અનુચલન (Tactic movement) : બાહ્ય પરિબળો જેવાં કે પ્રકાશ, તાપમાન કે રાસાયણિક પદાર્થને લીધે નિશ્ચિત દિશામાં સમગ્ર વનસ્પતિ કે વનસ્પતિ અંગોનું થતું પ્રચલનરૂપ હલનચલન. બાહ્ય પરિબળોને આધારે અનુચલનના પ્રકારો આ પ્રમાણે છે :
- પ્રકાશાનુચલન (phototaxis) : એક દિશામાંથી આવતા પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે કશાધારી કે કેશતંતુમય વનસ્પતિઓ, ચલબીજાણુઓ કે જન્યુકોષો દ્વારા થતા પ્રચલનરૂપ હલનચલનને પ્રકાશાનુચલન કહે છે. ક્લેમિડોમોનાસ, વૉલવોક્ષ અને યુલોથ્રિક્સ જેવી લીલના ચલબીજાણુઓ મંદ પ્રકાશમાં પ્રકાશની દિશા તરફ અને તીવ્ર પ્રકાશમાં પ્રકાશની વિરુદ્ધની દિશામાં પ્રચલન કરે છે; જેને અનુક્રમે ધન પ્રકાશાનુચલન અને ઋણ પ્રકાશાનુચલન કહે છે.
- રસાયણાનુચલન (thermotaxis) : શેવાળના ચલપુંજન્યુઓ સુક્રોઝ, હંસરાજના ચલપુંજન્યુઓ મેલિક ઍસિડ અને એકિલયા તથા સેપ્રોલેગ્નિયાના ચલબીજાણુઓ કાર્બનિક દ્રવ્ય તરફ આકર્ષાય છે. આ પ્રકારના હલનચલનને રસાયણાનુચલન કહે છે.
- તાપાનુચલન (inorganic) : વનસ્પતિ કે તેના ભાગો અનુકૂળ તાપમાન તરફ પ્રચલન દાખવે છે. ક્લેમિડોમોનાસ અને ડાયેટોમ ઊંચા તાપમાને ઋણ તાપાનુચલન દર્શાવે છે.
- સ્પર્શાનુચલન (thigmotaxis) : વનસ્પતિ કે તેના ભાગો સ્પર્શ થઈ શકે તેવા પદાર્થ તરફ સ્થાનાંતર કરે છે. ઉડોગોનિયમનું ચલબીજાણુ ઘન આધારતલ (substratum) તરફ જાય છે.
બળદેવભાઈ પટેલ