને લઈને ત્વરિત કાર્ય કરવાની પ્રેરણા થવી જોઈએ, પ્રતિવાદીએ એમ વર્તતાં પ્રમાણિકપણે વર્તવું જોઈએ અને કટોકટી પૂરી થયે એમ વર્તન કરવાનો અંત આવે – આ સર્વ આવશ્યકતાના બચાવનાં મુખ્ય તત્ત્વો છે.
ભૂલ એ અપકૃત્ય માટેનો બચાવ છે, પરંતુ કાયદાની ભૂલ બચાવ નથી; દીવાની કાયદામાં હકીકતની ભૂલ પુરવાર કરવાની જવાબદારી પ્રતિવાદી પર છે.
પોતાના શરીર અને માલમિલકતને રક્ષવાનો દરેકનો હક છે, પરંતુ એ માટે વાપરવું જોઈતું બળ પ્રમાણસર હોવું ઘટે (ટર્નર વિ. જગમોહનસિંઘ, 1905). જ્યાં સુધી જાનમાલને જોખમનો ભય ચાલુ રહે ત્યાંસુધી જ બચાવનો આવો હક ચાલુ રહે. એ જ પ્રમાણે કાયદાએ આપેલા સામાન્ય હકોનો ઉપયોગ એ પણ સારો બચાવ છે પરંતુ વ્યક્તિએ કાયદાની મર્યાદામાં રહીને તેનો ઉપયોગ કરવો જોઈએ.
ગાંડપણ એ દીવાની કાયદામાં કોઈ બચાવ નથી, પરંતુ જ્યાં દ્વેષ, ઇરાદો જેવી માનસિક સ્થિતિની હાજરી અપકૃત્ય થવા માટે જરૂરી હશે ત્યાં એવી સ્થિતિના અભાવના પુરાવા તરીકે ગાંડપણ બચાવ તરીકે પ્રાપ્ય છે (રંગનાગુલુનો ચુકાદો, 1974). વાદીની સંમતિ એ પ્રતિવાદી માટે પૂરતો બચાવ છે, કારણ કે લૅટિન સૂત્ર પ્રમાણે સંમતિ આપનાર ઈજાની ફરિયાદ કરવાને લાયક નથી. (volenti non fit injuria). સંમતિ ખરેખરી અને મુક્ત હોવી જોઈએ. બળજબરી, કપટ ઇત્યાદિ દ્વારા તે મેળવાયેલી ન હોવી જોઈએ. જોકે સંમતિને લીધે બિનકાયદે કાર્યો કરી શકાય નહિ. અને માત્ર ભયનું જ્ઞાન એ તેમાંથી નીપજતાં જોખમોને સ્વીકારે છે (scienti non fit injuria) એમ મનાશે નહિ (ટી. સી. બાલક્રિશ્નન વિ. ટી. આર. સુબ્રમનીઅમ, 1968).
કાયદો કોઈ કાર્ય કરવાની સત્તા આપે ત્યારે તેવાં કાર્યો કાં તો કોઈ પણ ભોગે કરવાં પડે તેવાં હોય અથવા તો સ્વેચ્છા અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કરવાનાં હોય. પ્રથમ પ્રકારનાં કાર્યોમાં કાયદાકીય સત્તા એ પેલા કાર્યમાંથી નીપજતા અપકૃત્ય સામેનો સંપૂર્ણ બચાવ છે; બીજામાં તેમ નથી. (ફૈયાઝ હુસેન વિ. મ્યુ. બૉર્ડ, અમરોહા, 1939; વોઘામ વિ. ટેફવેલ રેલવે, 1860). જેમ કાયદાની કૉર્ટે આપેલા ચુકાદા સામે ન્યાયાધીશ સામે દાવો થઈ શકતો નથી (જ્યુડિશિયલ ઑફિસર્સ પ્રોટેક્શન ઍક્ટ. 1850, ક. 1) તેમ ન્યાયની અદાલતની સમાન સત્તાઓ મેળવનાર સંસ્થા, મંડળી ઇત્યાદિએ તેમનાં કાર્યો જો કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરીને કર્યાં હશે તો તે તેમના માટે બચાવ પૂરો પાડે છે. એ જ પ્રમાણે માબાપ અને શિક્ષક પણ બાળકોને નિયંત્રણમાં રાખવાની તેમની સત્તાનો ઉપયોગ કાયદાની મર્યાદામાં રહીને કરશે તો તે તેમના માટે બચાવરૂપ છે (સરકુન્ની વિ. સ્વામીનાથ, 1922). ભારતીય દંડસંહિતાની કલમ 95 પ્રમાણે નજીવું નુકસાન (trifles) એ એક સારો બચાવ છે.
કાયદો અપકૃત્ય સામે બે પ્રકારના ઉપાયો યોજે છે : ન્યાયિક ઉપાયો એટલે અદાલતના ચુકાદા દ્વારા અજમાવી શકાતા ઉપાયો અને ન્યાયેતર ઉપાયો એટલે ન્યાયની કૉર્ટોની મદદ વિના વાદી પોતે સ્વેચ્છાએ યોજી શકે તેવા ઉપાયો.
વળતર માટે દાવો કરવો, મનાઈહુકમ મેળવવો, મિલકતનું પુન:સ્થાપન (restitution) કરાવવું તથા બંધારણ હેઠળના મૂળભૂત હકોના ભંગ માટે રીટ અરજી કરી દાદ માગવી એ સર્વે ન્યાયિક ઉપાયો છે.
ન્યાયની અદાલતમાં ગયા વગર સ્થળ પર હાજર વાદી પોતાની જાતે જ પોતાને મદદ કરી ન્યાય મેળવી શકે છે. એમ કરતાં એ પોતાની જમીન પર રહેલી અનધિકૃત વ્યક્તિને દૂર કરી શકે, પોતાની જમીન પર પુન: પ્રવેશ કરી શકે, પોતાની ચીજવસ્તુનું પુનર્ગ્રહણ કરી શકે, પોતાના ખેતરમાંના પાકને નુકસાન કરનાર ઢોરઢાંખરને જપ્ત કરી શકે અને પોતાને થતો ઉપદ્રવ (nuisance) દૂર કરી શકે. જોકે આ ઉપાયો અજમાવનારે કાયદાએ ઠરાવેલી મર્યાદામાં રહીને એ યોજવાના હોય છે.
ન્યાયિક ઉપાયો(judicial remedies)માં વળતર(damages)નો ઉપાય અતિ મહત્ત્વનો છે. એકે બીજાને કરેલ ઈજા કે નુકસાનના બદલામાં કૉર્ટ નુકસાન-વળતર અપાવે છે. વળતરો સામાન્ય કે વિશિષ્ટ પ્રકારનાં હોઈ શકે. એનો આશય પુન:સ્થાપન(restitutio in integram)નો છે એટલે કે વાદી પ્રત્યે અપકૃત્ય ન કરવામાં આવ્યું હોય અને તે જે સ્થિતિમાં હોત તેવી મૂળ સ્થિતિમાં તેને લાવી મૂકવાનો છે. પરંતુ આ એક આદર્શ છે અને એનું ફલીભૂત થવું મોટેભાગે શક્ય નથી. દા.ત., હાથ કે પગ ઇત્યાદિ કપાઈ જાય કે બદનક્ષી થાય ત્યારે વ્યક્તિને મૂળ સ્થિતિમાં લાવી મૂકવી અશક્ય હોય છે. તેથી અદાલત એને બદલે યોગ્ય વળતર અપાવે છે.
