અનુકરણ (પ્રાણીશાસ્ત્ર) (mimicry) : બધા સજીવો ચોક્કસ રંગ, ભાત (pattern) અને આકાર ધરાવે છે, જે તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે. તેઓ જીવન ટકાવી રાખવા અન્ય પ્રાણી કે વનસ્પતિની નકલ કરે છે. તેને અનુકરણ કહે છે. જોકે અસામાન્ય કે અશક્ય જણાતી ક્રિયાઓનું અનુકરણ મનુષ્ય અને ચિમ્પાન્ઝી જેવાં સસ્તનો પૂરતું જ મર્યાદિત હોય છે.
છલાવરણ (camouflage – કૅમફ્લાઝ) ઘણાં પ્રાણીઓમાં જોવા મળતું અનુકૂલન (adaptation) છે; જેથી તેઓ તે જોઈ શકવા મુશ્કેલ હોય છે. કેટલાંક પ્રાણીઓ દુશ્મન પ્રાણીઓથી તો કેટલાંક તેમના શિકારથી સંતાઈને રહે છે. છલાવરણ સાથે રંગો અને વિશિષ્ટ આકારો સંકળાયેલા હોય છે; જેથી તેઓ પૃષ્ઠભૂમિ (background) સાથે એવાં ભળી જાય છે કે તેઓ દેખાતાં નથી. ઘણી ઇયળો લીલા રંગની હોય છે. તેઓ પર્ણ ઉપર હોય ત્યારે તેમને જોવી ઘણી મુશ્કેલ હોય છે. જ્યારે ઘણાં ફૂદાં વૃક્ષના થડ ઉપર બેઠાં હોય ત્યારે તેમની પાંખો વૃક્ષની છાલ જેવી ભાત ધરાવતાં હોઈ જોઈ શકાતાં નથી.
સાબર જેવાં મોટાં પ્રાણીઓની પીઠ ઘેરા રંગની હોય છે. પરંતુ પેટનો ભાગ તદ્દન ફિક્કા રંગનો બનેલો હોય છે. તેથી માથા ઉપર રહેલા સૂર્ય દ્વારા ઉત્પન્ન થયેલા પડછાયાઓ સાથે વિરોધાભાસ થાય છે, પ્રાણીઓ ચપટાં દેખાય છે અને પૃષ્ઠભૂમિ સાથે ભળી જવામાં મદદ થાય છે.
કાચંડો, ચપટી માછલીઓ અને ઝીંગા જુદી જુદી પૃષ્ઠભૂમિ અનુસાર પોતાનો રંગ બદલે છે. ખડમાંકડી દંડકીટક વનસ્પતિની નાની પાતળી ડાળી સાથે સુમેળ સાધે છે. આને રક્ષણાત્મક સામ્ય કહે છે. દુશ્મન પ્રાણીઓ તેમને જોઈ શકે છે; પરંતુ ધ્યાનમાં લેતાં નથી. તેઓ છેતરાતાં હોવાથી ‘છલાવરણ’ શબ્દ યોજવામાં આવ્યો છે.
પ્રાણીઓમાં અનુકરણ દ્વારા શીખવાની વૃત્તિ પણ જોવા મળે છે. જેમ કે, પોતાની જાતિનાં પક્ષીઓને ગાતાં સાંભળી તેનું અનુકરણ કરવાનું બચ્ચાં શીખતાં હોય છે. પ્રાયોગિક રીતે આવાં બચ્ચાંને આ પર્યાવરણથી દૂર રાખવામાં આવે તો તેઓ ગાઈ શકતાં નથી.
પતંગિયાં વિશિષ્ટ રંગ ધરાવતી એક જાતિ પક્ષીઓ માટે અભક્ષ્ય છે. જ્યારે પતંગિયાની બીજી જાતિને પક્ષીઓ ખાય છે. આ ભક્ષ્ય જાતિનાં પતંગિયાં દેખાવમાં અભક્ષ્ય જાતિ જેવાં જ હોય છે. તેથી પક્ષીઓ તેમને અભક્ષ્ય સમજી ખાતાં નથી. આ પ્રકારના અનુકરણને બેઇટ્સિયન અનુકરણ કહે છે.
બીજા પ્રકારના એક અનુકરણમાં બંને જાતિનાં પતંગિયાં અભક્ષ્ય હોવા છતાં રૂપરંગમાં એકબીજા સાથે સામ્ય ધરાવે છે. પક્ષીઓ આ સમૂહની જાતિઓ ભક્ષ્ય કે અભક્ષ્ય છે તે નક્કી કરવા શરૂઆતમાં કેટલાંક પતંગિયાંઓનો નાશ કરે છે. આ નાશનું પ્રમાણ બંને જાતિઓમાં લગભગ સરખું હોવાથી કાંઈ એક જ જાતિમાં મોટો ઘટાડો થતો અટકે છે. તેથી તે જાતિનો સમૂળગો નાશ થતો નથી. આ પ્રકારના અનુકરણને મૂલેરિયન અનુકરણ કહે છે. કોયલ કદ, આકાર અને રંગમાં કાગડાનાં ઈંડાં જેવાં ઈંડાં કાગડાના માળામાં મૂકે છે. યજમાન જાતિ તેને પોતાનાં સમજી સેવે છે. આને આક્રમક અનુકરણ કહે છે. સજીવોના ઉદવિકાસમાં આવાં અનુકરણો મહત્વનો ભાગ ભજવે છે.
બળદેવભાઈ પટેલ