અનુજન, ઓ. એમ. (જ. 20 જુલાઈ 1928, વેલ્લિનેઝી, કેરાલા) : મલયાળમ કવિ. કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમ વિષય લઈ પ્રથમવર્ગમાં એમ.એ.માં ઉત્તીર્ણ. પછી મદ્રાસની પ્રેસિડન્સી કૉલેજમાં મલયાળમના પ્રાધ્યાપક. એમણે કવિ તરીકે સારી ખ્યાતિ મેળવી છે. અત્યાર સુધીમાં તેમના બાર કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે, જેમાં ‘મૂકુળમ્’, ‘ચિલ્લુવાતિલ્’, ‘અગાધ નિલિમક્કળ્’, ‘વૈશાખમ્’, ‘સૃષ્ટિ’ તથા ‘અક્તેયન’ મુખ્ય છે. એમણે કાલિદાસના ‘મેઘદૂત’નો પણ ‘મેઘમ્’ નામથી અનુવાદ કર્યો છે. એમણે મલયાળમ કવિતામાં વિદ્રોહનો સૂર ગજવ્યો છે અને કાવ્યમાં વિષય અને શૈલી પરત્વે અનેક પ્રયોગો કર્યા છે. એમણે વિયેટનામ પર અમેરિકનોએ જે અત્યાચારો ગુજારેલા તેનું કરુણ નિરૂપણ અનેક કાવ્યોમાં કરી વિયેટનામની પ્રજાના ખમીરની મુક્તકંઠે પ્રશંસા કરી છે. વળી જાપાનની હાઇકુ કવિતાને મલયાળમમાં લોકપ્રિય બનાવી છે. કેરળની પ્રાકૃતિક સુંદરતા આ કવિએ મુક્તકંઠે ગાઈ છે. મલયાળમના લોકસંગીતના ઢાળોનો એમનાં ગીતોમાં પ્રયોગ થયેલો છે તો મધ્યકાલીન નૃત્યગીતિ-નાટિકા ‘કથકલિ’માં અર્વાચીન સમસ્યાઓ ગૂંથેલી છે.
2018માં એમને કેરાલા સાહિત્ય અકાદમીનો લાઈફ ટાઈમ એચીવમેન્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
અક્કવુર નારાયણન્