વળતરો ઘૃણાજનક (contemptuous), નામનાં (nominal), ગણનાપાત્ર (substantive) અને દાખલો બેસાડે તેવાં (exemplary) એમ ચાર પ્રકારનાં હોય છે. હકનો ભંગ થવા છતાં જે કિસ્સામાં અદાલતમાં જવું યોગ્ય ન ગણાય ત્યાં આવું વળતર અપાય. એમાં કૉર્ટમાં જવાનો ખર્ચ અને સમય પક્ષકારને માથે પડે છે. (કેલી વિ. શેરલોક, 1866). જ્યાં તાંત્રિક રીતે જોતાં વાદીના હકનો ભંગ થયો હોય પણ તેને કોઈ દેખીતું નુકસાન ન થયું હોય ત્યાં નામનાં વળતરો અપાય છે. આવાં વળતર વાદીના હકભંગના સ્વીકાર સમાન હોય છે (એશ્બી વિ. વ્હાઇટ, 1703). ગણનાપાત્ર વળતરો એ હંમેશાં થયેલા નુકસાન સાથે સુસંગત હોય છે. જોકે અહીં પણ વાદીની મૂળ સ્થિતિનું પુન:સ્થાપન મોટેભાગે અશક્ય હોય છે (જીતકુમારી પોદ્દારનો કેસ, 1946). શિક્ષાત્મક (punitive) વળતરોને પ્રતિશોધાત્મક (retributive) વળતર કહે છે, કેમ કે વળતર અપાવવા ઉપરાંત એનો આશય પ્રતિવાદીને શિક્ષા કરવાનો હોય છે કે જેથી તે ભવિષ્યમાં ફરી વાર આમ ન વર્તે. અહીં વાદીને થયેલી ઈજા ગંભીર પ્રકારની હોય છે (સીતારામ બ્રિંદાબન ફર્મ વિ. ગવર્નર જનરલ, 1947; બેલ વિ. મિડલૅન્ડ રેલવે કું., 1861).
વળતર અને ઈજા વચ્ચેનો સંબંધ અતૂટ છે પરંતુ કાયદો એની મર્યાદા બાંધે છે. પ્રતિવાદીએ વાદીને કરેલ ઈજા માટે તેને અનંતકાળ સુધી (ad infinitum) જવાબદાર ઠરાવી શકાય નહિ. તેમ થાય તો પ્રતિવાદી બરબાદ થઈ જાય. તેથી જે નુકસાન પ્રતિવાદીના કૃત્યનું સીધેસીધું (સ્કૉટ વિ. શેફર્ડ, 1773), કુદરતી (સ્મિથ વિ. એલ. ઍન્ડ એસ. ડબ્લ્યુ. રેલવે કું., 1870) અને વિવેકબુદ્ધિયુક્ત વ્યક્તિ વાજબી રીતે અગાઉથી અંદાજી શકે તેવું (રી પોલેમિસ, 1921) હોય તો તે માટે વળતર આપવાને પ્રતિવાદીને જવાબદાર ગણવામાં આવે છે.
થયેલ ઈજામાંથી કુદરતી રીતે અને સીધેસીધાં પરિણમતાં નુકસાનો માટે સામાન્ય વળતર અપાય છે; વિશિષ્ટ વળતરો વિશિષ્ટ નુકસાન માટે અપાય છે. પ્રથમ પ્રકારનાં વળતરો અદાલત સામાન્યત: અપાવે છે, ત્યારે બીજામાં તે અંગેના વિશિષ્ટ પુરાવા રજૂ કરવા પડે છે. જે નુકસાન થયું નથી પણ થયેલ ઈજાના પરિણામે ભવિષ્યમાં નુકસાન થશે એમ પુરાવા પરથી કૉર્ટને લાગે ત્યારે ભવિષ્યમાં થનારાં નુકસાનો (prospective damages) માટે પણ વળતર અપાય છે. ચાલુ વળતરો, ચાલુ કે સતત થતા નુકસાનને પરિણામે અપાય છે. આ ઉપરાંત માનસિક તનાવ અને માનસિક આઘાત (nervous shock) માટે પણ વળતરો અપાવાય છે. વ્યક્તિને થયેલ શારીરિક ઈજાના સંબંધમાં અપાતાં વળતરો આર્થિક (pecuniary) અને બિનઆર્થિક એમ બે પ્રકારનાં હોય છે. પ્રથમમાં સામાન્ય અને વિશિષ્ટ વળતરો ઉપરાંત વાદીની ટૂંકાઈ ગયેલી જિંદગી માટેનાં વળતરો મળી શકે (ગોબાલ્ડ મોટર સર્વિસ વિ. વેલુસામી, 1962); બીજામાં વાદીને થયેલ દુ:ખ અને તનાવ માટેનાં અને એ જિંદગી ભોગવવા અને તેની મજા માણવા માટે અશક્ત બન્યો તે બદલ વળતરો મળી શકે.
મનાઈહુકમ એ કૉર્ટનો આદેશ છે, જે પ્રતિવાદીને અમુક કાર્ય કરતાં રોકે અથવા તો અમુક કાર્ય કરવા ફરમાવે. તેનો ભંગ સજાપાત્ર છે. મનાઈહુકમ અમુક સમય પૂરતો કામચલાઉ અથવા તો કાયમનો હોઈ શકે. જ્યાં આર્થિક વળતર એ અધૂરો ઉપાય જણાય ત્યાં કૉર્ટ મનાઈહુકમ આપે છે. એ આપવો કે નહિ તે અદાલતની ઇચ્છા પર નિર્ભર છે. અદાલતની ઇચ્છા ન્યાયના નક્કર ખ્યાલો પર રચાયેલ હોય છે. અયોગ્ય અને અન્યાયી વર્તન કરી કૉર્ટમાં આવનારને તે અપાતી નથી. મનાઈહુકમ ‘‘જૈસે થે’’ પરિસ્થિતિને ટકાવી રાખવા માટે અપાય છે.
વ્યક્તિના શરીરને લાગેવળગે છે ત્યાંસુધી તેના પર કરવામાં આવેલ હુમલો, તેને કરેલ તાડન, તેની ગેરકાયદે કેદ અને અંગવિચ્છેદનાં અપકૃત્યો સામે કાયદાએ રક્ષણ પૂરું પાડ્યું છે. ભૌતિક શારીરિક ઈજા માટે તો વળતર મળતું રહ્યું છે પરંતુ 1901માં કાયદાએ માનસિક આઘાત માટે પણ વળતર અપાવ્યું હતું. અગાઉ માનસિક નુકસાનની માપણી કરવાનું લગભગ અશક્ય જેવું હતું, પરંતુ વિકસતા વિજ્ઞાનની શોધખોળોએ હવે જ્ઞાનતંતુઓને થયેલા આઘાતની જાણકારી અને માપણી શક્ય બનાવી છે. ડ્યુ લ્યુ વિ. વ્હાઇટ(1901)નો ચુકાદો આ વિષયમાં વિખ્યાત છે. માનસિક આઘાતને લઈને થયેલ નુકસાન ભલેને અનપેક્ષિત હોય (હેમ્બ્રૂક વિ. સ્ટોક્સ, 1925) કે પછી માત્ર મજાકમાંથી ઉત્પન્ન થયેલ હોય (વિલ્કિન્સન વિ. ડાઉન્ટન, 1897) તોપણ તેનો ભોગ બનનાર વ્યક્તિને કાયદો વળતર અપાવી શકે છે. બોવેન વિ. હોલના ચુકાદાથી 1881માં કરારથી ઉત્પન્ન થયેલા વ્યક્તિના અધિકારોને અનધિકૃત રીતે નુકસાન (unauthorised damage) પહોંચાડવાના કાર્યને અપકૃત્ય ગણી વળતર અપાવવામાં આવ્યું હતું.
હરેક વ્યક્તિને એની પ્રતિષ્ઠા અકબંધ રાખવામાં રસ હોય છે. એટલું જ નહિ પરંતુ એ એનો અધિકાર પણ છે (ડિક્સન વિ. હોલ્ડન, 1869). આ અધિકાર સર્વબંધક છે (right in rem). ભારતીય ફોજદારી ધારાની ક. 499માં બદનક્ષીની વ્યાખ્યા આપી છે. જે વ્યક્તિ બીજાની સમક્ષ અમુક ત્રીજી વ્યક્તિ માટે ખોટા અભિપ્રાયો ઉચ્ચારે અને તેથી સામેની વ્યક્તિ એમ માનવાને પ્રેરાય, તો તે કાનૂની દુષ્કૃત્યની અપરાધી છે.
બદનક્ષી (defamation) શબ્દોથી, નિશાનીઓથી (gestures) અને દૃશ્ય નિવેદનો (visible representation) કે વસ્તુઓ મારફત થઈ શકે. એને પરિણામે સામી વ્યક્તિ ઘૃણા, ધિક્કાર, હાંસી, અપમાન, અણગમો, મજાક કે નાલેશીને પાત્ર ઠરે છે અને તેની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. એ અપમાનથી અલગ છે. પ્રથમમાં આબરૂ ઘવાય છે ત્યારે બીજામાં વ્યક્તિનો અહમ્. બદનક્ષી સ્વયંવાદયોગ્ય (actionable per se) છે અને તેમાં પ્રસિદ્ધિ જરૂરી છે, ત્યારે અપમાનમાં તે જરૂરી નથી. અશિષ્ટ ગાલિપ્રદાન એ સ્વયંવાદયોગ્ય છે.
