અન્શાન : ચીનની ઉત્તરે પીળા સમુદ્રના કિનારે આવેલું ઔદ્યોગિક શહેર. લાયાઓનિંગના ચાંગમા–ઈશાનની તળેટીમાં આવેલું આ શહેર ચીનનું સૌથી મોટું લોખંડ-ઉદ્યોગનું કેન્દ્ર છે. મંચુરિયાના ઔદ્યોગિક પ્રદેશમાં આવેલું હોવાથી ખનિજસંપત્તિ અને સંચાલનશક્તિ પરત્વે સરકારની પ્રોત્સાહક નીતિને કારણે તે વિશાળ ઔદ્યોગિક સંકુલ બનેલ છે. ખાસ કરીને અન્શાનના આ ઔદ્યોગિક પ્રદેશની ગણના વિશ્વના સૌથી વિશાળ કદના લોખંડ અને પોલાદના કારખાનામાં કરવામાં આવે છે. અહીં લગભગ દરેક પ્રકારની લોખંડની વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. ભારે ઉદ્યોગમાં ઉપયોગી એવાં વિશાળ કદનાં યંત્રો ઉપરાંત ખેતીવાડીનાં ઓજારો, રેલવેનાં સાધનો તેમજ મોટરગાડીઓ અહીં બનાવવામાં આવે છે. હાલની સરકારી યોજના અનુસાર અન્શાન-કેન્દ્રને હજી પણ વધારે વિકસાવવામાં આવનાર છે; કારણ કે અન્શાનક્ષેત્રની આસપાસના પ્રદેશોમાંથી 60 ટકા જેટલી લોખંડની કાચી ધાતુ અને લગભગ 40 ટકા જેટલો કોલસો પ્રાપ્ત થાય છે.
મૂકડેન (શે યાંગ) શહેરથી અન્શાન 100 કિમી. દૂર નૈર્ઋત્ય દિશામાં આવેલું છે.
મહેશ મ. ત્રિવેદી