અનુરોપસંવર્ધન (seed-culture) : શુદ્ધ, સક્રિય અને લાંબા સમય સુધી સ્થિર રહી શકે તેવા સૂક્ષ્મજીવોની નિયત સંખ્યા ધરાવતું સંવર્ધન. આથવણ-ઉદ્યોગોમાં અંત્ય નીપજનું ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે.

સંવર્ધનને પ્રથમ 500 મિલી. જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં અને ત્યારબાદ પાંચ લીટર જેટલા વૃદ્ધિપોષક માધ્યમમાં ઉછેરી અનુરોપન ટાંકીમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેનાં વૃદ્ધિ અને વિકાસ ઝડપથી કરીને જરૂરી જથ્થો તૈયાર કરાય છે. આમ તૈયાર થયેલ અનુરોપન-સંવર્ધનને આથવણ-પાત્રમાં દાખલ કરતાં આથવણ-પ્રક્રિયા તરત શરૂ થાય છે. અનુરોપન-સંવર્ધનની બનાવટ દરમ્યાન સૂક્ષ્મજીવકોષોમાં વિકૃતિ પેદા ન થાય તેમજ અનિચ્છનીય જીવાણુઓનો પ્રવેશ ન થાય તે ધ્યાન રાખવું જરૂરી હોય છે. પાંઉ તેમજ દારૂની બનાવટમાં વપરાતું યીસ્ટ, દૂધમાંથી દહીં તેમજ પ્રાણીના ખોરાક એનસાઇલેજની બનાવટમાં વપરાતા લૅક્ટિક ઍસિડ બૅક્ટેરિયા અનુરોપન-સંવર્ધનનાં સર્વસામાન્ય ઉદાહરણો છે.

પ્રમોદ રતિલાલ શાહ