બદનક્ષીકારક નિવેદન, તે વાદી પ્રત્યે હતું તેમ વિવેકયુક્ત વ્યક્તિઓનું માનવું અને એની પ્રસિદ્ધિ એ બદનક્ષીનાં ઘટક તત્વો છે. બદનક્ષીના બે પ્રકારો છે : અપમાનલેખ (libel) અને અપમાનવચન (slander).
અન્ય વ્યક્તિના સંદર્ભમાં અસત્ય અને બદનક્ષીકારક લખાણ, કાયદાના સમર્થન વિના પ્રસિદ્ધ કરવું એટલે અપમાનલેખ. એમાં નિવેદન ર્દશ્ય સ્વરૂપે (દા.ત., લખાણ, વસ્તુ, ફોટો, ચિત્ર, પૂતળું ઇત્યાદિ) હોઈ કાયમનું બને છે. તેથી તે સ્વયંવાદયોગ્ય છે. અપમાનલેખ એ ફોજદારી ગુનો છે.
અમુક વ્યક્તિના સંબંધમાં અસત્ય અને બદનક્ષીકારક વચનો, કાનૂની સમર્થન વિના ઉચ્ચારવાં એટલે અપમાનવચન. અહીં નિવેદનની પ્રસિદ્ધિ બોલવાથી થાય છે. આવાં નિવેદન ક્ષણિક સ્વરૂપનાં હોઈ અમુક અપવાદ વિના તે સ્વયંવાદયોગ્ય હોતાં નથી. એ ફક્ત દીવાની અપકૃત્ય છે અને તેમાં બોલનાર પોતે જ દોષિત હોય છે. કોઈ વ્યક્તિ પર કેદ કે મૃત્યુદંડને પાત્ર થાય એવા ગુનાનો આરોપ મૂકવો અથવા તો તે ચેપી રોગથી પીડાય છે તેવો આરોપ મૂકવો, કોઈ સ્ત્રીને શીલભ્રષ્ટ કે અપવિત્ર કહેવી, કોઈને તેના વ્યવસાય, વાણિજ્ય કે દરજ્જા વિશે અસમર્થ કે ગેરલાયક કહેવો અથવા કોઈને તે હલકી જ્ઞાતિનો છે તેમ કહેવું એ સર્વ નિવેદનો મૌખિક હોવા છતાં સ્વયંવાદયોગ્ય છે.
નિગમ (યુનિયન બેનિફિટ સોસાયટી વિ. ઠાકોરલાલ, 1936), ક્લબ, સોસાયટી, મંડળી કે એસોસિયેશનની પણ બદનક્ષી થઈ શકે. સમગ્ર માનવજાતની બદનક્ષી થાય નહિ પરંતુ અમુક ચોક્કસ વર્ગની (તુષારકાંતિ ઘોષ વિ. બિના ભૌમિક. 57, કા.વી.નો 378) અને અમુક સંજોગોમાં મૃત વ્યક્તિની બદનક્ષી થઈ શકે (ભા. ફોજ. ધારો, ક. 499, ખુલાસો 1). અકસ્માત કે ભૂલથી પણ બદનક્ષી થાય.
સત્ય, શુદ્ધ અને પ્રામાણિક ટીકા, વિશેષાધિકાર (privileges), સમાન હિતોની જાળવણી, જાહેર પદ ધરાવતી વ્યક્તિનું નિવેદન, શુદ્ધ સમાચારો, સંમતિ અને માફી એ બદનક્ષીના માન્ય બચાવો છે.
મિલકતના ક્ષેત્રમાં વ્યક્તિની જમીન પર કરવામાં આવેલો અનધિકૃત પ્રવેશ, તેને જમીનના કબજાથી વંચિત કરવો, તેની જમીન અને મિલકતનો બગાડ કરવો, તેના સુવિધાધિકારના હકો જેવા કે પવન, પાણી અને પ્રકાશ અંગેના અને આવવા-જવાના માર્ગ અંગેનાને નુકસાન પહોંચાડવું, તેની ચીજવસ્તુનું રૂપાંતર કરવું અથવા ચીજવસ્તુની અનધિકૃત રીતે અટકાયત (wrongful confinement) કરવી એ સર્વ અપકૃત્યો સામે કાયદો રક્ષણ આપે છે. આ ઉપરાંત, વ્યક્તિના અમૂર્ત અધિકારો જેવા કે પેટન્ટ, ટ્રેડમાર્ક, ટ્રેડ નેઇમ, કૉપીરાઇટ વગેરેને નુકસાન પહોંચાડવાના કાર્ય સામે રક્ષણ મળી શકે છે. ટ્રેડમાર્ક, કૉપીરાઇટ અને પેટન્ટના અધિકારો માટે અલગ કાયદાઓ કરીને રક્ષણ અપાયું છે.
અન્યની જમીન પર, તેની પરવાનગી, સંમતિ કે રજા વિના, તેની ઇચ્છા વિરુદ્ધનો પ્રવેશ એટલે દુષ્પ્રવેશ (tresspass). પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દુષ્પ્રવેશ થઈ શકે. જમીન પર પ્રવેશ કરીને, તેના પર રહીને અને તેના પર વસ્તુઓ મૂકીને દુષ્પ્રવેશ થઈ શકે. વાદીનું મિલકતના કાયદેસર કબજેદાર હોવું અને તેના એ હકનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંગ કરવો એ દુષ્પ્રવેશનાં ઘટક તત્ત્વો છે. જમીન ઉપર, જમીન નીચે અને જમીનથી અધ્ધર જગામાં પણ દુષ્પ્રવેશ થાય. અવિરત દુષ્પ્રવેશથી દિનપ્રતિદિન (de die in diem) દાવાનું કારણ પેદા થાય. મિલકતનો કબજેદાર, તેનો વિધિપ્રસ્થાપિત કબજો ધરાવનાર અને તેનો ઉત્તરાધિકારી દુષ્પ્રવેશ માટે દાવો લાવી શકે છે. ચિરભોગાધિકાર (prescription) અને સુવિધાધિકાર (easement), રજા અને પરવાનો (leave and license), કાયદાનું સમર્થન, સ્વબચાવ, કાનૂની સત્તા, જાહેર આવશ્યકતા, જમીન પર પુન:પ્રવેશ, જંગમ મિલકતની પુન:પ્રાપ્તિ (recaption), ઉપદ્રવ-નિવારણ અને વિશિષ્ટ મિલકત કે સુવિધાધિકાર એ દુષ્પ્રવેશના માન્ય બચાવો છે.
જંગમ મિલકત વિશેનો અનધિકૃત હસ્તક્ષેપ (tresspass to goods) અન્ય વ્યક્તિના કબજા ભોગવટામાં આવેલ વસ્તુ કે માલસામાનને ખસેડીને, લઈ લઈને અથવા તો તેને સીધેસીધું નુકસાન પહોંચાડીને થઈ શકે. આ પ્રકારનો હસ્તક્ષેપ અનેક સ્વરૂપો ધારણ કરે છે. જંગમ મિલકતનો પ્રત્યક્ષ કબજેદાર (occupier) તે માટે દાવો કરી શકે (કર્ક વિ. ગ્રેગોરી, 1876). જંગમ અને સ્થાવર મિલકત વિશેના આમૂલ હસ્તક્ષેપ અને દુષ્પ્રવેશમાં તેમ કરનારનો ઇરાદો પ્રથમથી જ ગેરકાયદે હતો તેમ પુરવાર કરવું જરૂરી છે.
