અનુષંગી લાભ (fringe benefits) : પગારદાર કર્મચારીઓને મુકરર નિયમિત વેતન ઉપરાંત પ્રસંગોપાત્ત અપાતા વધારાના પરોક્ષ લાભ. આવા લાભ મહદંશે ધારાકીય જોગવાઈઓ મારફત અગર માલિકો તથા કર્મચારીઓ વચ્ચેની સમજૂતીના નિષ્કર્ષ રૂપે અને ક્વચિત્ માલિકોની સ્વેચ્છાએ પ્રાપ્ત થાય છે.

આધુનિક ઔદ્યોગિક યુગની શરૂઆતનાં વર્ષોમાં કર્મચારીઓ પરત્વે માલિકોનું ઉત્તરદાયિત્વ જેવું કશું જ ન હતું. એવી પરિસ્થિતિમાં કર્મચારીઓને તેમની શ્રમપ્રધાન કામગીરીની અવધિ અનુસાર માત્ર વેતન આપવામાં આવતું. માલિકોના ઉત્તરદાયિત્વની વિભાવનાના ઉદભવ અને વિકાસની શિથિલતાને કારણે નાગરિકોએ માન્ય રાખેલી માલિકોની જવાબદારીઓનો સ્વીકાર અને અમલ કરાવવા માટે ધારાકીય પ્રક્રિયાઓનો પણ આશરો લેવો પડતો હતો. ઔદ્યોગિક અકસ્માતથી થયેલ ઈજા યા અવસાનનું વળતર, વ્યાપક બેકારી સામે સામાજિક સુરક્ષા, નિવૃત્તિગાળા દરમિયાન પેન્શન અગર તેની વૈકલ્પિક યોજનાઓ ધારાકીય જોગવાઈઓ દ્વારા જ અમલમાં આવી હતી. ધારાકીય જોગવાઈઓમાં વખતોવખતના સુધારાવધારા દ્વારા અનુષંગી લાભનાં વૃદ્ધિ અને વિસ્તરણ થતાં રહ્યાં છે.

અનુષંગી લાભની પ્રવર્તમાન વિવિધ યોજનાઓના છ વર્ગ ગણાવી શકાય :

(ક) સવેતન ફરજમુક્તિ : સાપ્તાહિક તેમજ જાહેર રાષ્ટ્રીય તહેવારોની સવેતન રજાઓ, હક્ક રજાઓ અને માંદગીની રજાઓ, પ્રસૂતિની રજાઓ, અકસ્માતોત્તર અશક્તિની રજાઓનાં વેતન, કર્મચારી, તાલીમ-શિબિરોમાં સામેલગીરીના લાભ, આકસ્મિક રજાઓ, રુખસદ-વળતર વગેરે.

(ખ) કર્મચારી સવલતો : માલિકો દ્વારા કર્મચારીઓને વિના મૂલ્યે યા રાહત મૂલ્યે પૂરી પાડવામાં આવતી સેવાઓ-સગવડોના લાભ : કૅન્ટીન, અલ્પાહાર-ભોજનવ્યવસ્થા, વાહનવ્યવસ્થા, વાહનભથ્થું, ગણવેશ, સંરક્ષક ગણવેશ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત પ્રવૃત્તિઓ, પુસ્તકાલય, વાચનાલય, પ્રવાસખર્ચ ભરપાઈ યોજના, યુનિયન સભ્ય ફી કપાત, વીમા પ્રીમિયમ કપાત, કર્મચારી શાખમંડળી કપાત, બચતરોકાણ માર્ગદર્શન, નિવૃત્તિ આયોજન માર્ગદર્શન, કંપનીની શેરમૂડીમાં અનામત હિસ્સો વગેરે.

(ગ) પ્રોત્સાહન પુરસ્કાર યા સન્માન : વાર્ષિક બોનસ, નિયમિત ઇજાફા, પગારસુધારણા, બાળકોના શિક્ષણ માટે સહાય, અસ્ખલિત નિયમિત હાજરીની કદર રૂપે સન્માન, ઉપયોગી-લાભકારક સૂચનો માટે પારિતોષિક, સેવાઓની અવધિ અનુસાર ખાસ બોનસ યા સન્માન, વધારાના સમયની ફરજો માટે ઊંચા દરે વેતન, અણગમતી કામગીરીનું વિશિષ્ટ વળતર, કાર્યસ્થળ નજીક આવાસવ્યવસ્થા, રજાઓનું રોકડ રૂપાંતર વગેરે.

