અધોવળાંક અને ઊર્ધ્વવળાંક (synform and antiform) : રચનાત્મક દૃષ્ટિએ જટિલ ગોઠવણીવાળા ખડકસ્તરોના ક્ષેત્ર-અભ્યાસ દરમિયાન જ્યારે સ્તરોનું વય નક્કી કરી શકાય તેમ ન હોય ત્યારે અધોવાંક અને ઊર્ધ્વવાંક જેવી દેખાતી સંરચનાઓને કામચલાઉ અપાતાં નામ. સ્તરવિદ્યા(stratigraphy)ની દૃષ્ટિએ આ પર્યાયોને અધોવાંક (syncline) અને ઊર્ધ્વવાંક(anticline)ના વાસ્તવિક અર્થમાં સમજવાના નથી, પરંતુ આ નામો માત્ર એમના જેવા ભૌમિતિક દેખાવ ઉત્પન્ન કરતા આકારો પૂરતો અર્થ ઘટાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેન્દ્રીય ભાગ જૂના ખડકસ્તરોના બંધારણવાળો હોય એવી નીચે તરફ ઢળતી ગેડને અધોવળાંકમય ઊર્ધ્વવાંક (synformal anticline) અને કેન્દ્રીય ભાગ નવા ખડકસ્તરોના બંધારણવાળો હોય એવી ઉપર તરફ ઢળતી ગેડને ઊર્ધ્વવળાંકમય અધોવાંક (antiformal syncline) કહે છે.
મોહનભાઈ પુરુષોત્તમદાસ પટેલ
ગિરીશભાઈ પંડ્યા