વ્યક્તિ અને તેની મિલકત બંનેને અસર કરે તેવાં ત્રણ ક્ષેત્રો છે : બેદરકારી કે ઉપેક્ષા (negligence), કપટ (fraud, deceit) અને ઉપદ્રવ (nuisance). ઉદ્યોગીકરણ અને ઝડપી વાહનવ્યવહારને પરિણામે યંત્રો અને રસાયણોનો ઉપયોગ વધતો જાય છે. પરિણામે ઉદ્યોગગૃહોમાં અને રસ્તા ઉપર અકસ્માતોની સંખ્યા સતત વધતી જાય છે. છેલ્લા આંકડા પ્રમાણે માત્ર રસ્તા ઉપરનાં વાહનોના અકસ્માતોને કારણે જ દર વર્ષે ભારતમાં ચાલીસ હજાર લોકો મોતને શરણ થાય છે (1987). 1980માં ભારતમાં અકસ્માતમાં ઈજા પામેલાઓનો આંકડો 1,50,000 હતો તે 1986માં વધીને 2,00,000નો થયો છે. જગતનાં વાહનોનો એક ટકો વાહન ધરાવનાર ભારતમાં અકસ્માતોનો દર વિકસિત દેશો કરતાં ત્રણગણો છે. આનું કારણ વાહનચાલકોની ‘‘દરકાર લેવાની ફરજ’’ પ્રત્યેની ઉપેક્ષા છે. આ ક્ષેત્રમાં ‘‘દરકાર લેવાની ફરજ’’ શબ્દાવલીના અર્થનો વ્યાપ વધારીને અદાલતોએ નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે નવા ઉપાયો યોજ્યા છે. રાયલેન્ડ્ઝ વિ. ફ્લેચર(1868)ના ચુકાદામાં પોતાની જમીન પર અસલથી ન હોય તેવા જોખમી પદાર્થો, વસ્તુઓ કે પ્રાણીઓ વગેરે લાવી તેને કાબૂમાં રાખવાની પૂરી દરકાર ન લેવાને કારણે પડોશીને નુકસાન થતાં તે લાવનાર કે રાખનારને જવાબદાર ઠરાવવામાં આવ્યો હતો. અદાલતોએ ઠરાવ્યું કે આવી જવાબદારી નિરપેક્ષ (absolute) છે. આમ અપકૃત્યની વ્યાપ્તિનો વિસ્તાર થતો ગયો. જેની જમીન અને મિલકતો જાહેર રસ્તા પર પડતી હોય તેની પણ આ બાબતમાં વિશિષ્ટ જવાબદારી નક્કી કરવામાં આવી છે. પોતાને વિશિષ્ટ બાબતોના નિષ્ણાત તરીકે ઓળખાવી અન્યનું કામ કરવા પ્રવૃત્ત થનારા ડૉક્ટરો, વકીલો, કોન્ટ્રૅક્ટરો અને ધંધાદારી ક્ષેત્રના અન્ય નિષ્ણાતો જો તેમની ‘‘દરકાર લેવાની ફરજ’’(duty to take care)નાં નક્કી કરેલા લઘુતમ ધોરણોથી ઊણા ઊતરી અન્યને નુકસાન કરે તો તેમણે વળતર આપવું પડે એવી કાયદામાં જોગવાઈ છે.
ડૉક્ટરની બેદરકારી વિવિધ સ્વરૂપે બહાર આવે છે : (1) દર્દીનું નિદાન કરવામાં બેદરકારી, (2) દર્દીની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરવામાં બેદરકારી, (3) તેનું ઑપરેશન કરવામાં બેદરકારી, (4) ઉપેક્ષાથી દર્દીને ખોટી દવા આપી દેવી, (5) ચેપી જીવાણુઓ સામે દર્દીને અરક્ષિત રાખી મૂકવો અને એમ કરીને ઉપેક્ષા દાખવવી, (6) ઑપરેશનથી ઉપસ્થિત જોખમ સામે દર્દીને સલાહ આપવામાં ઉપેક્ષા, (7) ઑપરેશનનાં સંભવિત જોખમો સામે દર્દીને ચેતવણી ન આપવી (સીડવે વિ. બેથલેમ રૉયલ હૉસ્પિટલ (1985) 2 WLR 480 HL), (8) ઑપરેશન કર્યા પછી લેવી જોઈતી દરકાર (પોસ્ટ-ઑપરેટિવ કેર) અંગે ઉપેક્ષા દાખવવી (એ. એસ. મિત્તલ વિ. સ્ટેટ ઑવ્ યુ. પી. (1989) 3 સુ.કો.કે. 223, (9) દર્દી પ્રત્યે અપૂરતું નિરીક્ષણ રાખવું અથવા (10) નર્સિંગ હોમમાં અપૂરતો સ્ટાફ રાખવો, (11) વાઢકાપનાં સાધનો જીવાણુમુક્ત ન કર્યાં હોય અને દર્દીને નુકસાન થાય તે પણ બેદરકારીનું જ્વલંત ઉદાહરણ છે (બેરહામ વિ. વીડલિંગ (1930) 210 કેલી. 206), (12) એનેસ્થેટિસ્ટ એના કામ માટે ખોટી દવા પસંદ કરે તે પણ બેદરકારી છે, (13) ખોટી રીતે એનેસ્થેસિયા અપાય તે પણ બેદરકારી છે, (14) દર્દીને અપાતી દવાની આડઅસરો શું થશે તે વિશે દર્દીને ન ચેતવવો, (15) ઑપરેશન કર્યા પછી દર્દીના શરીરમાં કોઈ વસ્તુ દા.ત., સ્પોન્જ, ગૉઝ, ઝીણી કાતર રહી જાય (મિસિસ શાન્થા વિ. સ્ટેટ ઑવ્ આં.પ્ર. એઆઇઆર 1998 આં.પ્ર. 51) અથવા દર્દીનો કાઢેલો દાંત શ્વાસનળીમાં પડી જાય અને (16) ઑપરેશન કરતી વેળાએ દર્દીને ઑક્સિજન આપવાને બદલે નાઇટ્રસ ઑક્સાઇડ આપી દેવો (શ્રીમતી કલાવતી વિ. સ્ટેટ ઑવ્ હિમાચલ પ્રદેશ, એઆઇઆર 1989 હિ. પ્ર. 5).
ડૉક્ટર જે દરકાર લેવાને બંધાયેલો છે તેની સાથે તેની ફીને કોઈ સંબંધ નથી કેમ કે ઉપેક્ષાના અપકૃત્યનો પાયો છે ‘‘દરકાર લેવાની ફરજનો ભંગ’’.
અદાલતની કાર્યવાહીમાં થતા અક્ષમ્ય વિલંબને ઘટાડવા અને ન્યાય ઝડપી બનાવવા 1986માં ગ્રાહક સુરક્ષા ધારો ઘડવામાં આવ્યો. આને કારણે ફરિયાદી ગ્રાહકનો કે ઉપભોક્તાને મળી શકતી સેવામાં કોઈ પ્રકારની ખામી હોય કે બેદરકારી દર્શાવાઈ હોય તો તે માટેનું વળતર ગ્રાહક મેળવી શકશે. આ કાયદાથી ઉપેક્ષાના અપકૃત્યમાં દાદ આપવાના અદાલતના અધિકારની અમુક સત્તા કન્ઝ્યુમર કમિશનને આપી છે; જોકે કન્ઝ્યુમર કમિશનોને મનાઈહુકમ આપવાની સત્તાઓ નથી. આનાથી અદાલતની સત્તામાં ઘટાડો થતો નથી.
દાક્તરી વ્યવસાય એક નિષ્ણાતનો વ્યવસાય છે અને તેમાં દાક્તર અને દર્દીના સંબંધો વ્યક્તિગત/અંગત હોય છે એવાં અને બીજાં અનેક કારણોસર દાક્તરીઆલમે ગ્રાહક સુરક્ષા ધારાની મર્યાદામાં પોતાને લાવી મૂકવાની સરકારની ચેષ્ટાનો અત્યંત વિરોધ કર્યો અને મેડિકલ કાઉન્સિલની પણ સહાય લીધી; પરંતુ ભારતની સુપ્રીમ કૉર્ટે (ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન વિ. વી. પી. શાન્થા (1995) 6 સુ.કો.કે. 651માં વી.) પ્રોફેશનલ્સની ગેરરીતિઓ અને બેદરકારી માટે તેમને ગ્રાહક સુરક્ષા ધારાની કલમ 2(1) (ઓ)માં આવરી લઈ જવાબદાર ઠરાવ્યા છે. એ પછી તેમને જવાબદાર ઠરાવતા અનેક ચુકાદાઓ આવ્યા છે (પૂનમ વર્મા કેસ (1996) 4 સુ.કો.કે. 332). સરકારી હૉસ્પિટલોના ડૉક્ટરોની બેદરકારી માટે પણ સરકારને જવાબદાર ઠરાવવામાં આવી છે (ડૉ. (કુમારી) તબસ્સુમ સુલતાના વિ. સ્ટેટ ઑવ્ ઉ.પ્ર. એઆઇઆર 1997 અલ્લા. 177 અને મિસિસ શાન્થા વિ. સ્ટેટ ઑવ્ આં. પ્ર., એઆઇઆર 1998 આં.પ્ર. 51).
