અનવસ્થિત શુક્રગ્રંથિતા (undescended testis) : જન્મસમયે કે તે પછી શુક્રગ્રંથિકોશા(scrotum) એટલે કે શુક્રગ્રંથિ-કોથળીમાં શુક્રગ્રંથિનું અવતરણ ન થયું હોય તે સ્થિતિ. જન્મસમયે કે તે પછીનાં થોડાં અઠવાડિયાંમાં જો શુક્રગ્રંથિકોશામાં શુક્રગ્રંથિ (શુક્રપિંડ) પેટમાંના તેના ઉદગમસ્થાનેથી ઊતરી ન હોય તો તેને અનવસ્થિત શુક્રગ્રંથિતા અથવા અનવસ્થિત શુક્રપિંડિતા કહે છે. ગર્ભાશયકાળમાં પેટની પાછલી દીવાલ પર કરોડના મણકાની બાજુમાં શુક્રગ્રંથિ વિકસે છે.
સામાન્ય રીતે ગર્ભાવસ્થાના 32મા અઠવાડિયા સુધીમાં તે શુક્રગ્રંથિકોશામાં ઊતરી આવે છે. શુક્રગ્રંથિકોષ પેટની બહાર છે માટે તેનું તાપમાન 10થી 20 સે. ઓછું રહે છે, જે શુક્રકોષપ્રસર્જન (spermatogenesis) માટે જરૂરી છે. શુક્રગ્રંથિ ખોટી જગાએ ઊતરી આવે તો તેને સ્થાનાંતરિત (ectopic) શુક્રગ્રંથિતા કહે છે (જુઓ આકૃતિ). શુક્રગ્રંથિના અવતરણની ખામીનાં કારણો હમેશાં સ્પષ્ટ હોતાં નથી. પરંતુ કેટલાક કિસ્સાઓમાં અંત:સ્રાવી (hormonal) વિકારો (15%) અથવા શુક્રગ્રંથિના આંતરિક વિકાસની ખામી જોવા મળે છે.
શુક્રગ્રંથિ યોગ્ય સ્થાને ન હોય તે નિદાનસૂચક છે. આકૃતિમાં દર્શાવેલાં સ્થળોએ શુક્રગ્રંથિને શોધી કાઢવામાં આવે છે. શુક્રગ્રંથિ જો 6થી 7 વર્ષની ઉંમર પહેલાં પેટમાંથી શુક્રગ્રંથિકોશામાં ન આવે તો તેમાં શુક્રકોષ બનતા નથી અને વંધ્યત્વનો ભય રહે છે. યોગ્ય સ્થાને ન હોય એવી શુક્રગ્રંથિને વાગવાનો અને મરડાઈ જવાનો (torsion) ભય રહે છે. શુક્રગ્રંથિકોષમાં શુક્રગ્રંથિ ન હોવાને કારણે માનસિક વ્યથા થાય છે. અનવસ્થિત શુક્રગ્રંથિમાં કૅન્સરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. લગભગ 70 % દર્દીઓમાં સારણગાંઠ પણ જોવામાં આવે છે. ક્યારેક પૂર્ણપણે ઊતરી આવેલી શુક્રગ્રંથિ પાછી ઊરુનલિકા(inguinal canal)માં ખેંચાઈ જાય છે. આને નિવર્તિની (retractile) શુક્રગ્રંથિતા કહે છે. તે માટે ઔષધો કે શસ્ત્રક્રિયાની સારવારની જરૂર હોતી નથી. બાળકની 6થી 7 વર્ષની ઉંમરમાં શસ્ત્રક્રિયા વડે શુક્રગ્રંથિને તેના યોગ્ય સ્થાને શુક્રગ્રંથિકોશામાં ગોઠવવામાં આવે છે.
અમરીશ જ. પરીખ