અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો

January, 2001

અનુઍક્ટિનાઇડ (અથવા પરાઍક્ટિનાઇડ) તત્વો (postactinide or transactinide) : આવર્તક કોષ્ટકમાંના 103 કરતાં વધુ પરમાણુક્રમાંક (પ.ક્ર., Z) ધરાવતાં તત્વો. આજ સુધીમાં પ.ક્ર. 112 સુધીનાં તત્વો પારખી શકાયાં છે. જોકે તે પછીનાં તત્ત્વો માટે પણ દાવો કરાયો છે. આ તત્વોમાંનાં ઘણાં તો અલ્પ જથ્થામાં (કેટલાક કિસ્સાઓમાં તો થોડાક પરમાણુઓ જેટલા) મેળવી શકાયાં છે. આ તત્વોના ખાસ ઉપયોગ માલૂમ પડ્યા નથી.

આ તત્વોની ઊંચી વિકિરણધર્મિતા (radioactivity) અને તેમની અલ્પસ્થાયી (metastable) પ્રકૃતિને કારણે આ તત્વોની શોધ માટેની અગ્રિમતા (priority) અને તેમને નામ આપવાની બાબતમાં ઘણો વિવાદ સર્જાયેલો હતો. આથી IUPAC(International Union of Pure and Applied Chemistry)એ સારણી 1માં દર્શાવેલ ઉપસર્ગો (પ્રત્યયો, affixes) પર આધારિત વ્યવસ્થિત પણ કામચલાઉ નામોની શ્રેણી દાખલ કરી હતી. આ બધાં તત્વોના નામનો અંત ઇયમ(ium)થી આવે છે.

સારણી 1

ઉપસર્ગ (affix) સંખ્યા (number) સંજ્ઞા (symbol)
નિલ (nil) 0 n
અન (’un) 1 u
બાઇ (bi) 2 b
ટ્રાઇ (tri) 3 t
ક્વૉડ (quad) 4 q
પેન્ટ (pent) 5 p
હેક્ઝ (hex) 6 h
સેપ્ટ (sept) 7 s
ઑક્ટ (oct) 8 o
એન્ન (enn) 9 e

દા. ત., તત્વક્રમાંક 109, un + nil + enn + ium એટલે કે અનનિલેન્નિયમ (unnilennium) કહેવાય છે અને તેને સંજ્ઞા Une (U + n + e) આપવામાં આવી હતી. તત્વોનાં નામ બાબત IUPAC અને ACU (American Chemical Union) વચ્ચે પણ વિવાદ ઊભો થયો હતો. છેવટે 1997માં IUPAC-એ એક સમાધાનરૂપ યાદી પસંદ કરી હતી જે સામાન્ય રીતે સ્વીકારાઈ છે. આ યાદી સારણી 2માં દર્શાવી છે :

સારણી 2 : તત્વો 104થી 112 માટે વપરાતાં (અથવા સૂચવાયેલાં) નામો

પરમાણુ ક્રમાંક Z

 

પદ્ધતિસરનું નામ (1977) IUPAC (1997) સૂચવાયેલાં અન્ય નામો
104 Unnilquadium (Unq) (અનનિલક્લૉડિયમ) રૂથરફૉર્ડિયમ (Rf) કુર્ચેટોવિયમ (Ku)

ડુબ્નિયમ (Db)

105 Unnilpentium (Unp)

(અનનિલપેન્ટિયમ)

ડુબ્નિયમ (Db) નીલ્સબોહરિયમ

(Ns)

હાનિયમ (Ha)

જોલિયોટિયમ (Jl)

106 Unnilhexium (Unh)

(અનનિલહેક્ઝિયમ)

સીબોર્ગિયમ (Sg) રૂથરફૉર્ડિયમ (Rf)
107 Unnilseptium (Uns)

(અનનિલસેપ્ટિયમ)

બૉહરિયમ (Bh) નીલ્સબોહરિયમ

(Ns)

108 Unniloctium (Uno)

(અનનિલઑક્ટિયમ)

હેસિયમ (Hs) હાનિયમ (Hn)
109 Unnilennium (Une)

(અનનિલેન્નિયમ)

મીટનરિયમ (Mt)
110 Ununnilium (Uun)

(અનઅનનિલિયમ)

111 Unununium (Uuu)

(અનઅનઅનિયમ)

112 Ununbium (Uub)

(અનઅનબિયમ)

જુદા જુદા સમયે આ તત્વોને આપવામાં આવેલાં નામો પણ સારણીમાં દર્શાવ્યાં છે. તત્વો 110 (Uun), 111 (Uuu) અને 112(Uub)ને તે સમયે ચોક્કસ નામો આપવામાં આવ્યાં ન હતાં, પણ 2003માં IUPAC-એ તત્ત્વ-ક્રમાંક 110ને ડર્મસ્ટેટિયમ (darmstadtium) નામ અને સંજ્ઞા Ds આપેલ છે.