સામાન્ય વપરાશમાં ઉપયોગી માલસામાનનો ઉત્પાદક પછી તે ખાણીપીણીની ચીજોનું ઉત્પાદન કરતો હોય કે પહેરવેશની વસ્તુઓનું, તે પણ તેના ગ્રાહકો પ્રત્યેની જવાબદારીમાંથી મુક્ત નથી. આ ક્ષેત્રમાં ડોનોઘ વિ. સ્ટીવન્સન(1932)ના ચુકાદાએ જે સિદ્ધાંત સ્થાપ્યો છે તેને લીધે જો કોઈ ઉત્પાદિત વસ્તુ તેના વાપરનારને મૂળ સ્વરૂપમાં પ્રાપ્ત થાય અને ઉત્પાદનમાં ખામીને લઈને તે વાપરવાથી તેને નુકસાન થાય તો તે માટે ઉત્પાદક જવાબદાર ઠરશે. આ ચુકાદાથી અપકૃત્યના કાયદાએ ‘પડોશી’ શબ્દનો અર્થ વ્યાપક કરીને ઉત્પાદકોની જવાબદારી ઉપસ્થિત કરી. પરિણામે ‘પડોશી’ એટલે ભૌતિક રીતે નજીક રહેતી વ્યક્તિ જ નહિ પરંતુ જે કોઈ વ્યક્તિ યથાપ્રસંગ તે વસ્તુનો ઉપયોગ કરે તે, પછી ભલેને તે ભૌતિક રીતે દૂર હોય, તે ઉપેક્ષાનું ક્ષેત્ર આમ વિસ્તાર પામતું રહ્યું છે.
ઉપદ્રવની ચોક્કસ વ્યાખ્યા શક્ય નથી. વિનફિલ્ડના શબ્દોમાં ઉપદ્રવ એટલે વ્યક્તિની જમીન અથવા જમીન ઉપરના કે તે સંબંધી હકોના ઉપયોગ અથવા ઉપભોગમાં ગેરકાયદે ડખલગીરી (unlawful interference). ગેરકાયદે દખલ એ ઉપદ્રવનું મહત્વનું લક્ષણ છે.
એના બે પ્રકાર છે : જાહેર ઉપદ્રવ અને ખાનગી ઉપદ્રવ.
જાહેર ઉપદ્રવ એટલે એવું કાર્ય કે કાર્યલોપ જે બધાને નુકસાન, અડચણ કે ભયરૂપ હોય, અથવા તો આજુબાજુમાં વસતા લોકોને પજવણી કે કનડગતરૂપ હોય, અથવા તો જાહેર હકનો ઉપયોગ કરનાર લોકોને નુકસાન, અડચણ, ભય કે પજવણીરૂપ હોય. લિકોનફિલ્ડ વિ. લોન્સડેલ(1870)માં ઠરાવ્યા પ્રમાણે જ્યારે પોતાની મિલકત કે પોતાના કબજામાં હોય તેવી ગમે તે ચીજ વ્યક્તિ એવી રીતે વાપરે કે વાપરવા દે, જેથી તે અન્યની મિલકતને નુકસાન કરે ત્યારે તે કાર્ય ખાનગી ઉપદ્રવમાં પરિણમે છે. હવા રોકાઈ જવી, પ્રકાશનો માર્ગ અવરોધવો, પડોશની મિલકતના ટેકાના હકનો નુકસાન કરવું, ગેરકાયદે ધુમાડો, ગૅસ, ગંધ, અવાજ, પાણી, ગંદકી વગેરે અન્યની જમીનમાં જવા દેવાં એ તેનાં દૃષ્ટાંતો છે.
જાહેર અને ખાનગી ઉપદ્રવ વચ્ચેની ભેદરેખા સૂક્ષ્મ છે. ખાનગી ઉપદ્રવ એક જ વ્યક્તિ કે અમુક વ્યક્તિઓને સ્પર્શે છે. મિલકતનો કબજેદાર તે માટે દાવો કરી શકે છે. વીસ વર્ષના સતત, શાંતિપૂર્ણ, વિના વિરોધના અને જાહેર ઉપયોગથી આવો ઉપદ્રવ કાનૂની હક બની શકે છે. જેને આથી ઈજા થાય તે વ્યક્તિ તેનું નિવારણ દીવાની દાવો કરીને કરી શકે. જાહેર ઉપદ્રવ અપરાધ અને અપકૃત્ય બંને છે, ત્યારે ખાનગી ઉપદ્રવ માત્ર અપકૃત્ય છે. સાર્વજનિક કે જાહેર ઉપદ્રવમાં ઍડ્વોકેટ જનરલ યા તો તેમની લેખિત સંમતિથી બે કે વધુ વ્યક્તિઓ મનાઈહુકમ અથવા તો સંજોગાનુસાર અન્ય કોઈ દાદ મેળવવા દાવો કરી શકે. અપરાધ માટેની કાર્યવાહી રાજ્યને નામે કરવામાં આવે છે (ક્રિ. પ્રો. કોડની ક. 133થી 143).
ખાનગી ઉપદ્રવ મિલકતને નુકસાન કરે યા તો અંગત શારીરિક નુકસાન કરે (હૉલિવૂડ સિલ્વર ફોક્ષ ફાર્મ વિ. એમેટ, 1936), જમીનનો માલિક, કબજેદાર વ્યક્તિ કે ભાડૂત, મિલકતનો ઉત્તરાધિકારી અથવા જાહેર રસ્તાનો ઉપયોગ કરનાર ઉપદ્રવ માટે દાવો કરી શકે છે. આવો દાવો ઉપદ્રવ ઉત્પન્ન કરનાર, તેને ચાલુ રાખનાર અથવા તો તેને થવા દેનાર અને જાણવા છતાં તે દૂર ન કરાવનાર સામે થઈ શકે.
ચિરકાલીન અધિકાર, વૈધ કાર્ય (lawful act), વાદીની સંમતિ, ત્રાહિતાધિકાર (justertii) અને દેવકૃત્ય એ ઉપદ્રવના બચાવો છે. ઉપદ્રવ અટકાવવા માટે ત્રણ ઉપાયો છે : તેનું નિવારણ કરવું, વળતર માટેનો દાવો કરવો અથવા મનાઈહુકમ મેળવવો.
ઉપદ્રવ ઉપેક્ષા અને દુષ્પ્રવેશથી અલગ બાબત છે. ભોપાલમાં બનેલો મિક (Mic) ગૅસ લીકેજ કેસ ઉપદ્રવનું દૃષ્ટાંત છે. અપકૃત્યના કાયદામાં જમીન ધરાવનારની પણ જવાબદારી છે. પોતાની જમીનમાં ખાડો ખોદવો કે જેને લીધે પ્રતિવાદી તેમાં પડે અને ઈજા પામે (ઇવાનનો કેસ, 1886), રેલવે પ્લૅટફૉર્મ પર પ્રકાશના અભાવે પૅસેન્જરનું ખાડામાં પડવું (મેક વિ. એમ. ઍન્ડ એસ. એમ. રેલવે કું., 1922) આ એનાં દૃષ્ટાંતો છે, જેમાં પ્રતિવાદીને જવાબદાર ઠરાવવામાં આવેલ છે. મિલકત ધરાવનારની એ ફરજ છે કે તેણે તેને સહીસલામત રાખવી અને તેમ કરવામાં ઉપેક્ષા ન દાખવવી. તેવી મિલકત પાસેથી હકથી પસાર થનારને જો નુકસાન થાય તો જવાબદારી મિલકત ધરાવનારની ઠરે છે (મોંઘીબાઈ વિ. ડુંગરસી, 1917; મણીન્દ્રનાથ વિ. મથુરાદાસ, 1946). આ બાબતમાં ભારતીય સુવિધાધિકાર અધિનિયમ, 1882; બૉમ્બે ટેનન્સી ઍક્ટ, 1948 જમીનમાલિક પર દીવાની જવાબદારી નાખે છે, જે મુજબ જમીનમાલિક કે કબજેદારે વર્તવું પડે છે.
