અનુચલન ગતિ (tactic movement) : બાહ્ય ઉદ્દીપનની અસર હેઠળ સજીવોમાં થતું મુક્ત દિશાકીય હલનચલન. વનસ્પતિસૃષ્ટિમાં આ ગતિ સામાન્યપણે નાના અને યુગ્લિના જેવા કશા ધરાવતા જળવાસી એકકોષીય સજીવો અને પ્રજનનકોષો પૂરતી મર્યાદિત હોય છે.
આ હલનચલન માટે જવાબદાર પરિબળોને અનુલક્ષીને તેમના પ્રકારો નીચે મુજબ છે :
(1) પ્રકાશાવર્તક હલનચલન (phototactic movement) : પક્ષ્મયુક્ત સજીવો અથવા પ્રજનનકોષોનું એક જ દિશામાંથી આવતા પ્રકાશની પ્રદીપ્તિના પ્રત્યુત્તર રૂપે થતું આ પ્રચલન કે હલનચલન છે. ક્લેમીડોમોનાસ (એકકોષી), વૉલ્વૉક્સ (બહુકોષી) જેવી લીલ તથા યુલોથ્રિક્સ, ક્લેડોફોરા અને બીજી ઘણી લીલના ચલબીજાણુઓ મંદ પ્રકાશની અસર હેઠળ પ્રકાશ તરફ ગતિ કરે છે, જે ધન (+ve) પ્રકાશાવર્તન દર્શાવે છે. જ્યારે ખૂબ જ તીવ્ર પ્રકાશમાં તેઓ પ્રકાશની વિરુદ્ધ તરફ ગતિ કરે છે, જે ઋણ (–ve) પ્રકાશાવર્તન દર્શાવે છે. ધન પ્રકાશાવર્તન વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટેની સાનુકૂળ સ્થિતિમાં સ્થાપિત કરે છે અને ઋણ પ્રકાશાવર્તન તીવ્ર પ્રકાશમાં થતા નીલકણોના વિઘટનને અટકાવે છે. આ માટેનું સંવેદાંગ નેત્રબિંદુ છે. લીલાં પર્ણોમાં આવેલી લંબોત્તક (palisade) પેશીના નીલકણો પણ આ પ્રકારનું હલનચલન દર્શાવે છે.
(2) રસાયણાવર્તક હલનચલન (chemotactic movement) : શેવાળ અને હંસરાજના પુંજન્યુ (antherozoid) તથા એકલ્યા જેવી જલીય ફૂગના ચલબીજાણુઓમાં રસાયણાવર્તન જોવા મળે છે. મોટા ભાગની શેવાળની સ્ત્રીધાની સુક્રોઝ અને હંસરાજની સ્ત્રીધાની મેલિક ઍસિડનો સ્રાવ કરે છે, જે ચલ પુંજન્યુને આકર્ષવાનું કાર્ય કરે છે. એકલ્યા અને સેપ્રોલેગ્નિયાના ચલબીજાણુઓ વિશિષ્ટ કાર્બનિક દ્રવ્યો તરફ આકર્ષાય છે.
(3) ઉષ્ણતાવર્તક હલનચલન (thermotactic movement) : ઉષ્માની પ્રતિક્રિયા (response) સ્વરૂપે વનસ્પતિ દ્વારા દર્શાવાતું પ્રચલનરૂપ હલનચલન. ક્લેમીડોમોનાસ જેવી એકકોષી લીલ ધરાવતા અને બરફ જેટલા ઠંડા પાણીથી ભરેલા વિશાળ લંબચોરસ પાત્રને એક છેડેથી ગરમ કરવામાં આવે તો આ એકકોષી વનસ્પતિ ગરમ બાજુ તરફ ગતિ કરશે અને તે તરફ એકઠી થશે; પરંતુ તે બાજુનું તાપમાન વધી જાય ત્યારે વનસ્પતિ તેની વિરુદ્ધ બાજુએ ગતિ કરશે, જે ઋણાત્મક ઉષ્ણતાવર્તન દર્શાવે છે.
(4) સ્પર્શાવર્તક હલનચલન (thigmotactic movement) : આ પ્રકારના હલનચલનમાં વનસ્પતિ કે તેના ભાગો સ્પર્શથી ઉત્તેજિત થઈને તે દિશાએ ગતિ કરે છે. દાખલા તરીકે ઇડોગોનિયમ લીલના ચલબીજાણુઓ ઘન સપાટી તરફ પ્રચલન કરે છે, ત્યાં તેઓ ચોંટે છે અને વિકાસ પામી લીલના નવા તંતુનું સર્જન કરે છે.
મનીષા દેસાઈ