(ઘ) સ્વાસ્થ્ય સારવાર : પ્રાથમિક સારવાર, એમ્બ્યુલન્સ સેવાઓ, દવાખાનું અને ઇસ્પિતાલની સવલત, રોગનિદાન કાર્યક્રમ તથા સ્વાસ્થ્યનિભાવ–સુધાર કાર્યક્રમના લાભ, કર્મચારી તથા તેના આશ્રિતોની માંદગી સંબંધી તબીબી સારવાર ખર્ચ ભરપાઈ કરી આપવા, તબીબી ખર્ચભથ્થાં, કામદાર-વળતર, સામાજિક સુરક્ષા તથા સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભ વગેરે.

(ચ) આશ્રિત સુરક્ષા : કુટુંબ પેન્શન યોજના, આકસ્મિક અશક્તિ/નિધન વળતર, સામૂહિક જીવનવીમા યોજના વગેરે.

(છ) નિવૃત્તિ વળતર : પ્રૉવિડન્ટ ફંડ, ગ્રેચ્યૂઇટી, પેન્શન (આંશિક રોકડ રૂપાંતર સહિત), સુપર ઍન્યુએશન ફંડ, સંચિત રજાઓના પગારનું રોકડ રૂપાંતર, સ્વૈચ્છિક નિવૃત્તિ વળતર વગેરે.

અનુષંગી લાભની યોજનાઓના ખર્ચ કર્મચારીઓ, માલિકો અને સરકાર સંયુક્ત રીતે વરાડે પડતા હિસ્સે ભોગવે છે; કુલ ખર્ચમાં કયા પક્ષનો ફાળો કેટલો રહેશે એ પ્રત્યેક યોજનાના સ્વરૂપ તથા તેને પરિણામે વિવિધ પક્ષને પ્રત્યક્ષ-પરોક્ષ રીતે થનાર લાભના પ્રમાણ ઉપર અવલંબે છે.

પ્રત્યક્ષ વેતનદાર અને પરોક્ષ અનુષંગી લાભના સ્વરૂપની આસપાસ કર્મચારી આંદોલનો અને કર્મચારીઓ તથા માલિકો વચ્ચેના સંઘર્ષોનો વૃત્તાંત અસ્ખલિત વહેતો રહ્યો છે. પ્રત્યક્ષ વેતનલાભની તુલનામાં પરોક્ષ અનુષંગી લાભનું મહત્ત્વ ક્રમશ: વધતું રહ્યું છે. પ્રત્યેક કર્મચારીને વ્યક્તિગત રીતે વધારાના વેતનના લાભ આપવાની તુલનામાં કર્મચારીઓને સામૂહિક રીતે અનુષંગી લાભ આપવાનું પ્રમાણમાં સરળ, ઓછું ખર્ચાળ અને લાભકારક હોવાનું માલૂમ પડ્યું છે; વળી, વધારાનું વેતન કર્મચારીની કરપાત્રતા વધારે છે, જ્યારે અનુષંગી લાભના ખર્ચ પેટે માલિકોને કરપાત્રતામાં રાહત મળે છે.

ઉચ્ચસ્તરીય સંચાલકીય અધિકારી વર્ગને અન્ય કર્મચારીઓને મળવાપાત્ર અનુષંગી લાભ ઉપરાંત ઊંચાં પગારધોરણ-ભથ્થાં, આલીશાન અંગત ઑફિસ, સંપૂર્ણ સગવડો સહિતનું રહેઠાણ, અંગત મોટરકાર, તબીબી સારવાર તથા સ્વાસ્થ્યનિભાવ ખર્ચ, આનંદપ્રમોદ—-સરભરા ખર્ચ, વેકેશન તથા સહકુટુંબ આરામદાયક પ્રવાસખર્ચ, કૉન્ફરન્સ વગેરેના ખર્ચ, સામાજિક-સાંસ્કૃતિક મંડળોમાં સભ્યપદ, કંપનીની શેરમૂડીમાં રાહતમૂલ્યે હિસ્સો, વગેરે પ્રકારના વિશેષ લાભ (perquisites) આપવામાં આવે છે. અધિકારી વર્ગને પ્રાપ્ત થતા વિશેષ લાભ ઊડીને આંખે વળગે એવા હોવાથી સમાનતાની ભાવનાને હાનિ પહોંચાડે છે; બીજી તરફ, યોગ્ય લાયકાતો કેળવીને ઉપરી અધિકારી વર્ગમાં આવનાર એ મેળવી શકશે એવી લાગણી પ્રેરીને કર્મચારીઓને પ્રોત્સાહન પણ પૂરું પાડે છે.

ધીરુભાઈ વેલવન