અપકૃત્યની જવાબદારીની વ્યાપ્તિથી નવાં નવાં અનેક ક્ષેત્રો સર થયાં છે. દ્વેષપૂર્ણ ફોજદારી (ફુલર વિ. કૂક, 1584) કરવી, કરારભંગ કરવા અન્યને ઉત્તેજના પૂરી પાડવી (લ્યુમલી વિ. ગાઈ, 1853), પત્નીને તેના પતિનું ઘર છોડી દેવા લલચાવવી (વિન્સમોર વિ. ગ્રીનબક, 1745) : આ ક્ષેત્રો પણ અપકૃત્યના કાયદામાંથી મુક્ત રહી શક્યાં નથી. ઇંગ્લૅન્ડમાં રૂક્સ વિ. બાર્નાડના કેસમાં (1964) ટ્રેડ યુનિયનો કારખાનેદારને ધમકી આપી નુકસાન ન પહોંચાડે તે માટે અદાલતે ધમકી(intimidation)નું નવીન અપકૃત્ય ઉપસાવવું એમ ઠરાવેલું; પરંતુ ટ્રેડ યુનિયનોની જુગલબંધીએ સરકાર ઉપર રાજકીય દબાણ લાવી કાયદો સુધરાવી તેમના પિકેટિંગ વગેરે કરવાના અસલ અધિકારો પરત મેળવ્યા છે.
1964ની સાલમાં હેડલે બીર્ન ઍન્ડ કું. વિ. હેલર ઍન્ડ પાર્ટનર્સના ચુકાદાથી ઉપેક્ષાથી કરાયેલાં ગેરનિવેદનો (mis-statements) માટે પણ જવાબદારી આવે એવો ઐતિહાસિક ચુકાદો આવ્યો. જોકે તે પછીના ઇવાટ(1971)ના ચુકાદાએ આવી જવાબદારી ધંધાકીય ક્ષેત્રોમાં કરેલાં ધંધાદારી ગેરનિવેદનો માટે આવે એમ ઠરાવીને હેડલેના ચુકાદાના વ્યાપ્તિક્ષેત્રને સીમિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમ હાનિકારક જૂઠાણાં ફેલાવીને વ્યક્તિને નુકસાન પહોંચાડી શકાય છે તેમ વ્યક્તિ સમક્ષ તેને નુકસાનમાં ઉતારવાના ઇરાદે ગેરનિવેદનો કરીને નુકસાન કરવામાં આવે છે. આવા કૃત્યને ઠગાઈ (પાસલી વિ. ફ્રીમેન, 1789) કહે છે. ગેરનિવેદનો પર આધાર રાખી સામી વ્યક્તિ કામ કરે અને નુકસાનમાં ઊતરે ત્યારે જ આ ક્ષેત્રમાં જવાબદારીનો ઉદભવ થાય છે.
એકથી વધુ વ્યક્તિઓ જ્યારે પરસ્પર એવી સમજૂતી કરે, કે તે પ્રમાણે વર્તવાથી અન્યને નુકસાન થાય અને સમજૂતી(agreement)નો મુખ્ય આશય નુકસાન કરવાનો હોય ત્યારે એને કાવતરું કહે છે. ધંધાને વધારવા માટે વ્યક્તિ હરીફાઈ કરી શકે, પરંતુ કાવતરાં (conspiracies) કરી અન્યને નુકસાન પહોંચાડે તો ત્યાં પણ અપકૃત્યનો કાયદો લાગુ પડે છે (મોગલ સ્ટીમશીપ કું. વિ. મેકગ્રેગોર, 1892).
વર્તમાન સમયમાં ગ્રાહકો સાથે કપટ આચરવામાં આવે છે તે સામે ગ્રાહકોએ ગ્રાહક સુરક્ષા મંડળો (consumer protection associations) સ્થાપ્યાં છે, જેથી તેમનાં હિતોનું રક્ષણ થઈ શકે. દુકાનદારની અને ઉત્પાદકોની અપકૃત્યના કાયદા હેઠળ જે ફરજો છે તેનું પાલન આવાં ગ્રાહક મંડળો કરાવી શકે. એ માટે બંધારણ હેઠળ અને ફોજદારી કાયદા હેઠળ પણ પગલાં લઈ શકાય. ભારત આ ક્ષેત્રમાં હજુ પાપા પગલી કરી રહ્યું છે.
મોટાં મોટાં કારખાનાંઓ અને ઉત્પાદકો એમનો પ્રદૂષિત કચરો નદીઓ અને જળાશયોમાં ઠાલવી પાણી અને હવામાં જે પ્રદૂષણ ફેલાવી રહ્યાં છે તે માટે તથા ઘોંઘાટને લીધે થતા પ્રદૂષણ સામે પણ અપકૃત્યનો કાયદો રિટ કરવાનો ઉપાય આપે છે. ભારતના બંધારણના આર્ટિકલ 47 અને 48 હેઠળ જાહેર આરોગ્યનાં ધોરણો ઊંચાં લાવવાની રાજ્યની ફરજ છે અને આર્ટિકલ 48–એ હેઠળ પર્યાવરણ સુરક્ષાને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આમેજ કરેલ છે. પર્યાવરણ સુરક્ષા આર્ટિકલ 51–એ પ્રમાણે દરેક નાગરિકની પણ ફરજ છે અને એ માટેનો કોઈ કાયદો બંધારણના આર્ટિકલ 14 કે 19 અન્વયેના અધિકારો આડે આવે છે તેમ ગણાશે નહિ તથા એ વિશેના આદેશો વૈધાનિક કે કારોબારીની સત્તાને બળાત્કારે પચાવી પાડે છે એમ પણ નહિ ગણાય (ઇન્ડિયન કાઉન્સિલ ફૉર એન્વીરો-લીગલ ઍક્શન વિ. યુનિયન ઑવ્ ઇંડિયા (1996) 5 સુ.કો.કે. 281). આ વિશે કાયદા કરવાની સત્તા સંસદને છે (આર્ટિકલ 246). આમ જેમાં પર્યાવરણ-સુરક્ષાની જોગવાઈ કરી હોય એવું ભારતનું બંધારણ એ જગતનું સૌપ્રથમ બંધારણ છે.
પૃથ્વી એક ગ્રહ હોવાને કારણે એને એક આગવું વાતાવરણ છે. વાતાવરણ એ એક જટિલ સંયોજન છે. એ વિદ્યાના તજ્જ્ઞો કહે છે તેમ એની અસરો સજીવો પર પડે છે. વાતાવરણનાં અનેકવિધ સ્વરૂપો છે; જેમ કે રણનું વાતાવરણ, પર્વતનું વાતાવરણ, જંગલનું વાતાવરણ. ખીણનું વાતાવરણ, ગોચરનું વાતાવરણ અને સમુદ્રનું વાતાવરણ. પ્રત્યેક જગાએ વાતાવરણ અને સજીવો વચ્ચે એક સ્પષ્ટ આંતરસંબંધ હોય છે, એ વિના એ ટકી શકે નહિ. દા.ત., રણની વનસ્પતિઓ પર્વત ઉપર કે સમુદ્રમાં જોવા ન મળે. યુ.એન.ઓ.ના એક અહેવાલ પ્રમાણે પ્રતિવર્ષ 23,000 ચોરસમાઈલના દરે પૃથ્વી પરથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ‘માનવતાના વેરી’ પુસ્તકમાં સ્વામી આનંદ રેશલ કારસન લિખિત ‘ધ સાયલેન્ટ સ્પ્રિંગ’નો હવાલો આપીને જણાવે છે, કે ‘અણુશસ્ત્રોની શોધ અને વિજ્ઞાનના જોરે હથેળીમાં આંબા ઉગાડવાની ઘાઈથી પીડાતો આજનો માનવી કુદરતને ટીપીટૂંપીને, જેર કરીને પોતાની તહેનાતદાર બનાવવાની ખટાટોપમાં કીટ જંતુની સૃષ્ટિનો કરપીણ સોથ વાળી રહ્યો છે.’ દુનિયાભરનાં માનવીઓનું ભાવિ જોખમમાં મુકાઈ ગયું છે. એ જ પ્રમાણે પશ્ચિમના આંધળા અનુકરણથી આપણું જીવન પણ ઘોંઘાટમય બની રહ્યું છે અને આપણે પ્રદૂષણના પડદા પર જ જીવીએ છીએ.
