અપંગ-શિક્ષણ (education for the handicapped) : સામાજિક, શારીરિક અને માનસિક અશક્તો માટેની કેળવણી. તેની શરૂઆત ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ દરમિયાન ખ્રિસ્તી મિશનરીઓ તરફથી કરાઈ હતી. બાલ અને કુમાર ગુનેગારો માટેનાં રિમાન્ડ હોમ અને પ્રમાણિત શાળાઓ શિક્ષણ સાથે ચારિત્ર્યસુધારણાનું કામ પ્રોબેશન અધિકારીઓની સલાહ મુજબ કરે છે. કુ. હેલન કેલરના પ્રયાસોથી બ્રેલ લિપિનો વ્યવહાર વધતાં અંધજનોની કેળવણીને વેગ મળ્યો હતો. માનસિક અશક્તો મંદબુદ્ધિનાં હોય છે. મેરી કારપેન્ટર અને ડેવિડ સાસૂને બાળગુનેગારોની સુધારણાને વેગ આપ્યો હતો. 1954–55માં ભારતમાં અંધજનો માટે 43, મૂંગાં અને બહેરાં માટે 32, વિકલાંગ માટે 7 અને મંદબુદ્ધિનાં બાળકો માટે 3 સંસ્થાઓ હતી. ગુજરાતમાં અંધજનો માટેની 2 અને બહેરાં-મૂંગાં માટેની 5 શાળાઓ 1947 પૂર્વે અમદાવાદ, વડોદરા, મહેસાણા, ભાવનગર અને વિસાવદરમાં હતી. 1977–78માં અંધજનોની 20, બહેરાં-મૂંગાંની 18, વિકલાંગોની 5 અને મંદબુદ્ધિનાં બાળકોની 6 સંસ્થાઓ હતી જેમાં કુલ 3,078 વિદ્યાર્થીઓ હતા. 1986–87માં અંધજનોની 25, બહેરાં-મૂંગાંની 26, વિકલાંગોની 9 અને મંદબુદ્ધિનાં બાળકોની કુલ 82 શાળાઓ હતી. તેમાં 4,615 વિદ્યાર્થીઓ હતા. અંધજનમંડળ સંચાલિત વસ્ત્રાપુર, કછોલી, સાબરમતી, પાલનપુર, નડિયાદ, રાજકોટ, મોડાસા વગેરેની સંસ્થાઓ વિશિષ્ટ કામ કરે છે. જગદીશભાઈ પટેલ, ભદ્રાબહેન સતિયા, કીકુભાઈ દેસાઈ વગેરેનો આ ક્ષેત્રમાં ફાળો મહત્ત્વનો છે.

આ શાળામાં રહેવાનું, જમવાનું તથા ભણવાનું મફત હોય છે. લેખન, વાચન, ગણિત અને શારીરિક કેળવણી ઉપરાંત સીવણ, સુથારીકામ, નેતરકામ, વણાટકામ, છાપકામ, બુકબાઇન્ડિંગ, ધોબીકામ, એસેમ્બ્લિંગ કામ, આર્મેચર વાઇન્ડિંગ, ખેતીવાડી, બાગબાની, મરઘાઉછેર જેવા ઉદ્યોગો પણ શીખવાય છે. મંદબુદ્ધિનાં બાળકોની શાળાઓમાં ચિત્ર, સંગીત, કઠપૂતળીના પ્રયોગો,

નૃત્ય વગેરેને સ્થાન અપાયું છે. ભારતીય બ્રેલ લિપિમાં હિંદી, ગુજરાતી, તેલુગુ, તમિળ, મરાઠી અને અંગ્રેજીમાં પુસ્તકો તૈયાર કરાવવામાં આવ્યાં છે. અમદાવાદની બી. એમ. ઇન્સ્ટિટ્યૂટમાં મંદ બુદ્ધિનાં બાળકો અને પ્રૌઢોની માનસિક તપાસ, સારવાર અને સંશોધનની સગવડો છે. મંદબુદ્ધિના લોકો માટેનાં ઑક્યુપેશનલ અને સ્પીચ અને ઑડિયૉલોજી ક્લિનિકની વ્યવસ્થા પણ કરાઈ છે. પાલનપુરની સંસ્થાએ અંધ વિદ્યાર્થીઓ માટે એકીકૃત (integrated) અભ્યાસક્રમ શીખવવો શરૂ કર્યો છે. બીજી સંસ્થાઓ પણ સામાન્ય શાળાઓમાં અંધજનોને દાખલ કરીને તેમને માટે ભણવાની વ્યવસ્થા કરે છે.

શિવપ્રસાદ રાજગોર