અધોગામી ભૂગર્ભજળ (vadose water) : ભૂગર્ભજળસપાટીથી અલગ પડતો અધોભૌમજળનો અંત:સ્રાવી વિસ્તાર (વાતન વિસ્તાર, zone of aeration). બીજો વિભાગ સંતૃપ્ત વિભાગ છે, જે ભૂગર્ભજળની સપાટીથી નીચે રહેલો છે. અધોગામી ભૂગર્ભજળવિસ્તારને જમીન-જળ, ગુરુત્વીય જળ તેમજ કેશિકાજળ જેવા ત્રણ પેટાવિભાગોમાં વહેંચવામાં આવે છે :
જમીન-જળ (soil water) : ખડકોમાંનાં છિદ્રો અંશત: જળથી તો અંશત: હવાથી ભરાયેલાં રહેતાં હોવાથી આ વિભાગમાંનું જળ હવાના સતત સંપર્કમાં હોય છે. સપાટીથી વૃક્ષોના મૂળાંત સુધીની જાડાઈનો વિભાગ જમીન-જળ વિભાગ કહેવાય છે અને તેની જાડાઈનો આધાર જમીન-પ્રકાર તેમજ વનસ્પતિ પર હોય છે. ગુરુત્વીય જળ (gravitational water) જમીન-જળ વિભાગથી નીચેનો અને કેશિકા વિભાગ સુધીની જાડાઈને આવરી લેતો વિભાગ ગુરુત્વીય જળ વિભાગ ગણાય છે. તેની જાડાઈ ભૂગર્ભજળસપાટીના બદલાવા સાથે બદલાતી રહે છે. મુખ્યત્વે આ વિભાગમાં ગુરુત્વાકર્ષણબળની અસર હેઠળ પાણી નીચે ગતિ કરતું હોવાથી આ વિભાગને ગુરુત્વીય વિભાગ કહે છે.
કેશિકાજળ (capillary water) : ભૂગર્ભજળસપાટીથી પાણી કેશાકર્ષણક્રિયાને કારણે ઉપર ગતિ કરે છે. તેથી એટલા વિભાગને કેશિકાજળ વિભાગ કહે છે. આ વિભાગની જાડાઈ મોટા કણકદવાળા ખડકોમાં ઓછી અને સૂક્ષ્મ કણકદવાળા ખડકોમાં કેશાકર્ષણના નિયમ મુજબ વધુ હોય છે. (જુઓ આકૃતિ, અધોભૌમ જળ.)
ગિરીશભાઈ પંડ્યા
રાજેશ ધીરજલાલ શાહ