પ્રદૂષણને નિયમનમાં રાખવા ભારતમાં 200થી પણ વધારે રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયદાઓ છે.
વર્તમાન સમયમાં ધી એર (પ્રીવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑવ્ પોલ્યૂશન) ઍક્ટ, 1981; ધ વૉટર (પ્રીવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑવ્ પોલ્યૂશન) ઍક્ટ, 1974; ધી એન્વાયરન્મેન્ટ (પ્રોટેક્શન) ઍક્ટ, 1986 અને તેના નિયમો ધી હેઝાર્ડ્સ વેસ્ટ્સ (મૅનેજમેન્ટ ઍન્ડ હેન્ડલિંગ) રૂલ્સ, 1989 તથા ધ ફોરેસ્ટ (કૉન્ઝર્વેશન) ઍક્ટ, 1980 પ્રદૂષણને નાથવા માટે ઘડાયા છે. આ કાયદાઓ હેઠળ અનેક મુકદ્દમા પણ થયા છે, પરંતુ કાયદાની છટકબારી અને પ્રદૂષણ બૉર્ડોના અધિકારીઓની તથા કારખાનેદારોની સાઠગાંઠથી કાયદાનો અમલ નિષ્ફળ બનાવાય છે. પ્રદૂષણના કિસ્સામાં કાયદો તેમ ન કરવાના મનાઈહુકમ ઉપરાંત વળતરનો ઉપાય યોજી શકે છે. શ્રીરામ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાં ઓલિઅમ ગૅસ છટકીને ફેલાવાથી મજૂરોને થયેલ નુકસાન માટે કૉર્ટે ઠરાવ્યું કે માનવીય અધિકારોના નવા વિધાનશાસ્ત્ર (jurisprudence) પ્રમાણે જ્યારે કોઈ કારખાનું જોખમી ઉત્પાદનકાર્યમાં રોકાયેલ હોય અને તેના નોકરોના સ્વાસ્થ્યના અને બીજા મૂળભૂત અધિકારોનો ભંગ કરે ત્યારે તેણે આપવું જોઈતું વળતર કારખાનાની શક્તિ પર આધાર રાખે તેટલું હશે. આ એક નવીન દિશામાં પ્રગતિ છે, કેમ કે જેમ કારખાનું મોટું તેમ વળતર વધારે. આ કેસ એમ. સી. મહેતા વિ. યુનિયન ઑવ્ ઇન્ડિયા (1987) તરીકે રિપૉર્ટ થયેલો છે. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ, ભોપાલનો જગમશહૂર કેસ (1984), જેમાં મિથાઇલ આઇસોસાયનેટ (મિક) નામનો ઝેરી જીવલેણ ગૅસ તેના ઉત્પાદકોના નિયંત્રણમાં ન રહેવાને કારણે વાતાવરણમાં ફેલાયો અને લાખો વ્યક્તિઓને ઈજા પહોંચાડી તથા હજારો ઢોર અને માણસોને મોતને ઘાટ ઉતાર્યાં, તેમાં પણ અપકૃત્યનો કાયદો વળતર આપવાને શક્તિમાન છે. આ ચુકાદાઓ અપકૃત્યના કાયદાની અગત્ય દર્શાવે છે. ગંગા નદીના પ્રદૂષણ વિશેના ચુકાદાઓ (1988), ચામડાંની ફૅક્ટરીઓ ગંગામાં તેમનો કચરો ઠાલવે છે તે વિશેના કેસ (1988), રતલામ મ્યુનિસિપલ કાઉન્સિલ કેસ (1980), દૂન વેલી કેસ (1987), રૂરલ લિટિગેશન ઍન્ડ એન્ટાઇટલમેન્ટ કેન્દ્ર (1985) એ જાહેર હિતની અરજી(પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન)ને કારણે ઉપસ્થિત થયેલા ચુકાદાઓ છે. 1997માં ગુજરાત હાઇકૉર્ટે પણ પ્રદૂષણકારી કારખાનાંઓને બંધ કરવાનો આદેશ જારી કર્યો હતો.
પ્રદૂષણને અટકાવવા માટે શ્રી એમ. સી. મહેતા નામના દિલ્હીના ઍડવોકેટે ઉત્તમ કામ કર્યું છે અને હજુ તે દિશામાં તેઓ સક્રિય છે. તેમને 1997માં મેગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો છે. વિકસિત દેશોએ પ્રતિબંધિત કરેલાં જંતુનાશકોને આયાત કરતાં અટકાવવાનો કેસ હોય (1997) કે જીવપરસ્પરાવલંબનને રક્ષવા માટે બિઆસ નદીના કાંઠે રાજદ્વારી નેતાએ બાંધેલી ક્લબના પ્રદૂષણને નાથવાનો અને તેની પાસેથી આ ગુના માટે વળતર વસૂલ લેવાનો પ્રશ્ન હોય [(1997) 1 સુકોકે 388]; ચામડાં કમાવનારી ફૅક્ટરીઓ તેમનું ગંદું, ઝેરી, રાસાયણિક રીતે પ્રદૂષિત પાણી ગંગા નદીમાં ન છોડે તેનો કેસ હોય [(1997) 2 સુકોકે 411] કે પછી હરિયાણામાં આવેલાં બદયલ અને સૂરજકુંડ સરોવરોના પર્યાવરણને રક્ષવાનો કેસ [(1997) 3 સુકોકે 715] હોય, એમ. સી. મહેતા ત્યાં અરજદાર હોય જ. આ સંદર્ભમાં સુપ્રીમ કૉર્ટે ‘‘ધ પોલ્યૂટર પેઝ’’ [(1997) 2 સુ.કો.કે. 87), અને ‘‘ધ પ્રીકોશનરી પ્રિન્સિપલ’’ એવા બે સિદ્ધાંતો [(1997) 2 સુ.કો.કે. 411] લાગુ કર્યા છે.
દરિયાઈ પ્રદૂષણનું નિયમન કરવા માટે મરચન્ટ શિપિંગ ઍક્ટ, 1958ના પ્રક. 2માં ક. 356-જે માં જોગવાઈઓ છે. 28 જૂન 1989ના રોજ જર્મન ટકર એમ.વી. પપી મુંબઈના સાઉથ-વેસ્ટ કિનારાથી 725 નૉટિકલ માઈલ દૂર, એમ. વી. ક્વીન્સ જોડે ટકરાયું અને પરિણામે તેમાંનું 4,000 ટન ખનિજતેલ (ફરનેસ ઑઇલ) દરિયામાં ઢોળાઈ અને ફેલાઈ ગયું. વહી ગયેલું આ તેલ મુંબઈના કિનારા સુધી મોજાં સાથે આવ્યું અને દરિયાઈ જીવસૃષ્ટિનો ભયંકર વિનાશ થયો. દરિયાકાંઠાની ઇકૉલોજી(જીવપરસ્પરાવલંબન)ને આથી અત્યંત નુકસાન થયું. આમ છતાં કાયદાનો અમલ કરનારાઓની અણઆવડત, ઉપેક્ષા અને ગુનાઇત વિલંબને કારણે સરકાર પ્રદૂષણકર્તાને કંઈ જ શિક્ષા કરી શકી નહિ.
પશ્ચિમનાં વર્તુળોમાં તેથી ભારતને દુનિયાનું અત્યંત પ્રદૂષિત રાજ્ય ગણવામાં આવે છે. એવા પ્રદૂષિત વિસ્તારો કે જેને ‘‘પ્રોબ્લેમ એરીઆઝ’’ કહેવાય તેવા પંદર વિસ્તારો ભારતમાં છે અને ભોપાલ-ગૅસ-લીક જેવી દુર્ઘટનાઓ ગમે તે ક્ષણે બનવાની સંભવિતતાવાળાં ડઝનેક શહેરો ગુજરાતમાં છે.