2004માં યુ.એસ. અને રશિયાના વૈજ્ઞાનિકોએ બે અતિ ભારે (super heavy) તત્ત્વો 113 અને 115 સંશ્લેષિત કર્યાં હોવાનું જાહેર કર્યું હતું. તેમને અનુક્રમે અનઅનટ્રિયમ (ununtrium, Uut) અને અનઅનપેન્ટિયમ (ununpentium, Uup) નામો આપ્યાં હતાં. રશિયન વૈજ્ઞાનિકોએ અમેરિશિયમ (americium, પ.ક્ર. 95) પર કૅલ્શિયમ આયનોનો મારો ચલાવીને 115 ક્રમાંકનું તત્ત્વ મેળવ્યું હતું, જે ક્ષય પામીને 113માં પરિણમેલું. ઑક્ટોબર, 2006માં લૉરેન્સ લિવરમોર નૅશનલ લૅબોરેટરી (કૅલિફૉર્નિયા) અને જોઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ન્યૂક્લિયર રિસર્ચ(ડ્યૂબ, રશિયા)ના વૈજ્ઞાનિકોએ 118 ક્રમાંકના તત્ત્વનું સંશ્લેષણ કર્યું હતું. લિવરમોરડ્યૂબ ટીમ કૅલિફૉર્નિયા (Cf) ઉપર કૅલ્શિયમ આયનોનો મારો ચલાવીને તે મેળવ્યું છે. તે ઝડપથી વિકિરણધર્મી ક્ષય પામે છે.

ફર્મિયમ(પ.ક્ર. 100)થી આગળનાં તત્ત્વોના સંશ્લેષણ માટે બે સામાન્ય પ્રકારની નાભિકીય પ્રક્રિયાઓ ઉપયોગમાં લેવામાં આવી છે. ઉષ્ણ-સંગલન (hot fusion) પ્રક્રિયાઓ તરીકે ઓળખાતા પ્રથમ પ્રકારમાં હલકા કણો(Z = 5થી 10, દા. ત., 5B, 6C, 7N, 8O અથવા 10Ne)નો ઉપયોગ Z = 92થી 98 ધરાવતા (દા. ત., 92U, 94Pu, 95Am, 96Cm અથવા 98Cf) લક્ષ્ય (target) ઉપર મારો ચલાવવા માટે થાય છે. આ રીતે 106 સુધીનાં તત્વો મેળવી શકાય છે; પણ તેથી આગળનાં તત્ત્વોની બાબતમાં મળતું સંયુક્ત નાભિક (compound nucleus) એટલી બધી ઉત્તેજના-ઊર્જા (excitation energy) ધરાવે છે કે ઇચ્છિત નાભિક મળે તે પહેલાં ઘણા કણો બાષ્પીભવન પામી જાય છે. આ પ્રશ્ન ઉકેલવા માટે ડ્યૂબની ટીમે શીત-સંગલન(cold fusion)નો વિકલ્પી માર્ગ સૂચવ્યો. તેમાં એ ઘટનાનો ઉપયોગ થાય છે કે 82Pb કે 83Bi જેવાં નાભિકો સંવૃત (closed) નાભિકીય કવચોને કારણે ઊંચી આબંધન (binding) ઊર્જા ધરાવે છે. જો આ નાભિકોનું 24Cr, 26Fe અથવા 28Ni જેવા કણો વડે પ્રતાડન કરવામાં આવે તો સફળતા મળી શકે. આને લીધે અનિચ્છનીય વિખંડન(fission)ની સંભાવના ઘણી ઘટી જતાં આ પદ્ધતિ Z > 106વાળાં તત્વો ઉત્પન્ન કરવા માટે સફળ નીવડી છે.

જ. દા. તલાટી