અનંત : દ્વિદળી વર્ગના રુબીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia jasminoides Ellis. syn. G. floribunda Linn.; G. augusta Merrill. (સં. गंधराज; હિં. अनंत, पिड़ितगर, गंधराज; ગુ. અનંત, ગંધરાજ) છે.
0.9થી 1.3 મીટર ઊંચું, સુશોભિત રમણીય, નાનું ક્ષુપ. પાન સામસામાં, લાંબાં અને જાડાં. પુષ્પો સફેદ, ઝૂમખાદાર અને અત્યંત ખુશ્બોદાર. છ પાંખિયાં દંડ ઉપર, વજ્રનલિકા 5થી 9 પાંખ ધરાવે અને તેનો સોય જેવો છેડો. ફૂલમણિ બે ચક્રમાં. શોભાયમાન સુંદર સુવાસિત અને મધુર, રસાળ ફળ.
આયુર્વેદ પ્રમાણે પ્રસૂતા સ્ત્રીઓને મસ્તકશૂળમાં અનંતનાં મૂળ અને ભારંગ મૂળ ગરમ પાણીમાં ઘસીને ચોપડવાથી રાહત મળે છે. સર્પના વિષ ઉપર અરીઠાના પાણી સાથે તેનાં મૂળ ઘસીને પાવાથી આસાએશ થાય છે.
મ. દી. વસાવડા