અનુપૂરક સ્થાપન કસોટી (complement fixation test) : દ્રવ્ય-પ્રતિદ્રવ્ય(antigen-antibody)ના સંયોજનમાં અનુપૂરકના સ્થાપનના સિદ્ધાંત પર આધારિત કસોટી, જે રક્તરસશાસ્ત્ર(serology)માં ઘણી ઉપયોગી છે. દ્રવ્ય કે પ્રતિદ્રવ્ય એકલાં સાથે અનુપૂરકો સ્થાપન કરી શકાતાં નથી.

આ કસોટીમાં દ્રવ્ય, દરદીનું રક્તજલ (patient’s serum : પ્રતિદ્રવ્યના સ્રોત તરીકે) અને અનુપૂરકને ભેગાં કરી 370 સે. તાપમાને 30 મિનિટ રાખવામાં આવે છે. ત્યારબાદ તેમાં સંવેદનશીલ રક્તકણો (sensitized RBC) (રક્તકણો + પ્રતિરક્તકણ પ્રતિદ્રવ્ય; RBC + anti-RBC antibody) ભેળવવામાં આવે છે.

જો દરદીના રક્તજલમાં જે તે રોગના જીવાણુ સામે બનેલ પ્રતિદ્રવ્ય હાજર હોય તો તે દ્રવ્ય સાથે જોડાય છે અને દ્રવ્ય-પ્રતિદ્રવ્યનું સંયોજન બનાવે છે. આ સંયોજન સાથે અનુપૂરક જોડાય છે તેથી સંવેદનશીલ રક્તકણો સાથે જોડાવા માટે અનુપૂરકો બચતા નથી તેથી રક્તકણોનું લયન (lysis) થતું નથી. જો દરદીના રક્તજલમાં પ્રતિદ્રવ્યની ગેરહાજરી હોય તો દ્રવ્ય-પ્રતિદ્રવ્યનું સંયોજન બનતું નથી. તેને લીધે અનુપૂરક તેની સાથે જોડાઈ શકતું નથી. આ અનુપૂરક સંવેદનશીલ રક્તકણો સાથે જોડાવાથી રક્તકણોનું લયન થાય છે. આમ, રક્તકણોના લયનની ગેરહાજરી દરદીમાં રોગની હાજરી સૂચવે છે. જ્યારે રક્તકણોનું લયન રોગની ગેરહાજરી સૂચવે છે.

દ્રવ્ય + દરદીનું રક્તજલ → દ્રવ્ય-પ્રતિદ્રવ્ય સંયોજન
(જે પ્રતિદ્રવ્ય ધરાવે છે.)

દ્રવ્ય-પ્રતિદ્રવ્ય + અનુપૂરક સંયોજન  → દ્રવ્યપ્રતિદ્રવ્ય-અનુપૂરક સંયોજન

દ્રવ્ય-પ્રતિદ્રવ્ય-અનુપૂરક સંયોજન → સંવેદનશીલ રક્તકણો → રક્તકણોના લયનની ગેરહાજરી

ચાંદી (syphilis), પરમિયો (gonorrhoea) તેમજ વિષાણુઓ (viruses) તથા પ્રજીવો(protozoa)થી થતા રોગોના નિદાનમાં આ કસોટીનો ઉપયોગ થાય છે.

પ્રમોદ રતિલાલ શાહ