અધ્વર્યુ વિનોદ બાપાલાલ

January, 2024

અધ્વર્યુ, વિનોદ બાપાલાલ (જ. 24 જાન્યુઆરી 1927, ડાકોર, જિ. ખેડા; અ. 24 નવેમ્બર, 2016, અમદાવાદ) : કવિ, નાટ્યકાર, વિવેચક અને સંપાદક. શિક્ષણ ડાકોરમાં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. (1947). ભારતીય વિદ્યાભવનમાંથી ગુજરાતી વિષય સાથે એમ.એ. ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એડ. ગુજરાતી ગદ્ય, તેમાંય નાટક તેમના રસનો વિષય હતો. શરૂઆતમાં અમદાવાદની ‘શ્રેયસ’ સંસ્થામાં અધ્યાપન. 1957થી 1969 સુધી અમદાવાદની બી. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. 1969થી 1987 સુધી બાલાસિનોરની કૉલેજના આચાર્ય. તે પછી નિવૃત્ત.

એમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘નંદિતા’(1960)માં પ્રયોગશીલ કવિતાઓ છે. ‘માયાલોક’(કનુભાઈ જાની સાથે, 1965)માં નવલકથાના સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા કરી છે. ‘ગુજરાતી નાટકનું ગદ્ય’(1967)માં નાટકમાં યોજાતી ભાષા વિશે તલસ્પર્શી રજૂઆત કરી છે. સાહિત્ય અકાદમી, દિલ્હીની ‘ભારતીય સાહિત્ય નિર્માતા’ શ્રેણી(1984)માં અર્વાચીન ગુજરાતના અગ્રણી સાહિત્યસર્જક કનૈયાલાલ મુનશીનો પરિચયાત્મક આલેખ આપ્યો છે. ‘રંગલોક’(1987)માં નાટક અને રંગભૂમિ વિશેના લેખો છે. એમણે ‘જયંતી દલાલનાં એકાંકી’નું સંપાદન બકુલ ત્રિપાઠી અને રઘુવીર ચૌધરી સાથે અને ‘મેઘાણી અધ્યયનગ્રંથ’ તથા ‘આપણો ધર્મ’(આનંદશંકર ધ્રુવ ગ્રંથશ્રેણી)નું સંપાદન યશવંત શુક્લ અને ધીરુ પરીખની સાથે કર્યું છે. ‘સુદામાચરિત’ (1966) અને ‘અભિમન્યુ આખ્યાન’ ઉભય સોમાભાઈ પટેલ અને હેમંત દેસાઈ સાથે કરેલ સંપાદનો છે. ‘ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ’ (1983), ‘સુવર્ણ કેસૂડાં’ (એકાંકી, 1983), ‘શિવકુમાર જોષીનાં એકાંકી’ (1987) અને ‘એકાંકી સંચય’ (1994) અને ‘અનન્ત એકાંતે’ (1995), ‘યજ્ઞશેષ’ (1999)-ગોવર્ધનરામથી દર્શક સુધીનાં સર્જકોને તેમની મુખ્ય કૃતિઓના આધારે લેખો કર્યા છે. ‘નાટ્યાનુભૂતિ’ (2000), ‘તદનન્તરમ્’ (2001), ‘ગદ્યવિમર્શ’ (2003) તેમનાં વિવેચનસંગ્રહો છે. ‘બારાડીનાં ત્રણ નાટકો’ (2009) હસમુખ બારાડીનાં નાટકોનું અને ‘પૂર્વાલાપ’ (2021) ‘કાન્તનાં પ્રતિનિધિ કાવ્યો’ એમનાં આગવાં સંપાદનો છે. એમના ‘સ્પૉટ લાઇટ’(1999)ને 1998-99નું ગુજરાત સાહિત્ય અકાદમીનું ઉત્તમ એકાંકીસંગ્રહ માટેનું પ્રથમ પારિતોષિક એનાયત થયેલ છે.

વિ. પ્ર. ત્રિવેદી