અધોવાંક અને ઊર્ધ્વવાંક (syncline and anticline) : મુખ્ય ગેડપ્રકારો. કુદરતી સ્થિતિમાં ગેડરચનાનાં વિવિધ સ્વરૂપો જોવા મળતાં હોય છે. કેટલીક ગેડરચનાઓ તદ્દન સરળ પ્રકારની તો કેટલીક ઓછીવત્તી ગૂંચવણભરી સ્થિતિ દર્શાવતી હોય છે. મોટા ભાગની ગેડરચનાઓ મુખ્યત્વે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવાં બે સ્વરૂપોમાં જોવા મળે છે.

અધોવાંક : આ એવા પ્રકારની ગેડ છે, જેમાં ખડકસ્તરોની ગોઠવણી અંતર્ગોળ (concave) આકારની અથવા નીચે તરફ વળાંકવાળી હોય છે. વળાંકના કેન્દ્રભાગના ખડકસ્તરો નવા વયના હોય છે, દાબનાં બળોના સામાન્ય સંજોગો હેઠળ વળાંકથી રચાતા બંને ભુજની નમનદિશા ગેડગર્તતરફી હોય છે.

ઊર્ધ્વવાંક : અધોવાંકથી તદ્દન વિરુદ્ધ લક્ષણો દર્શાવતી આ એક એવા પ્રકારની ગેડ છે, જેમાં ખડકસ્તરોની ગોઠવણી બહિર્ગોળ (convex) આકારની અથવા ઉપર તરફના વળાંકવાળી હોય છે; વળાંકના કેન્દ્રભાગના ખડકસ્તરો જૂના વયના હોય છે. દાબનાં બળોના સામાન્ય સંજોગો હેઠળ વળાંકથી રચાતા બંને ભુજની નમનદિશા ગેડશીર્ષથી દૂર જતી હોય છે.

મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ

ગિરીશભાઈ પંડ્યા