સાબરમતી, ગોદાવરી, ગોમતી, ગંગા, યમુના, દામોદર, સતલજ, ચંબલ, સુવર્ણરેખા, કૃષ્ણા, કાલી અને સિંધુ નદીઓ પ્રદૂષિત થઈ ચૂકી છે.
અવાજનું પ્રદૂષણ ડેસિબલના એકમથી મપાય છે અને અમુક તીવ્રતાથી વધુ તીવ્રતાવાળા અવાજથી હૃદયરોગ, ઊંઘ ન આવવાનો રોગ (ઇન્સોમ્નિયા), થકાવટ, માથાનો દુ:ખાવો, પાચનતંત્રના પ્રશ્નો, ભયંકર માનસિક તનાવ, અલ્સર (ચાંદાનો રોગ), બહેરાશ, માનસિક અસ્વસ્થતા વગેરે ઉત્પન્ન થાય છે. આ બધા સામે ઉપાયો યોજવાના રસ્તા કાયદા પાસે છે, પરંતુ રાજકીય ઇચ્છાશક્તિના અભાવને લઈને પ્રદૂષણ વધતું જ જાય છે, કહો કે વધવા દેવામાં આવે છે.
વિકાસ પામતા સમાજની બે મુખ્ય માગણીઓ રહી છે : આર્થિક લાભ અને કાર્ય કરવાની સ્વતંત્રતા. ‘નુકસાનની દૂરસ્થતાનો સિદ્ધાંત’ (doctrine of remoteness of damage) જોકે ‘દોષ નહિ તો જવાબદારી નહિ’ (no fault, no liability) એ વિચારધારાને પરિણામે સીમિત થયો હોવા છતાંય ઔદ્યોગિક મૂડીવાદી સાહસોનો વિકાસ અને વ્યાપ, જોખમી યંત્રસામગ્રી, રેલવે, મોટરકાર, રેડિયેશનનાં જોખમો અને પરમાણુ પ્લાન્ટ્સ : આ બધાંને પરિણામે પેદા થતાં જોખમોની જવાબદારી અંગે ન્યાય કરવો એ કાયદાનું મુખ્ય કાર્ય છે એ મતલબના નવા વિચારનો જન્મ થયો છે. પરિણામે જવાબદારી નાખવા માટે નિરપેક્ષ જવાબદારીનો સિદ્ધાંત અને સામાજિક વીમાકરણ(social insurance)ના ખ્યાલો વિકસ્યા. આને લઈને મૂડીવાદી સમાજ અને તેની ઉત્પાદનની ફિલસૂફીને ફટકો પડ્યો છે. શરૂના તબક્કે અપકૃત્યના કાયદાનું કાર્ય નુકસાન કોણ સહન કરે તે નક્કી કરવાનું હતું; પરંતુ હવે વીમાકરણને લઈને થયેલ નુકસાનને ફાળવવાનું કાર્ય મુખ્ય બન્યું છે. પશ્ચિમના દેશોમાં (ખાસ કરીને અમેરિકામાં) તો ઈજાને પરિણામે ઉત્પન્ન થયેલ દુ:ખ, લાગણીઓનો તનાવ, માનસિક આઘાત, મૃત્યુ, સાહચર્યનો અભાવ (loss of companionship), લાગણી અને પ્રેમ. દરકાર વગેરેનું પણ પૈસાથી તોલન થાય છે અને આવી દરેક બાબતની કિંમતની ચિઠ્ઠી લાગી જાય છે. અપકૃત્યથી થતી ઈજાને પરિણામે વળતરની માગણી પશ્ચિમમાં એટલી સ્વાભાવિક અને અમર્યાદ બની ગઈ છે કે ત્યાંના સંસ્કૃત સમાજમાં એનાથી એક કટોકટી પેદા થઈ છે. અનહદ વળતર આપવાના ચુકાદાઓને લઈને ઘણા વ્યવસાયીઓ(દા.ત., ડૉક્ટરો, કોન્ટ્રૅક્ટરો)ને, જાહેર સંસ્થાઓને અને ઑટોમોબાઇલ એજન્સીઓને એમના ધંધાને અલવિદા કરવી પડી છે. કરોડોનાં વળતરો અપાતાં હોવાથી વીમા કંપનીઓ કાં તો વીમો ઉતારવાની ના પાડે છે અથવા તો અત્યંત ઊંચાં પ્રીમિયમો માગે છે. અતિવિકસિત દેશોની આ પરિસ્થિતિ છે.
ભારતનો અપકૃત્યનો કાયદો મહદ્અંશે બ્રિટિશ કાયદા પર આધારિત છે, પરંતુ ભારતમાં અપકૃત્યના કાયદાનો વિકાસ સંકીર્ણ રહ્યો છે. આમ છતાં પરદેશમાં વાતા સુધારાના પવનોથી ભારત અલિપ્ત રહ્યું નથી. અપકૃત્યના કાયદાએ આપેલા ઉપાયોનો ઉપયોગ ભારતમાં મુકાબલે ઓછો થાય છે. એ માટે અન્ય અનેક કારણો હોવા ઉપરાંત દેશનાં મૂડીવાદી પરિબળો અને સરકારનું ગઠબંધન તથા રાજ્યનો જડ અભિગમ વધુ જવાબદાર છે. તેમ છતાંય ભારતના ઉચ્ચતમ ન્યાયાલયે વ્યક્તિની સ્વતંત્રતાને રૂંધવાના રાજ્યના પ્રયત્નોની સામે વ્યક્તિને મુક્ત કરવાના રાબેતા મુજબના ઉપાયો અપૂર્ણ લાગવાથી તેને વળતર અપાવવાના નવીન પ્રયોગો કર્યા છે. રૂદલ સાહ(1983)નો કેસ આ વિશે નવો પ્રકાશ પાડે છે. એમાં જેલના અધિકારીઓએ રૂદલ સાહને અનધિકૃત રીતે ચૌદ વર્ષ સુધી જેલમાં ગોંધી રાખી તેની જિંદગીનો સુવર્ણકાળ બરબાદ કર્યો હતો. કૉર્ટે આદેશ કર્યો કે તેને મુક્ત કરવા ઉપરાંત રાજ્ય સરકારે તેને રૂ. 35,000નું વળતર ચૂકવી આપવું. આવા કિસ્સાઓમાં આગળ વધતા ભીમસિંગના (1985) કેસમાં વિધાનસભાના સભ્ય ભીમસિંગને, તે વિધાનસભામાં હાજર ન રહી શકે તે માટે કરેલ ગેરકાયદે અટકાયત માટે રાજ્ય સરકારે તેને રૂ. 50,000નું વળતર ચૂકવી આપવું એવો કૉર્ટે આદેશ કર્યો અને ઉપાયની વ્યાપ્તિના ક્ષેત્રમાં અપકૃત્યના કાયદાની કૂચને ચાલુ રાખી.
અપકૃત્યોનો વ્યાપ જીવનના દરેક ક્ષેત્રમાં છે અને તે કયા સ્વરૂપે ક્યારે ઉપસ્થિત થશે તે નક્કી કરવું મુશ્કેલ છે. આ સંદર્ભમાં સામંડ કહે છે કે અપકૃત્યોની સંખ્યા નિશ્ચિત છે અને તેમાં વધારો કરવાનો અદાલતોને હક નથી તેથી અપકૃત્યો વિશેના કાયદાનું નામાભિધાન ‘અપકૃત્યોનો કાયદો’ એમ થવું જોઈએ. પરંતુ આ વિચારસરણી ખોટી ઠરી છે. વિનફિલ્ડે દર્શાવ્યું છે કે અપકૃત્યોની યાદી કદાપિ નિશ્ચિત થઈ શકે નહિ. સમાજ આગળ વધે છે તેમ નવાં નવાં અપકૃત્યો ઉપસ્થિત થાય છે, તેથી એમ કહેવું જ યોગ્ય છે કે આ કાયદાનું નામાભિધાન ‘અપકૃત્યનો કાયદો’ હોવું જોઈએ કારણ કે અન્યને નુકસાન થાય તે રીતે વર્તન કરવાને જો કાયદાનું સમર્થન તમને ન હોય તો તેવું વર્તન અપકૃત્ય ગણાશે. આમ ‘અપકૃત્યનો કાયદો’ એ નામાભિધાન અપકૃત્યના વ્યાપની પાછળ રહેલા વર્તનના સામાન્ય નિયમોનો નિર્દેશ કરે છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી