અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે.
કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને તેનો વાડ કરવા માટે ઉપયોગ થાય છે. તેની ડાળીઓ વારંવાર ફૂટ બનાવીને અપાર વાનસ્પતિક પ્રજનનશક્તિ ધરાવે છે. તેનાં પાંદડાં સાદાં, લાંબાં અને દંતુરિત (dentate) હોય છે. જાડાં થડિયાં ઉપર વચમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ફૂલ બેસે અને માર્ચ-મેમાં ફળ લટક્યાં કરે છે.
અનનાસનું મૂળ વતન બ્રાઝિલ હોઈ વહાણવટીઓ મારફત ભારતમાં સને 1548માં આવ્યા બાદ તેનો વિસ્તાર વધતો ગયો છે. આસામ, કેરળ, ત્રિપુરા રાજ્યોમાં તેનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. કુલ વાવેતર 25,000 હેક્ટર છે. ગુજરાતમાં સૂરત અને વલસાડ જિલ્લાઓમાં આંબાનાં ઝાડ વચ્ચે અનનાસનું વાવેતર થાય છે. ઉષ્ણ કટિબંધનો પાક છે, પણ સમશીતોષ્ણ કટિબંધમાં પણ ઉગાડી શકાય છે. દરિયાકિનારાના વિસ્તારમાં (હિમરહિત 1,100 મીટરની ઊંચાઈવાળા પ્રદેશ સહિત) સારો પાક થાય છે. તેને માટે વર્ષમાં સરખી રીતે વહેંચાયેલ 150 સેમી. વરસાદ યોગ્ય ગણાય. ખૂબ જ ભારે કાળી જમીન સિવાયની બેસર, ગોરાડુ અને મધ્યમ કાળી, સારી નિતારવાળી 5.5થી 6.5 પીએચ. ધરાવતી જમીન જરૂરી ગણાય.
વેપારી ધોરણે ક્યુ (Kew) (ફળ 1.5થી 2.5 કિગ્રા.) તથા ઘરવપરાશ માટે ક્વીન (Queen) (ફળ 0.5થી 1.0 કિગ્રા.) જાતો વવાય છે.
જમીન તૈયાર કરી અનનાસનાં પીલાં હારમાં જૂન-જુલાઈમાં રોપવામાં આવે છે. બે હાર વચ્ચે 60 સેમી. અંતર અને બે પીલાં વચ્ચે 30 સેમી. અંતર જરૂરી છે. હારનાં પીલાં સામસામે ન આવે તે જોવાનું હોય છે. એક હેક્ટરમાં 43,500 પીલાં રોપી શકાય છે.
રોપણી પછી ત્રણ માસે છોડદીઠ 12 ગ્રામ નાઇટ્રોજન અને 12 ગ્રામ પૉટાશ મળે તેવી રીતે ખાતર અપાય છે. 6 માસ પછી આટલા પ્રમાણમાં ફરી ખાતર અપાય છે. ઊણપ જણાય તો 0.5થી 1.0 ટકા પ્રમાણે ઝિંક સલ્ફેટ તથા આયર્નસલ્ફેટ પાન ઉપર છાંટવામાં આવે છે.
અનનાસનો પાક વરસાદ-આધારિત ન હોય તો ઉનાળા દરમિયાન 20થી 50 દિવસના અંતરે 4થી 6 પિયત જરૂરી ગણાય.
અનનાસને 12 માસે ફળ આવે છે અને 41થી 51 માસે પાક તૈયાર થાય છે. પરિરક્ષણ માટે ફળ પીળાશ પકડે ત્યારે અને ઘરવપરાશ માટે આખું ફળ સોનેરી થાય ત્યારે કલગી સાથે ઉતારાય છે. તેને ત્રણચાર અઠવાડિયાં રાખી શકાય છે.
1,000 પીલાંએ આશરે 1.2 ટન પ્રમાણે ફળ ઊતરે છે. અનનાસનો સીધો ફળ તરીકે ઉપયોગ કરાય છે અથવા પરિરક્ષણ કરી જુદી જુદી બનાવટો જેવી કે રસ, મુરબ્બો (જામ) અને ચીરીઓના ડબ્બા બંધ કરીને પણ બજારમાં મુકાય છે. રસમાં વિટામિન ‘સી’ છે. તેનાં પાનમાંથી દોરડાં બને છે. આયુર્વેદ પ્રમાણે અનનાસ ભૂખ્યા પેટે ખાવાથી વિષ જેમ અવગુણ કરે છે. તે અજીર્ણ તથા કૃમિ ઉપર ઉપયોગી ગણાય છે. આધુનિક સંશોધન અનુસાર તેના તાજા રસમાં બ્રોમેલી નામનો ઉત્સેચક માલૂમ પડ્યો છે, જે પાચનને મદદકર્તા છે.
જ. પુ. ભટ્ટ
મ. દી. વસાવડા