અનુરૂપતા, સામાજિક (social conformity) : સામાજિક ધારાધોરણોને માન આપીને વર્તવું તે. સમાજના સભ્ય તરીકે આપણે સૌ એકબીજાં સાથે આંતરક્રિયા કરતાં હોઈએ છીએ. આ આંતરક્રિયાને લીધે સમાજમાં વર્તનનાં ચોક્કસ ધારાધોરણો વિકસ્યાં હોય છે. આ ધારાધોરણોને માન આપીને વ્યક્તિ વર્તે તેને અનુરૂપતા કહેવામાં આવે છે. અનુરૂપતાને કારણે વ્યક્તિ અને જૂથ વચ્ચે સામંજસ્ય જોવા મળે છે. જોકે બધા જ સમયે, સ્થળે અને સંજોગોમાં અનુરૂપતા દર્શાવવાનું વ્યક્તિને માટે શક્ય હોતું નથી અથવા તો તેમ કરવું એને રુચતું પણ હોતું નથી. આવા સમયે જૂથનાં દબાણોને તાબે થઈ જવું કે પછી પોતે જે માનતા હોય તેને વળગી રહેવું એવો સંઘર્ષ વ્યક્તિના ચિત્તમાં જન્મે છે. સંઘર્ષની સ્થિતિમાંથી છૂટવા કેટલીક વ્યક્તિઓ જૂથદબાણોને તાબે થઈને અનુરૂપતા દર્શાવે છે. ક્રેચ અને અન્ય વિદ્વાનો આથી જ માને છે કે અનુરૂપતાનું રહસ્ય વ્યક્તિની જૂથદ્બાણો પ્રત્યેની તાબેદારીમાં રહેલું છે. અનુરૂપતાનાં બે સ્વરૂપો છે : (1) સાચી અનુરૂપતા અને (2) પ્રદર્શિત અનુરૂપતા. જ્યારે વ્યક્તિ બાહ્ય તેમજ આંતરિક એમ બંને રીતે જૂથ સાથે સંમત હોય તેવી સ્થિતિને ‘સાચી અનુરૂપતા’ કહી શકાય. આવી અનુરૂપતામાં ‘ક્રિયા અને નિષ્ઠા’ બંનેનો સુમેળ જોવા મળે છે. આથી ઊલટું, કેટલીક વાર વ્યક્તિ આંતરિક રીતે જૂથ સાથે સંમત હોતી નથી, પરંતુ બાહ્ય રીતે તેને ‘હા જી હા’ કર્યા વિના છૂટકો હોતો નથી. આ પ્રકારની અનુરૂપતાને અભ્યાસીઓ ‘પ્રદર્શિત અનુરૂપતા’ તરીકે ઓળખાવે છે. આવી અનુરૂપતામાં ‘ક્રિયા’ હોય છે, ‘નિષ્ઠા’ હોતી નથી. માત્ર તાત્કાલિક લાભ, ઉપયોગિતા કે દબાણને લીધે જ વ્યક્તિ આવી અનુરૂપતા દાખવતી હોય છે. અનુરૂપતાનું વર્તન મનુષ્યનાં વિવિધ પ્રેરક બળોની સાથે પણ ગાઢ રીતે સંકળાયેલું હોય છે. અનુરૂપતા દ્વારા ઘણી વાર ‘સ્વીકૃતિ’ (recognition) અને ‘પ્રતિષ્ઠા’ (prestige) જેવી મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સંતોષાય છે. અનુરૂપતા દાખવીએ એટલે જૂથના સભ્યોની અવગણના, નારાજગી કે બહિષ્કારનો લેશમાત્ર ભય રહેતો નથી. કેટલીક વાર અનુરૂપતા એ દૂરના કોઈ સાધ્ય (દા.ત., નોકરીમાં બઢતી) માટેનું સાધન જ હોય છે. ભારતીય સમાજમાં અનુરૂપતા વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં જ્ઞાતિપ્રથાની જબરજસ્ત પકડ જોવા મળે છે. જ્ઞાતિના રીતરિવાજો પ્રત્યે સૌ ઓછાવત્તા અંશે અનુરૂપતા દર્શાવે છે.
નટવરલાલ શાહ